મુંબઈના ગુજરાતી કથકગુરુના ગ્રુપને તક મળી સોમનાથ મંદિરમાં પર્ફોર્મ કરવાની

20 September, 2026 12:15 PM IST  |  Gir Somnath | Darshini Vashi

ડૉ. પીયૂષ રાજ દ્વારા સ્થાપિત નટનમ સ્ટુડિયો ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સે સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યથી લઈને અત્યાર સુધીની ગાથાને કથકસ્વરૂપે રજૂ કરી

સોમનાથની ગાથા

ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધી આર્ટ્‍સ (IGNCA) દ્વારા શ્રાવણના દર સોમવારે સોમનાથ ખાતે ભારતીય સંસ્કૃતિ દર્શાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી પસંદ કરવામાં આવતાં ૩ ગ્રુપ દ્વારા શ્રાવણના દર સોમવારે અહીં કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. એમાં છેલ્લા સોમવારે એટલે કે ૭ સપ્ટેમ્બરે મુંબઈના નટનમ સ્ટુડિયો ફૉર પર્ફોર્મિંગ આર્ટ્‍સ, ગોરેગામ, મુંબઈને સોમનાથ મંદિરમાં પર્ફોર્મ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ મુંબઈનું એકમાત્ર પસંદગી પામેલું ગ્રુપ હતું. આ પર્ફોર્મિંગ આર્ટ્‍સ ગ્રુપના સ્થાપક ડૉ. પીયૂષ રાજ છે જેઓ પોતે ગુજરાતી છે અને મુંબઈના એકમાત્ર ગુજરાતી કથકગુરુ બન્યા છે જેઓ સોમનાથના મુખ્ય મંદિરના પ્રાંગણમાં કથક દ્વારા સોમનાથની સંપૂર્ણ ગાથાને રજૂ કરી શક્યા હતા. 
‘વંદે જ્યોતિર્મયમ્ – ગાથા સોમનાથ કી’ શીર્ષક હેઠળ ૭ સપ્ટેમ્બરે દધીચિ શૈલીમાં સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યથી લઈને અત્યાર સુધીની કથાને કથકસ્વરૂપે ડૉ. પીયૂષ રાજ અને સુનીલ સુનકરા તેમ જ તેમના સાથીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કથામાં સોમનાથ જ્યોતિર્લિંગના ઉદ્ભવ, વિનાશ, પુનર્જીવન અને પુનઃ પ્રાગટ્યની ઘટનાઓને કથકરૂપે વણી લેવામાં આવી હતી. એનું લેખન અને દિગ્દર્શન ડૉ. પુરુ દધીચ (પ‍દ‍્મશ્રી, સંગીત નાટક અકાદમી પુરસ્કારવિજેતા) દ્વારા કરવામાં આવ્યું હતું. કથાકથનમાં મુખ્ય ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી શર્મિલી રાજ દ્વારા ભજવવામાં આવી હતી. આ સિવાય કથક રજૂ કરનારા ગ્રુપમાં પ્રીતિ બાંદેકર, પદ‍્મા બોદેકર, ક્ષિતિજ કોઠે, સ્વપ્નિલ પાટીલ અને સોનાલી ચંદારાણા સામેલ હતાં.
કથક એટલે નૃત્ય દ્વારા કથા કહેવી, ૧૨ જ્યોતિર્લિંગમાંના પ્રથમ કહેવાતા સોમેશ્વર મહાદેવની પ્રાગટ્યની કથાને અમને કથક દ્વારા રજૂ કરવાનું જે સૌભાગ્ય મળ્યું એ માટે હું ખૂબ જ ગર્વ અનુભવું છું એમ જણાવતાં ડૉ. પીયૂષ રાજ કહે છે, ‘મેં મારા ગ્રુપ સાથે અગાઉ નૅશનલ લેવલના અનેક પર્ફોર્મન્સ આપ્યા છે અને અનેક સન્માન પણ મેળવ્યાં છે જેને ધ્યાનમાં રાખીને અમારી પસંદગી સોમનાથમાં પર્ફોર્મ કરવા માટે કરવામાં આવી હતી. અમને જેવો લેટર આવ્યો એટલે અમે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. અનેક દિવસોની તૈયારી અને પ્રૅક્ટિસ બાદ અમે ૭ સપ્ટેમ્બરે લાઇવ પર્ફોર્મ કરી શક્યા. એનું અનેક ટીવી-ચૅનલો પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.’
પર્ફોર્મન્સ વિશે માહિતી આપતાં ડૉ. પીયૂષ રાજ કહે છે, ‘સોમનાથની ગાથાની પ્રસ્તુતિની શરૂઆત અમે એક શ્ળોકથી કરી હતી. એમાં પ્રભાસ ક્ષેત્રને ભારતનાં પાંચ પવિત્ર તીર્થોમાંના એક તીર્થ તરીકે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર બાદ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સુધી અમે કથાને આગળ લઈ જઈએ છીએ. ચંદ્રદેવ એટલે કે સોમદેવને મળેલા શ્રાપથી લઈને તેમણે કરેલી ભગવાન શિવની તપસ્યા અને ભગવાન મહાદેવ દ્વારા ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરવો અને પછી સોમનાથ નામ પડવા પાછળની સંપૂર્ણ કથા એમાં વર્ણવી લેવામાં આવી હતી. આ ઉપરાંત સોમનાથની રક્ષા માટે લડાયેલાં અસંખ્ય યુદ્ધોમાં શહીદ થયેલા અજાણ્યા દેવદાસીઓ, વીરો, સૈનિકો અને પંડિતોને પણ નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.’

૨૦ વર્ષથી દેશ-વિદેશમાં પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યા છે ડૉ. પીયૂષ રાજ

બહુમુખી પ્રતિભા ધરાવતા ડૉ. પીયૂષ રાજ કથક નૃત્યમાં પારંગત છે જે માટે તેમણે અનેક દિગ્ગજ ગુરુઓ પાસેથી તાલીમ લીધી છે. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મેં જયપુર અને લખનઉ ઘરાનાના પ્રખ્યાત ગુરુઓ પાસેથી તાલીમ મેળવી છે. બિરેશ્વર ગૌતમ અને ડૉ. પુરુ દધીચ પાસેથી કથકનું ઊંડાણપૂર્વક શિક્ષણ લીધું છે. કથકના ક્ષેત્રમાં મેં ‘કથકશાસ્ત્ર’ વિષય પર વિશ્વનો પ્રથમ ડિપ્લોમા કોર્સ તૈયાર કરવામાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું અને સુનીલ સુનકરા કથકમાં વાર્તા કહેવાની અનોખી શૈલીને આગળ લઈ જઈ રહ્યા છીએ. ‘કથા કહો કે કથક કહાવે’ નામની પ્રાચીન કથાકથન પરંપરાને આધાર બનાવીને કથકની આ વિશિષ્ટ શૈલીને જીવંત રાખી રહ્યા છીએ. મેં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં કથકના ઇતિહાસ, શાસ્ત્ર અને સાહિત્ય પર રિસર્ચ પેપર્સ રજૂ કર્યાં છે. ‘કથકશાસ્ત્ર’ અને ‘પર્ફોર્મિંગ આર્ટ્‍સ દ્વારા વ્યક્તિત્વ વિકાસ’ વિષય પર વિશેષ અભ્યાસક્રમો ડિઝાઇન પણ કર્યા છે. હું અત્યાર સુધીમાં મારા ગુરુ અને મારા વિદ્યાર્થીઓ સાથે મળીને દેશના અનેક પ્રતિષ્ઠિત નૃત્ય-મહોત્સવોમાં સોલો અને ગ્રુપ પર્ફોર્મન્સ આપી ચૂક્યો છું જેમાં મુંબઈમાં યોજાતા કાલા ઘોડા ફેસ્ટિવલ, એલોરા ફેસ્ટિવલ-ઔરંગાબાદ, ખજૂરાહો ડાન્સ ફેસ્ટિવલ, દિલ્હી ખાતે પંડિત બિરજુ મહારાજ દ્વારા આયોજિત ‘વસંતોત્સવ ઑફ કાલાશ્રમ’નો સમાવેશ છે. આ ઉપરાંત મેં ‘શ્યામ સખી’ નામના નાટ્યમાં અભિનય પણ કર્યો છે. આ નાટક પૃથ્વી થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું. હું અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળમાંથી કથક વિષયમાં નૃત્ય અલંકાર છું અને મેં કથકશાસ્ત્રમાં ડિપ્લોમા કર્યો છે. પર્ફોર્મિંગ આર્ટ્‍સ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટમાં ડિપ્લોમા કર્યો છે તેમ જ ફાર્માસ્યુટિકલ સાયન્સમાં બૅચલર ઑફ ફાર્મસી (BPharm), માસ્ટર ઑફ ફાર્મસી (MPharm) અને ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD) (Tech) કર્યું છે. છેલ્લાં ૨૦ વર્ષથી વધુ સમયથી ભારત અને વિદેશમાં પોતાની કલા પ્રદર્શિત કરી રહ્યો છું.’

somnath temple shiva temple shiva culture news religion religious places hinduism indian mythology darshini vashi life and style lifestyle news