સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

08 May, 2019 12:25 PM IST  |  ગીર | ભાવિન રાવલ

સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

આવો છે સાવજ રિસોર્ટનો નજારો

વેકશનનો ટાઈમ છે, તમે પણ બાળકો સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી જ રહ્યા હશો. જો તમે ગુજરાતમાં જ ક્યાંક ફરવા જવા ઈચ્છતા હો તો ગીર અભયારણ્ય બેસ્ટ ઓપ્શન છે. ગુજરાતમાં આવેલું ગીર એકમાત્ર એવું જંગલ છે, જ્યાં એશિયાટિક સિંહ વસે છે. જો બાળકો સાથે અહીં જશો તો જંગલ સફારીની સાથે સાથે બોન ફાયરનો આનંદ તો મળશે જ. સાથે સાવજ સહિતના પ્રાણીઓ જોવા મળશે. સાક્ષાત સામે સિંહ જોવા એ કોઈ રોમાંચથી કમ નથી.

દિકરીઓને રહેવાની છે ફ્રી સુવિધા

અને જો તમે ગીર જવાના જ હો, તો અમે તમને આપીએ એક એવા રિસોર્ટની માહિતી જે તમારું ફરવાનું બજેટ ઘટાડી દેશે. જી હાં, ગીરના જંગલમાં જુદા જુદા રિસોર્ટ છે. સરકારી સુવિધા સાથે પ્રાઈવેટ રિસોર્ટ પણ ધૂમ ચાલે છે. કારણ કે ગીર ફરવા માટે હોટસ્પોટ છે. એટલે અહીં રિસોર્ટ ફૂલ રહેતા હોય છે. પણ જો તમારા પરિવારમાં દિકરી છે અને તે અપરિણીત છે, તો તમારો ગીર ફરવા જવાનો ખર્ચો ઘટી શકે છે. જી હાં, ગીર જંગલમાં એક રિસોર્ટ એવો પણ છે, જે કુંવારી દિકરીઓને રહેવાની સુવિધા ફ્રી આપે છે.

થઈ શકે છે આટલો ફાયદો

આ રિસોર્ટનું નામ છે સાવજ રિસોર્ટ. સાસણગીર અભયારણ્યની અંદર આવેલા સાવજ રિસોર્ટમાં અપરિણીત દીકરીઓને રહેવાની સુવિધા ફ્રી છે. આ સુવિધા વિશે ગુજરાતી મિડ ડે સાથે વાત કરતા સાવજ રિસોર્ટના મેનેજર અશોકભાઈ ચાવડાનું કહેવું છે કે,'સાવજ રિસોર્ટ શરૂ થયો ત્યારથી અમે આ સુવિધા આપીએ છીએ. દિકરી કુંવારી હોય તો તેનું ભાડું અમે નથી લેતા, પછી ભલે દિકરીની ઉંમર ગમે તે હોય.' અશોકભાઈ કહે છે કે,'લોકો ફરવા આવે ત્યારે તેમની સાથે બાળકો તો હોય જ છે. ત્યારે સાવજ રિસોર્ટ એક્સ્ટ્રા પર્સનના લંચ ડિનર અને બ્રેકફાસ્ટના 1,500 રૂપિયા ચાર્જ કરે છે, તે ચાર્જ દિકરીઓ માટે લેવામાં નથી આવતો.'

આખા ભારતમાં એકમાત્ર રિસોર્ટ

મુખ્યવાત એ છે કે આખા ભારતમાં આવી સુવિધા આપતો અન્ય કોઈ રિસોર્ટ નથી. સાથે મહત્વની વાત એ પણ છે કે આ સુવિધા કોઈ ધર્મ કે જ્ઞાતિ આધારિત નથી. અહીં સર્વ ધર્મ સમાનની ભાવના સાથે કોઈ પણ રાજ્યના, કોઈ પણ દેશના, કોઈ પણ ધર્મ કે જાતિના લોકોને આ સુવિધા આપવામાં આવે છે. રિસોર્ટના માલિક વિજયભાઈ જીવાણી છે. જેઓ સૌરાષ્ટ્રના જાણીતા બિઝનેસ મેન છે. તેમની પણ ભાવના એ જ છે કે દિકરીઓને પ્રોત્સાહન મળી રહે.

આ પણ વાંચોઃ ગુજરાતનો આ સૌથી રમણીય દરિયો, ગોવા-દમણને પણ ભૂલી જશો

અહીં આવેલો છે રિસોર્ટ

સરકાર તરફથી તો બેટી બચાવો જેવી ઝુંબેશ છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થઈ, પરંતુ વિજયભાઈ જીવાણીના રિસોર્ટમાં છેલ્લા 12 વર્ષથી આ સુવિધા આપવામાં આવે છે. સાવજ રિસોર્ટની શરૂઆત 2008માં થઈ ત્યારથી જ કુંવારી દિકરીઓને રહેવાનું ફ્રી છે. આ સાવજ રિસોર્ટ પણ ગીરના અન્ય રિસોર્ટથી કમ નથી. એક ફાઈવ સ્ટાર હોટેલ જેવી બધી જ સુવિધાઓ અહીં મોજુદ છે. સાવજ રિસોર્ટ સાસણગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ એવા સિંહ સદનથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલો છે. તો દેવાળિયા પાર્ક પણ અહીંથી માત્ર 12 કિલોમીટર દૂર છે.

Places to visit in gujarat gujarat travel news news culture news