આ 10 ગુજરાતી કવિતાઓ યાદ કરાવી દેશે સ્કૂલના દિવસો

09 June, 2019 12:15 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

આ 10 ગુજરાતી કવિતાઓ યાદ કરાવી દેશે સ્કૂલના દિવસો

Image Courtesy: Hello Gujarati

ગુજરાતી ફિલ્મો જેટલી લોકપ્રિય થઈ છે, તેટલી લોકપ્રિયતા હજી ગુજરાતી સાહિત્યની નથી. ઉત્તમ લેખકો અને કવિઓ છે, તેમ છતાંય સાહિત્યમાં રસ લેતા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. કદાચ તેની પાછળ સ્કૂલોમાં ભણાવાતા ગુજરાતી વિષયની સ્ટાઈલ જવાબદાર છે. જો કે સ્કૂલની વાત કરીએ તો ગુજરાતી વાર્તાઓ એટલે કે સ્કૂલમાં ભણાવાતા જુદા જુદા પાઠ જેમ કે ગીગાનો છકડો, પોસ્ટઓફિસ જેવી વાર્તાઓ તમને યાદ હશે. પણ આજે અમે તમને વાત કરીશું એવી 10 કવિતાઓની, જે તમને બાળપણ અને સ્કૂલના દિવસો યાદ કરાવી દેશે. એટલું જ નહીં આ કવિતાઓ તમે ગાવા પણ લાગશો. ગેરંટી છે.

1) રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી
    સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી

જો કીધું હતું ને, કે ગાવા લાગશો. આ કવિતા છે જ એવી કે જીભે ચડી જાય.

ચલોને થોડી ગાઈ લઈએ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

ભઈ મારે તો આ કવિતા ત્રીજા ધોરણમાં ભણવામાં આવતી હતી. અને આપણને તો આ કવિતામાં મજા પણ બહુ પડતી. આખરે સિંહને પણ કોક માથાનું મળ્યું ખરું.

આ કવિતા ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર રમણલાલ સોનીએ લખી છે. રમણલાલ સોની ઉત્તમ બાળસાહિત્યકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. મોડાસામાં જન્મેલા રમણલાલ સોનીએ આગ્રા યુનિવર્સિટીમાંથી બીએ થયા અને 1945માં આચાર્ય થયા. બાદમાં 1952થી 1957 સુધી મુંબઈ ધારાસભામાં સભ્ય પણ બન્યા.

2) આ તો કેવી અજબ જેવી વાત છે
    નાની મારી આંખ એ જોતી કાંખ કાંખ
    એ તો કેવી અજબ જેવી વાત છે…
    નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
    એ તો કેવી અજબ જેવી વાત છે…
    નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન

ક્યુરિયોસિટી કોને કહેવાય એ આ કવિતામાં સાદા શબ્દોમાં સરળ રીતે સમજાવી દેવાયું છે. અને કવિતા પાછી એવી ઉંમરે ભણાવાઈ જ્યારે આપણને આ નિર્દોષ સવાલો થતા હોય. અને ના થતાં હોય તો આ કવિતા વાંચીને થઈ જાય. આમ તો આ તો કેવી અજબ જેવી વાત છે એ બાળગીતની શ્રેણીમાં આવે છે, પણ કવિતા તરીકે યાદ કરી શકાય. જો કે આ બાળગીત કોણે લખ્યું છે એ જરા કોઈને યાદ હોય તો કહેજો પાછા.

3) ચારણ કન્યા

મને ખાતરી છે આ કવિતા તો તમને નહીં જ ભૂલ્યા હોય. ગમે તેવો વિદ્યાર્થી હશે, જેને ભણવાનું નહીં ગમ્યું હોય એને પણ ચારણ કન્યા તો યાદ હશે જ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલી ચારણ કન્યા ક્લાસરૂમમાં પણ રૂંવાડા ઉભા કરી દે. અને આજે પણ જો કોઈ કાર્યક્રમમાં છટાદાર રીતે સાંભળીએ તો આંખ સામે ખરેખર ચારણ કન્યા અને ગીરનું એ દ્રશ્ય રચાઈ જાય. ચાલો થોડી લાઈનો ગાઈ લેવાની કોશિશ કરીએ.

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

4) તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો – એક ઘા

આ કવિતા કદાચ ખૂબ ઓછા લોકોને યાદ હશે, અને જેને યાદ હશે તે છંદ મંદાક્રાંતામાં ગાવા પણ લાગ્યા હશે. જો મંદાક્રાંતા, સંગીતનો પીરિયડ પણ યાદ આવી ગયોને ... ગા ગા લ ગા ગા, ગાલ ગા ગા !!! આપણે કવિતા પર પાછા આવીએ. કલાપી રચિત આ કવિતા ગાવાની પણ મજા આવતી હતી. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ગુજરાતીના એકાદ પેપરમાં તો સવાલ પૂછાયો જ હશે કે કલાપીનું સાચું નામ શું. અને હા કલાપીની કદાચ એ જ કવિતાઓ તમને યાદ હશે, જે આ જ રાગ એટલે કે છંદ મંદાક્રાંતામાં લખાઈ હોય.
દાખલા તરીકે

કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની
એકે બિન્દુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં
(ગ્રામ્યમાતનો અંશ)

5) યશગાથા ગુજરાતની

જય સોમનાથ, જય દ્વારકેશ
જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની
જય જય ગરવી ગુજરાતની

આ પણ વાંચોઃ શું તમે ટ્રાય કરી છે લહેજત પડી જાય એવી આ 10 ગુજરાતી મિઠાઈઓ?

મને યાદ છે, કયું ધોરણ એ નથી ખબર પણ એક વર્ષમાં ગુજરાતી વિષયમાં આ કવિતા સૌથી પહેલી ભણવામાં આવતી હતી. ગુજરાતનો ઈતિહાસ, તેની લાક્ષણિક્તાઓ આ કવિતામાં સરસ રીતે રજૂ થઈ છે. કવિ રમેશ ગુપ્તાએ આખું ગુજરાત આ એક કવિતામાં સંગ્રહી લીધું છે.

6) ચોકમાં દાણા નાખ્યા છે

આવો પારેવા, આવોને ચકલાં
ચોકમાં દાણા નાખ્યા છે

આવો પોપટજી, મેનાને લાવજો
ચોકમાં દાણા નાખ્યા છે

આ કવિતા સાંભળીને આપણને પણ આપણી ગેલેરી કે ધાબામાં ચણતા કબૂતર અને ચકલી યાદ આવી જતાં. ખેર આજે તો ચકલી દેખાતી જ નથી અને કબૂતરને ચણતા જોવાનો સમય નથી મળતો ત્યારે બસ આ કવિતાને યાદ કરી બે લીટી ગણગણીને મન મનાવી લઈએ. મૂછાળી મા તરીકે ઓળખાતા ગિજુભાઈ બધેકાએ આ કવિતા લખી છે.

7) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ

જ્યારે જ્યારે માં વિશે નિબંધ આવે તો નિબંધની શરૂઆતમાં સૌથી વધુ વપરાતી કવિતા આ જ હતી. દામોદરદાસ બોટાદકરે લખેલી આ કવિતા જે દિવસે ક્લાસમાં ભણવાઈ હોય એ દિવસે કદાચ દરેક વિદ્યાર્થીઓનુ મમ્મી પ્રત્યેનું માન વધી જતું હશે. કવિતામાં માતાના ત્યાગ અને બલિદાનની વાતો જ કંઈક એવી રીતે કરાઈ છે.

8) હું તો પુછુ કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી ટિલડી કોણે જડી
આ ટીલડી કોણે જડી ?
વળી પુછું કે મિંદડીની માંજરી શી આંખમાં
ચકચકતી કીકીઓ કોણે મઢી ?

આ કવિતામાં પણ બાળ સહજ જિજ્ઞાસાની વાત છે. કેવી અજબ જેવી વાત છે કવિતાની જેમ આ કવિતામાં પણ કુદરતની કરામતો બાળકોને સરળ રીતે સમજાવી દેવાઈ છે. આ કવિતા ગાવાની પણ ક્લાસરૂમમાં કેવી મજા આવતી હતી ?

9) બા મને ચપટી વગાડતા આવડી ગઈ

નાનપણમાં તો ચપટી પણ ચમત્કાર જેવી જ લાગતી. અને ચપટી વગાડતા ન આવડે તો અફસોસ પણ થતો. મોટા ભાગના લોકોને આ કવિતા સમયે ટીચરે ચપટી વગાડતા શીખવાડી જ હશે. અને જેની જેની ચપટી વાગે એતો ક્લાસમાં હીરો જેવું ફીલ કરે. પછી તો બસ પાછલી બેન્ચ પરથી ચાલુ પીરિયડે ચપટીઓવગાડ્યા કરવાની. ચપટી વગાડવા જેવી સામાન્ય વાત પણ રમેશ પારેખ આપણને કવિતામાં કેટલી આસાનીથી શીખવી ગયા !!

આ પણ વાંચોઃ ગુજરાતી ભાષા વૈભવઃ એવી કહેવતો જેમાં થાય છે શરીરના અંગોનો ઉલ્લેખ

10) વાયરા વન વગડામાં વાતાં'તાં
      વા વા વંટોળિયા!
      હાં રે અમે વગડા વીંધવા જાતાં'તાં
      વા વા વંટોળિયા!

ગામડામાં રહેનારા બાળકો માટે આ કવિતા ઘર સમાન અને મારા જેવા જેણે ગામડું જોયું જ ન હોય, તેમના માટે તો આ કવિતા આશ્ચર્ય સમાન જ હતી. કવિતામાં ઉનાળાની બપોર, તાપ, ગાડાનો અવાજ અને બળદના ઘૂઘરાંની રમઝટ કવિ જગદીપ વિરાણીએ અદભૂત રીતે વર્ણવી છે. જાણે તમે પોતે જ ગાડામાં બેઠા હો એવો અહેસાસ થઈ આવે.

gujarat news