04 March, 2025 06:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘મહારાજસાહેબ, બન્યું એવું કે મારો બાબો પરીક્ષાનું પરિણામ ઘરે લઈને આવ્યો. પહેલા નંબરે તે પાસ થયો હતો અને તેના મુખ પર એનો સહજ આનંદ પણ હતો. મેં ખુદે પણ તેની આ જ્વલંત સફળતા બદલે ખૂબ-ખૂબ ધન્યવાદ આપ્યા, પણ...’
એક શ્રાવક સામે બેસીને મને હર્ષભેર વાત કરતા હતા. તેમની વાત હું પણ એટલા જ ઉત્સાહથી સાંભળતો હતો પણ ‘પણ’ શબ્દ સાથે તે સહેજ અટક્યા એટલે મને નવાઈ લાગી અને મેં તેમને પૂછ્યું, ‘પણ શું?’
શ્રાવકે વાત આગળ વધારી, ‘મહારાજસાહેબ, વર્ષોથી મારો આ સિદ્ધાંત રહ્યો છે કે બાળકોના પરીક્ષાનાં ઉત્તરપત્રો ઘરે મગાવી એ વ્યવસ્થિત જોઈ લેવાં. એ જોઈને બાળકોને જે જરૂરી માર્ગદર્શન આપવા જેવું લાગે એ આપું પણ ખરો. નિયમાનુસાર મેં મારા બાબાનાં ઉત્તરપત્રો મગાવ્યાં, જોયાં; પણ જ્યારે માર્ક્સનો સરવાળો કર્યો ત્યારે ખબર પડી કે પરીક્ષકે ૩ માર્ક્સ વધુ લખી નાખ્યા હતા. પાકું કરવા બે-ત્રણ વખત માર્ક્સનો સરવાળો કર્યો. પરીક્ષકની ભૂલ સ્પષ્ટ મારા ખ્યાલમાં આવી ગઈ.’
‘પછી શું કર્યું તમે?’
‘મેં બાબાને બોલાવીને આની જાણ કરી એટલે બાબો પણ સહેજ મૂંઝાયો.’ ભાઈએ વાત કરતાં-કરતાં કહ્યું, ‘તેણે મને પૂછ્યું કે હવે હું શું કરું એટલે મેં તેને કહ્યું કે પ્રિન્સિપાલ પાસે જઈને ૩ માર્ક્સ ઓછા કરાવવા જ પડશે... એ વાતનો બાબાને સહેજ ખચકાટ હતો. તેણે મને કહ્યું કે પપ્પા, સ્કૂલના બોર્ડ પર પ્રથમ નંબરમાં મારું નામ અને મને મળેલા માર્ક્સ લખાઈ ગયા છે એવા સમયે...’
‘આગળ શું કરવું એનો નિર્ણય પ્રિન્સિપાલે લેવાનો છે, બાકી જે માર્ક્સનો તું અધિકારી જ નથી એ માર્ક્સ ભલે ભૂલથી, પણ પરીક્ષકે તને આપી દીધા છે એ માર્ક્સ પર તું તારો અધિકાર જમાવી દે એ કેવી રીતે ચાલે?’ એ ભાઈએ વાત આગળ વધારી, ‘બીજા દિવસે હું પોતે બાબાને લઈને તેનાં ઉત્તરપત્રો સાથે પ્રિન્સિપાલને મળ્યો. બધી વાત કરી એટલે ખબર પડી કે હવે બાબાનો ત્રીજો નંબર થઈ જશે... મેં તેમને હાથ જોડીને વિનંતી કરી કે ત્રીજો નંબર થઈ જવાનો નથી, માર્ક્સ પ્રમાણે બાબો ત્રીજા નંબરે જ છે. ભૂલમાં તમે તેને પ્રથમ નંબર આપી દીધો છે એ ભૂલ માત્ર સુધારી લેવાની છે.’
‘ગુરુદેવ...’ એ ભાઈની આંખોમાં હર્ષનાં આંસુ હતાં, ‘બધું સાંભળીને પ્રિન્સિપાલ એટલું જ બોલ્યા કે આજ સુધી બાબાના માર્ક્સ વધારી આપવાની ભલામણ લઈને કેટલાય પપ્પાઓ આવ્યા. તમે પહેલા એવા બાપ છો કે જે દીકરાના માર્ક્સ ઘટાડવા આવ્યા છો. ત્યારે મેં તેમને એટલું જ કહ્યું કે મારો ઈશ્વર મારો ભાવ જુએ છે. બસ, મારે તેની સાથે છેતરપિંડી નથી કરવી.’
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.