વેસ્ટર્ન બીટ પર ક્લાસિકલ ડાન્સ કરવામાં માહેર છે આ ટીનેજર

02 July, 2021 01:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ભરતનાટ્યમમાં પારંગત મુલુંડની ૧૭ વર્ષની સાનિકા શાહે લૉકડાઉનમાં પાશ્ચાત્ય સંગીત પર ભારતીય નૃત્ય ટ્રાય કરી જોયું, બધાને આ સ્ટાઇલ એટલી ગમી ગઈ કે હવે અંકલ-આન્ટીની એજના લોકો તેની પાસે ડાન્સ શીખે છે

સાનિકા શાહ

નાનપણથી ક્લાસિકલ નૃત્યમાં નિપુણ મુલુંડની ટીનેજર સાનિકા શાહને લૉકડાઉનમાં વિવિધ પ્રકારના ડાન્સ ફૉર્મ શીખવાનો શોખ જાગ્યો. ઇન્ટરનેટના માધ્યમથી બૉલીવુડ સ્ટાઇલ, હિનપ હૉપ, કન્ટેમ્પરરી અને જૅઝ શીખી તેણે પરંપરાગત ભારતીય નૃત્યશૈલીમાં અખતરા કરી નવી સ્ટાઇલ ડેવલપ કરી છે. વેસ્ટર્ન મ્યુઝિક પર દેશી નૃત્યની કોરિયોગ્રાફીથી પ્રભાવિત થયેલા અનેક લોકો આજે સાનિકા પાસે ડાન્સ શીખી રહ્યા છે.

એક્સપરિમેન્ટ પૉપ્યુલર થયો  |  ક્રિસમસ વખતે જિંગલ બેલ સૉન્ગ પર ભરતનાટ્યમના સ્ટેપ કરી વિડિયો બનાવ્યો હતો. અમસ્તા ટાઇમપાસ માટે જ કર્યું હતું પણ અમારા સકર્લમાં સોશ્યલ મીડિયા પર આ વિડિયો ખાસ્સો પૉપ્યુલર થઈ ગયો. આગળની સ્ટોરી શૅર કરતાં સાનિકા કહે છે, ‘પબ્લિકનો રિસ્પૉન્સ મળતાં ઉત્સાહ વધ્યો. ભરતનાટ્યમમાં પારંગત છું એ બધાને ખબર હતી, પરંતુ ફ્યુઝન પણ કરી શકું છું એ જોઈ અનેક લોકોએ ડાન્સ શીખવાડીશ? એવી પૂછપરછ કરી. આજકાલ બધાને બૉલીવુડ સ્ટાઇલમાં ફ્રી ડાન્સ કરવાનો શોખ છે અને હમણાં સમય હોવાથી ઑનલાઇન ટીચિંગ માટે હા પાડી. ત્યાર બાદ અંકલ-આન્ટીની એજના લોકો જૉઇન થઈ ગયા. જોકે હું પોતે હજી શીખી રહી છું એટલે ટીચર બની ગઈ એવો ગર્વ ન લઈ શકું. હા, ભવિષ્યમાં કોરિયોગ્રાફીના ફીલ્ડમાં ચોક્કસ આગળ વધવું છે.’

પુરસ્કારોનો ઢગલો  |  સ્કૂલમાં અઠવાડિયે એક વાર એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીના ક્લાસ હોય એમાં સાનિકાની મમ્મીએ એને ડાન્સ માટે પ્રોત્સાહિત કરી હતી. દીકરીને નૃત્યમાં રુચિ છે એવું જાણ્યા બાદ ભરતનાટ્યમની બાકાયદા તાલીમ માટે મોકલી. ચાર વર્ષની ઉંમરે ક્લાસિકલ નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને તેર વર્ષે આરંગેત્રમ કમ્પ્લીટ થઈ ગયું. ભરતનાટ્યમની કલાથી સાનિકા લાર્જર ઑડિયન્સને મંત્રમુગ્ધ કરી શકે છે. તે કહે છે, ‘હાવભાવ સાથે નૃત્યમાં ડેડિકેશનના કારણે ગુરુજી શિર્ડી, લાતુર સહિત મહારાષ્ટ્રનાં મંદિરોમાં આયોજિત કાર્યક્રમોમાં લઈ જતા. તેમના માર્ગદર્શનમાં ગ્રેટર ઑડિયન્સ સામે નૃત્ય કરવાની તક મળતાં આત્મવિશ્વાસ વધ્યો. ભરતનાટ્યમમાં અનેક પુરસ્કારો મેળવ્યા છે. સ્કૂલના કાર્યક્રમોમાં પણ કોરિયોગ્રાફીની જવાબદારી મને સોંપવામાં આવતી. નાનપણથી જ ડાન્સમાં દિલચસ્પી રહી છે.’

ઊંચી મહત્ત્વાકાંક્ષા  |  કોવિડમાં સ્ટડી હોલ્ટ પર આવી જતાં ડાન્સમાં જુદા-જુદા એક્સપરિમેન્ટ કરવાની મજા પડી, પરંતુ ભરતનાટ્યમ મારા દિલની નજીક છે એમ જણાવતાં તે કહે છે, ‘બીજા યંગસ્ટર્સની જેમ જમાના પ્રમાણે ડિફરન્ટ સ્ટાઇલ શીખવાનું ગમે છે. ક્લાસિકલ નૃત્ય આવડતું હોય તેના માટે ફ્રી સ્ટાઇલ ઈઝી છે, પરંતુ કન્ટેમ્પરરી ડાન્સ જુદી જ શૈલી હોવાથી શિક્ષકની જરૂર પડે. જોકે મારું માનવું છે કે આજે પણ દેશ-વિદેશમાં ભારતીય નૃત્યકલાના ચાહકો છે. ક્લાસિકલ એવી નૃત્યશૈલી છે જેમાં ગમે એટલું શીખો ઓછું છે. આ અનએડિંગ ફીલ્ડ હોવાથી એમાં વધુ ઊંડા ઊતરવાનો પ્રયાસ સતત ચાલુ રાખીશ. નૃત્ય ઉપરાંત ક્રિકેટ અને ટ્રેકિંગનો પણ જબરદસ્ત ક્રેઝ છે. સ્કૂલની ક્રિકેટર ટીમની કૅપ્ટન રહી ચૂકી છું અને જિલ્લા તથા રાજ્યકક્ષાની અનેક મૅચમાં ભાગ લીધો છે. હવે ટ્રેકિંગની તાલીમ લેવાની પણ ઇચ્છા છે. વાસ્તવમાં મારા જીવનમાં બે ડ્રીમ છે. હિમાલયના ઊંચા પર્વતો સર કરવા અને સમિટ પર પહોંચ્યા બાદ ત્યાં ભરતનાટ્યમ કરવું.’

Varsha Chitaliya columnists