16 October, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાઇશ્રી રમેશભાઈ ઓઝા
શ્રીમદ્ ભગવદ્ગીતા બ્રહ્મવિદ્યા છે. ગીતાનો પાઠ કરવામાં આવે ત્યારે દરેક અધ્યાયના અંતે જે લખ્યું હોય છે એને પુષ્પિકા કહે છે. એમાં લખ્યું હોય છે, ઇતિ ભગવદ્ગીતાષુ ઉપનિષદત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે... આમ ભગવદ્ગીતા એ બ્રહ્મવિદ્યા છે.
શ્રીમદ્ ભાગવતની રચના ભગવાન વેદવ્યાસે કરી. યાદ રહે, સરસ્વતીના કિનારે ભાગવતની રચના થઈ અને સરસ્વતી એટલે બ્રહ્મવિદ્યા. શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં લખ્યું છે. સરસ્વતીના પશ્ચિમ કિનારે વ્યાસજીનો આશ્રમ હતો. એ આશ્રમનું નામ શમ્યાપ્રાસ. શમ્યાપ્રાસ નામ કેમ રાખ્યું? ઋષિઓ જે જંગલમાં આશ્રમ બનાવી રહે, જપ-તપ કરે એ જંગલમાં પોતાની અનુભૂતિને ગ્રંથસ્થ કરે. આપણી પાસે એટલા માટે આરણ્યકો છે. એ જંગલમાં નદીનો કિનારો કે પાણી જોઈએ.
આપણા મોટા ભાગનાં ગામો અને શહેરો નદીકિનારે વસ્યાં છે, કારણ કે જળ જીવન છે. જળનો સ્રોત જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ થાય. તો ક્યાંક નદી વહેતી હોય, ઝરણું હોય, વનરાજી હોય આવું સ્થાન શોધીને ઋષિ નક્કી કરે કે મારે આ જગ્યાએ આશ્રમ બનાવવો છે.
રાજાઓ દ્વારા આશ્રમ બનાવવાની છૂટ. સમયે-સમયે રાજાઓ એ આશ્રમોમાં જાય, ઋષિઓને પગે લાગે, તેમનાં ચરણોમાં બેસે, તેમની પાસેથી જીવન-સાફલ્યના ઉપદેશ પ્રાપ્ત કરે. પૂછે કે તમને તકલીફ નથીને! એવા અનાસક્ત મહાપુરુષો તો સાદું જીવન અને ઉચ્ચ વિચાર રાખનારા હોય. ભાજીનાં પાંદડાં ખાઈને સમગ્ર માનવતાના કલ્યાણ માટે જે સતત પોતાના શ્વાસ સમર્પિત કરતા હોય તેવા ઋષિઓ જે રાજાના રાજ્યમાં હોય તે રાજાનું સદ્ભાગ્ય કહેવાય.
એવા મહાપુરુષોનાં ત્યાં પગલાં પડે તો એ ભૂમિ ધન્ય થઈ જાય, પવિત્ર થઈ જાય. એવા મહાપુરુષો જ્યાં રહેતા હોય એ સ્થાન તીર્થ બને. માત્ર જળથી જ તીર્થત્વ નથી હોતું. એ તીર્થને તીર્થત્વ પ્રદાન કરે છે ત્યાં રહેનારા ઋષિઓ, સંતો જે ત્યાં તપસ્યા કરે છે, ભજન કરે છે. તેમને કારણે તીર્થનું તીર્થંત્વ છે. બાકી તમે મંદિર બનાવી લો, સારામાં સારી ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરાવી લો; પણ પૂજારી સરખો ન હોય તો એમાં દેવત્વ આવે નહીં. દેવની મૂર્તિ ભલે હોય, મંદિર ભલે હોય; પણ એમાં દેવત્વ નહીં આવે. એ તો તપસ્વી પૂજારી થકી જ શક્ય બને. પૂજારી કેવા હોય એની વાત આવતા દિવસોમાં કહીશ, પણ અત્યારે કહેવાનું એટલું જ કે દેવત્વ માટે તપસ્વી પૂજારી અનિવાર્ય છે.
- પ્રખર ભાગવતકાર ભાઈશ્રી
પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે