10 September, 2026 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક કુંભાર રોજ પોતાના ગધેડાને લઈને જંગલમાં માટી ખોદવા જતો હતો. એક દિવસ માટી ખોદતાં-ખોદતાં કુંભારને જમીનમાં રહેલી પરમાત્માની મૂર્તિ મળી ગઈ.
કુંભાર ખુશ-ખુશ થઈ ગયો.
‘ગામમાં એક પણ મંદિર નથી. પ્રભુની મૂર્તિ જ્યારે મળી જ ગઈ છે ત્યારે એક મસ્ત મંદિર બનાવીને એમાં આ પ્રભુની મૂર્તિને બિરાજમાન કરી દઈશ.’
આ વિચાર સાથે કુંભારે કાળજીપૂર્વક ગધેડાની પીઠ પર મૂર્તિ ગોઠવી અને જ્યાં મૂર્તિ સાથે કુંભારે ગામમાં પ્રવેશ કર્યો, મૂર્તિનાં દર્શને તો ગામવાસીઓ પાગલ-પાગલ બની ગયા.
ઠેર-ઠેર મૂર્તિના સ્વાગત માટે વધામણાં થયાં, પણ ગધેડાને એમ લાગ્યું કે આ વધામણાં મારાં થઈ રહ્યાં છે.
બીજા દિવસે એ જ મૂડમાં ગધેડો નૃત્ય કરતો-કરતો રસ્તા પર ચાલતો રહ્યો અને લોકોએ લાકડીઓ મારી-મારીને એનાં હાડકાં તોડી નાખ્યાં!
આ આખી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે...
કુંભારના સ્થાને સદ્ગુરુ છે.
ગધેડાના સ્થાને આપણે છીએ અને પ્રભુની મૂર્તિના સ્થાને પુણ્ય છે. આ સંસારમાં ક્યાંય પણ આપણું સત્કાર કે સન્માન થાય છે, ઉજમણાં કે વધામણાં થાય છે, ગરિમા વધે છે કે ગૌરવ થાય છે, પ્રતિભા વિકસે છે કે પ્રશંસા થાય છે તો એ તમામનો યશ જો કોઈ એક જ પરિબળના ફાળે જતો હોય તો એ પરિબળનું નામ છે પુણ્યકર્મ.
શું કહું?
આ સંસારનો કોઈ પણ છદ્મસ્થ જીવ કોઈ પણ પ્રકારનું પાપ કરે છે તો એના કેન્દ્રમાં પુણ્યનો ઉદય હોય છે. આનો અર્થ? આ જ. પુણ્યના ઉદય વિના પાપનો બંધ શક્ય જ નથી અને સામાયિકનું આ જીવને જે સૌથી વિશિષ્ટ યોગદાન છે તે આ છે.
પાપત્યાગ! અને પાપત્યાગ એટલે પાપના બંધનો ત્યાગ અને પાપના બંધનો ત્યાગ એટલે અનેક જીવો પર કલ્પનાતીત અને ગજબનાક ઉપકાર.
આ સંદર્ભમાં એક ગંભીર વાત કરું? આ જગતનો એક પણ આત્મા તમને ચાહે ત્યારે માનવું કે એ તમને નહીં પણ તમારી અંદર રહેલી સારપને ચાહે છે. જીવનમાં ક્યારેય ગધેડા ન બનવું; જીવનમાં ક્યારેય એવા અભિમાન તળે ન આવવું કે દુનિયા તો આપણને જોઈને નમી પડે છે, ઝૂકી પડે છે. ના, દુનિયા એને જ ઝૂકે જેનામાં પુણ્યકર્મ હોય. અહમને જીવનમાં સ્થાન નથી અને માનવર્ધક બની પણ ન શકે એટલે પાપત્યાગની માત્રા વધારતા જવું અને પુણ્યકર્મનું પલ્લું વધારે ને વધારે ભારે કરીને જીવનને સાચી દિશામાં આગળ લેતા જવું એ દરેક મનુષ્યની જવાબદારી છે.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.