દુનિયા સાથે કનેક્ટ કરતો મોબાઇલ વ્યક્તિને દુનિયાથી કાપી નાખે છે

09 March, 2026 02:54 PM IST  |  Mumbai | Swami Satchidananda

મોબાઇલ અનિવાર્ય છે, એના વિના આજે ચાલે નહીં એ પણ હકીકત છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સાધન તરીકે મોબાઇલ સારો છે પણ મોબાઇલના કારણે હવે દુર્ઘટનાઓ વધવા માંડી છે. એવી દુર્ઘટના જેની આપણે નોંધ નથી લેતા. મોબાઇલ નહોતા ત્યારે માણસની નજર ખુલ્લી રહેતી પણ મોબાઇલ આવ્યા પછી હવે લોકોની નજર નીચી અને મોબાઇલમાં જ હોય છે. પહેલાંના સમયમાં લોકો બસ કે ટ્રેનમાં અવરજવર કરતા ત્યારે એકબીજા સાથે વાતો કરતા. ઘણા લોકો એવા હતા કે આ પ્રકારે ટ્રાવેલિંગ કરતાં-કરતાં તેમની ઓળખાણ થઈ હોય અને તેમની વચ્ચે પછી લાંબો સંબંધ બંધાયો હોય. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી અને ખાસ તો આ સ્માર્ટફોન આવ્યા પછી એ જે નવા સંબંધો બાંધવા માટેની હૂંફ હતી એ મરી ગઈ છે. હું ઘણી વાર મોબાઇલમાં રચ્યાપચ્યા રહેતા લોકોને જોઈને કહું કે તે તેની દુનિયામાં છે. અફસોસની વાત એ છે કે મોબાઇલને કારણે દુનિયા એક હોવા છતાં બધાએ પોતપોતાનું વિશ્વ ઊભું કરી લીધું છે અને એમાં જ ફસાયેલા રહે છે.

મોબાઇલ અનિવાર્ય છે, એના વિના આજે ચાલે નહીં એ પણ હકીકત છે. બૅન્કથી માંડીને લાઇબ્રેરી આખી મોબાઇલમાં આવી જાય છે ત્યારે મોબાઇલ નહીં વાપરવાની સલાહ આપવી તો ગેરવાજબી છે, પણ એ મોબાઇલ વાપરવાનું ડિસિપ્લિન શીખવું બહુ જરૂરી છે. પશ્ચિમના દેશોમાં જેટલો મોબાઇલનો ઉપયોગ નથી થતો એટલો દુરુપયોગ આપણે ત્યાં થાય છે. હમણાં ઑસ્ટ્રેલિયાથી એક સ્વજન મળવા આવ્યા ત્યારે તેમની પાસેથી ખબર પડી કે આપણા કરતાં વધારે ઉપયોગ એ લોકો મોબાઇલનો કરે છે પણ મોબાઇલનું કામ પૂરું થઈ ગયા પછી એ લોકો મોબાઇલ બાજુમાં મૂકી દે છે. એ સ્વજને બહુ સરસ શબ્દો કહ્યા કે વારંવાર મોબાઇલ હાથમાં લઈને જોવાની આદત અમને નથી પડી, જે આપણે ત્યાં છે. જેના માટે મોબાઇલની જરૂર ન પડે એવી કોઈ જગ્યાએ મોબાઇલનો ઉપયોગ ત્યાં નથી થતો. મોબાઇલને એ લોકોએ લાઇબ્રેરી નથી બનાવી.

પુસ્તક વાંચવું હોય તો તે ખરીદે જ છે અને કાં તો સાચી લાઇબ્રેરીમાં જઈને ત્યાં બેસીને એ વાંચે છે. મોબાઇલ દુનિયા સાથે તમને કનેક્ટ કરે છે પણ તમારી દુનિયાથી એ તમને કાપી નાખે છે એ સમજીને આપણે મોબાઇલના દુરુપયોગને ટાળવાનો શરૂ કરવો જોઈશે. જો એ નહીં થાય તો એક સમય એવો આવીને ઊભો રહી જશે કે માણસ માણસથી જ નહીં, સ્વજન પણ સ્વજનથી કપાઈ ગયો હશે અને સાચા સમયે તેની બાજુમાં ચાર્જર સિવાય કોઈ નહીં હોય.

culture news social media columnists exclusive