25 October, 2026 08:04 AM IST | Varanasi | Aashutosh Desai
રાતના અંધારામાં કોઈ એક્સ્ટ્રા લાઇટિંગ વિના ગામના ચોરે ભજવાતી રામલીલા.
લગભગ ૨૪૦ વર્ષથી વારાણસી પાસેના રામનગરમાં પૂરા ૩૧ દિવસની રામલીલા ભજવાય છે. અહીં કોઈ એક સ્ટેજ નથી હોતું. નગરનાં અલગ-અલગ સ્થળો કથાના જુદા-જુદા પ્રસંગો અનુસાર રંગમંચ બની જાય છે. કોઈક હિસ્સો અયોધ્યા તો કોઈક જનકપુર, ક્યાંક સર્જાય ચિત્રકૂટ તો ક્યાંક પંચવટીનું વન અને કોઈક કિલ્લો બને લંકા. એક સ્થળે રામજન્મનો પ્રસંગ જીવંત બને તો બીજા સ્થળે સીતાજીના સ્વયંવરનું વાતાવરણ સર્જાય, ક્યાંક વનવાસનો કપરો સમય કઠોર-કરુણ રસ સાથે ભજવાય તો ક્યાંક હનુમાનજીની ભક્તિ અનુભવાય. આ વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક રામલીલાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે જાણીએ આટલાં વર્ષોથી કઈ રીતે આ નગર રામમય બની જાય છે એની કથા
રામાયણ આપણી ભવ્ય સંસ્કૃતિનું એક એવું ભવ્યાતિભવ્ય મહાકાવ્ય છે કે ભારતનાં દરેક દાદા-દાદી અને નાના-નાની પોતાના પૌત્ર-દોહિત્રમાં એની કથા અને સંસ્કાર આપતાં ગૌરવ અનુભવે છે. જોકે એક ગામ એવું છે જે રામાયણ જીવી રહ્યું છે. ઉત્તર પ્રદેશનું વારાણસી અને વારાણસી પાસેનું રામનગર એવું સ્થળ છે જ્યાં આખું નગર એક મહિના માટે રામાયણની જીવંત રંગભૂમિ બની જાય છે. લગભગ ૨૪૦ વર્ષ જૂની આ એક અદ્ભુત પરંપરા છે જ્યાં આખું નગર રામકથામાં પરિવર્તિત થઈ જાય છે.
ચોમાસાની ઋતુની વિદાય અને શરદઋતુના આગમન સાથે જ રામનગર પોતાનાં નવાં કલેવર ધારણ કરવાની તૈયારીમાં મંડી પડે છે અને રામનગર એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો વિશાળ રંગમંચ બની જાય છે. જોકે નવાઈની વાત એ છે કે અહીં પરંપરાગત જ સ્ટેજ નથી. ન પડદા પાછળની દુનિયા, ન આધુનિક સ્પૉટલાઇટ્સનો ઝગમગાટ, ન ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ સિસ્ટમ સાથેનો બૅકગ્રાઉન્ડ સ્કોર. અહીં તો ખુલ્લું આકાશ જ રંગમંચની છત બની જાય છે અને નગરની ગલીઓ બની જાય છે અયોધ્યાનગરીના માર્ગો. કિલ્લાઓ લંકાના મહેલોની અનુભૂતિ કરાવે અને ખુલ્લાં મેદાનો બને રામાયણકાળનો વનપ્રદેશ.
લંકા પર વિજય મેળવ્યા પછી રામ અને સીતા પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પાછાં ફર્યાં એ દૃશ્યની ભજવણી.
પધારો મહારાજ, આ છે રામનગરની રામલીલા! એક એવી જીવંત સાંસ્કૃતિક પરંપરા જ્યાં રામાયણ માત્ર ભજવાતું નથી, આખા નગરમાં જિવાય છે. બે સદી કરતાંય વધુ સમયથી ચાલી આવતી આ અનોખી પરંપરા ભારતીય લોકસંસ્કૃતિ, ધાર્મિક આસ્થા, સામૂહિક સહભાગિતા અને પરંપરાગત નાટ્યકલાનું એવું અનોખું ઉદાહરણ છે કે UNESCOએ પણ એને ભવ્ય સાંસ્કૃતિક વારસા તરીકે પોતાની યાદીમાં સામેલ કર્યું છે. અહીં રામાયણ કે રામલીલા જોવા માટે લોકો માત્ર એક સ્થળે ભેગા નથી થતા, તેઓ કથાની સાથે-સાથે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. જાણે કથાના પ્રવાહ સાથે-સાથે બધા રામાયણના સમયકાળમાં પ્રવેશી જાય છે.
બેવડી સદીનો ધબકારો
રામનગરની રામલીલાનો ઇતિહાસ આશરે ૨૪૦ વર્ષ જૂનો છે. એની શરૂઆત અને વિકાસ કાશીના રાજપરિવારના આશ્રય હેઠળ અને સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી સાથે થયો. રામનગરમાં રામલીલાની શરૂઆત થવા પાછળ એક લોકકથા પ્રચલિત છે. એ સમયે કાશીના રાજા હતા મહારાજા ઉદિત નારાયણ સિંહજી. એ વખતે બરઈપુર ગામમાં રામલીલા થતી હતી. કાશીના રાજા પણ એ જોવા જતા. જોકે એક વાર તેઓ મોડા પહોંચ્ય એટલે મહારાણીએ ટોણો માર્યો. મહારાજાને થયું કે બીજા ગામ કેમ જવું? આપણા જ ગામમાં અહીં જ ભવ્ય રામલીલા કરવી. બસ કાશીનરેશે એ સમયે રામનગરના પોતાના કિલ્લાઓ અને આખું નગર શ્રી રામચંદ્રજીનાં ચરણોમાં અર્પણ કરતા હોય એ રીતે રામકથા ભજવવા માટે ખુલ્લું મૂક્યું. સ્થાનિક રહેવાસીઓને પ્રેરણા આપી કે રામલીલા માત્ર એક રંગમંચ પૂરતી સીમિત ન રહેતાં ભક્તિપરંપરાના ઉત્સવ તરીકે આખા નગરમાં ઊજવાવી જોઈએ, જેણે રામલીલા ઉત્સવને ઐતિહાસિક સ્વરૂપ આપ્યું. ત્યારથી આજ સુધી રામલીલાનું સંચાલન કાશી રાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે.
રાવણ સાથેના યુદ્ધમાં ધનુષની પણછ ખેંચતા રામ.
કાશીના રામનગરની રામલીલા માત્ર એના પ્રાચીન ઇતિહાસને કારણે વિશેષ નથી. એની સાચી વિશેષતા એ છે કે અનેક પેઢીઓથી એ સ્થાનિક લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. વડીલો પાસેથી યુવાનો સુધી અને યુવાનો પાસેથી બાળકો સુધી આ પરંપરા મૌખિક સંવાદ, ધાર્મિક સંસ્કાર, અભિનય, સંગીત અને સામૂહિક સ્મૃતિ દ્વારા આગળ વધતી રહી છે.
આજે પણ રામલીલાનો સમય આવે એટલે સ્થાનિક પરિવારો, કલાકારો, કારીગરો, સંગીતકારો અને કંઈકેટલાય સ્વયંસેવકો પોતાને સોંપાયેલી જવાબદારી નિભાવવા માટે તૈયાર થઈ જાય છે. કોઈ રામલીલાનાં પાત્રો માટે વસ્ત્રો તૈયાર કરે, કોઈ પરંપરાગત સંવાદોની તૈયારી કરે, કોઈ સંગીતની જવાબદારી સંભાળે તો કોઈ દર્શકો અને યાત્રાળુઓની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત થઈ જાય. રામનગરની રામલીલા એ કોઈ એક વ્યક્તિની કલાત્મક સિદ્ધિ કે સ્ટારડમથી ચાલતું નાટક નથી, એ પેઢી દર પેઢી થતા રહેલા સંયુક્ત પ્રયાસને કારણે જીવંત રહેલી સાંસ્કૃતિક વિરાસત છે.
આખું નગર વિશાળ રંગમંચ
આ રામલીલાની એક અનોખી રંગમંચ-વ્યવસ્થા છે. સામાન્ય રીતે આપણે કોઈ નાટક જોવા જઈએ તો ત્યાં કલાકારો એક નિર્ધારિત મંચ પર પોતાનો અભિનય રજૂ કરતા હોય છે, ખરુંને? અને દર્શક તરીકે આપણે સામે બેસીને એ જોતા હોઈએ છીએ. રામનગરમાં જાણે રંગમંચની એ પરંપરાગત મર્યાદા જ અદૃશ્ય થઈ જાય છે. અહીં રામાયણની કથા એક જ જગ્યાએ ભજવાતી નથી. નગરનાં અલગ-અલગ સ્થળો કથાના જુદા-જુદા પ્રસંગો અનુસાર રંગમંચ બની જાય છે. કોઈક હિસ્સો અયોધ્યા તો કોઈક જનકપુર, ક્યાંક સર્જાય ચિત્રકૂટ તો ક્યાંક પંચવટીનું વન અને કોઈક કિલ્લો બને લંકા. એક સ્થળે રામજન્મનો પ્રસંગ જીવંત બને તો બીજા સ્થળે સીતાજીના સ્વયંવરનું વાતાવરણ સર્જાય, ક્યાંક વનવાસનો કપરો સમય કઠોર-કરુણ રસ સાથે ભજવાય તો ક્યાંક હનુમાનજીની ભક્તિ અનુભવાય. સમુદ્ર પર સેતુબંધ કે રામ-રાવણ યુદ્ધનો રોમાંચ માત્ર દર્શકો જ નહીં, આખું નગર અનુભવે છે.
આ રીતે જેમ-જેમ કથા આગળ વધતી જાય તેમ-તેમ કલાકારો અને દર્શકો બન્ને એક સ્થળેથી બીજા સ્થળે આ ભક્તિમય સફરમાં આગળ વધતા જાય. વિશેષતા એ છે કે દર્શકો અહીં માત્ર પ્રેક્ષક ન બની રહેતાં જાણે રામચંદ્રજી, સીતામૈયા અને લક્ષ્મણજીની સાથે તેમની યાત્રામાં જોડાય છે. આ પ્રયોગ અને અનુભવને આધુનિક નાટ્યશાસ્ત્રની ભાષામાં પર્યાવરણીય રંગભૂમિ અથવા સ્થળ-વિશેષ નાટ્યપ્રસ્તુતિ સાથે સરખાવી શકાય જ્યાં આસપાસનું વાસ્તવિક વાતાવરણ જ નાટકની અભિવ્યક્તિનું માધ્યમ બની જાય છે. એમ કહો કે રામનગરની રામલીલા માત્ર નાટ્યપ્રસ્તુતિ નથી. એ એક એવી સામૂહિક યાત્રા છે જેમાં ભૂગોળ કથામાં અને કથા લોકોના જીવનમાં રૂપાંતરિત થઈ જાય છે.
રામ, લક્ષ્મણ અને જાનકીનું અયોધ્યાભ્રમણ.
એક તરફ આધુનિકતા,
બીજી તરફ પરંપરા
આજના આધુનિક સમયમાં મનોરંજનની દુનિયા અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ LED સ્ક્રીન, રંગબેરંગી લાઇટિંગ અને ભવ્ય ડિજિટલ દૃશ્યોથી ભરેલી હોય છે. એની સામે રામનગરની રામલીલા આપણને યાદ અપાવે છે કે કલાની મૂળ શક્તિ હંમેશાં ટેક્નૉલૉજી દ્વારા જ મર્યાદિત નથી થતી. અહીં કોઈ પડદા નહીં, કોઈ આધુનિક ચમક નહીં છતાં અદ્વિતીય નાટ્યઅનુભવ મળે છે જ્યાં પરંપરાગત શૈલી, કલાકારોના અવાજ, સંવાદોનો લય, ધાર્મિક પાઠ અને દર્શકોની શ્રદ્ધા મુખ્ય ભૂમિકામાં હોય છે. અહીં પ્રસ્તુતિનો મોટો ભાગ આધુનિક રંગમંચનાં ઉપકરણો વિના ભજવાય છે. ખુલ્લી જગ્યામાં સંવાદો ગુંજે છે અને રાત્રિના અંધકારમાં પરંપરાગત પ્રકાશ વચ્ચે કથાનાં દૃશ્યો જીવંત બને છે.
કલ્પના તો કરો કે સાંજ ઢળ્યા પછી હજારો લોકો એક ખુલ્લા મેદાનમાં એકઠા થયા હોય, વાતાવરણમાં સંપૂર્ણ ભક્તિભાવ સર્જાયો હોય અને કલાકારો પોતાનાં પરંપરાગત વસ્ત્રોમાં એક-એક પાત્રને જીવંત કરતા હોય. એક-એક સંવાદ લોકો શાંતિથી સાંભળતા હોય અને છતાં ક્યાંય સિનેમાની જેમ દૃશ્ય બદલવા માટે પડદો પડતો નથી. એક પ્રસંગ પૂરો થાય અને કથાની યાત્રા આગળ વધે. વાસ્તવમાં આ સાદગી જ આ રામલીલાની વિશિષ્ટતા છે. અહીં ભવ્યતાનું માપ સાધનોની સંખ્યાથી નહીં, પરંપરા પ્રત્યેની નિષ્ઠા અને લોકોના ભાવજગત સાથે સંકળાયેલી હોય છે. આધુનિક સુવિધાઓથી દૂર રહેવું એ માત્ર જૂની પદ્ધતિ જાળવવાનો પ્રયાસ નથી, એ કથાને એના મૂળ સ્વરૂપની નજીક રાખવાની એક સાંસ્કૃતિક પસંદગી છે.
ભાષા અને વેશભૂષા
ના હિન્દી, ના અંગ્રેજી. લોકલ તળપદી અવધી ભાષા, પરંપરાગત વસ્ત્રો અને લોકકલાની સમૃદ્ધિ. રામનગરની રામલીલાનું સૌંદર્ય ક્યારેય માત્ર કથા સુધી સીમિત રહ્યું જ નથી, એની સાથે જોડાયેલી અનેક પરંપરાગત કલાઓમાં પણ વસેલું છે. રામચરિતમાનસની કાવ્યપરંપરા અને ઉત્તર ભારતની લોકભાષાઓ સાથે સંકળાયેલી આ રામલીલામાં પરંપરાગત સંવાદશૈલી, પદો, પાઠ અને સંગીતને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અવધી ભાષાની મધુરતા, કાવ્યાત્મક અભિવ્યક્તિ અને ભક્તિભાવ રામકથાને એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. અહીં પાત્રોનાં વસ્ત્રો, મુગટ, આભૂષણો, મુખસજ્જા અને અન્ય સામગ્રીઓ માત્ર દેખાવ માટેની વસ્તુઓ નથી. એ પરંપરાગત સૌંદર્યબોધ અને સ્થાનિક કારીગરીનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
આ દરેક કાર્ય પાછળ અનેક અજાણ્યા હાથોની મહેનત હોય છે. કલાકાર મંચ પર દેખાય; પરંતુ એની પાછળ કામ કરનાર દરજી, કારીગર, રંગકામ કરનાર, સંગીતકાર અને આયોજનકર્તા ઘણી વાર દર્શકોની નજરથી દૂર હોય છે. જોકે આ પ્રયોગના મૂળમાં તેમનું સિંચન અનન્ય છે. એટલે જ રામનગરની રામલીલાને સમજવી હોય તો માત્ર મુખ્ય પાત્રોને જોવાથી એ નહીં સમજાય. એની પાછળ કાર્યરત લોકકલાની આખી પરંપરાને પણ ઓળખવી-સમજવી જરૂરી થઈ પડે છે.
માત્ર કલાકાર નહીં, આખો સમુદાય
રામનગરની રામલીલાનું સૌથી ઊંડું રહસ્ય એની સામૂહિકતામાં રહેલું છે. આખા વિશ્વમાં સામાન્ય રીતે નાટ્યપ્રયોગ કોઈ એક નાટ્યસંસ્થા અને કેટલાક પ્રોફેશનલ આર્ટિસ્ટ્સ દ્વારા કરવામાં આવતો હોય છે, જ્યારે અહીં આ પરંપરા આપણને એ શીખવે છે કે કોઈ પણ કળા કે સાહિત્યનો સાંસ્કૃતિક વારસો કોઈ એકલું જીવંત રાખી શકતું નથી. એની પાછળ સમગ્ર સમુદાયની ભાગીદારી અનિવાર્ય હોય છે. સ્થાનિક પરિવારો, કારીગરો, સંગીતકારો, ધાર્મિક પાઠ કરનારાઓ, આયોજકો અને સ્વયંસેવકો. રામનગરની દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આ ઉત્સવ સાથે જોડાય છે. એટલે રામલીલા માત્ર મનોરંજન કે ધાર્મિક કાર્યક્રમ ન બની રહેતાં સ્થાનિક જીવનના વાર્ષિક જીવનચક્રનો એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ બની જાય છે.
આ પરંપરા આપણને એ શીખવે છે કે સંસ્કૃતિ ત્યારે જ લાંબો સમય ટકી શકે જ્યારે લોકો એને માત્ર જોતા ન હોય, પરંતુ એનો સક્રિય હિસ્સો પણ બનતા હોય. જ્યારે કોઈ પરિવાર પેઢીઓથી વસ્ત્રો તૈયાર કરે, કોઈ કલાકાર પાત્ર ભજવવાની પરંપરા આગળ વધારે, કોઈ સંગીતકાર કથાના પાઠને જીવંત રાખે અને કોઈ દર્શક દર વર્ષે કથાની યાત્રામાં જોડાય ત્યારે આ તમામ પ્રવૃત્તિઓ મળીને એક જીવંત સાંસ્કૃતિક વારસાનું નિર્માણ કરે છે. સરવાળે આવી પરંપરામાં કોઈ એક વ્યક્તિનું યોગદાન ભલે નાનું હોય, સામૂહિક રીતે એ અસાધારણ બની જાય છે. ખરેખર જ કેટલીક પરંપરાઓ માત્ર ઇતિહાસના પાને જ અંકિત થઈ નથી રહેતી; લોકોની શ્રદ્ધા, લાગણી, સંસ્કૃતિ, કલા અને સામૂહિક જીવન સુધ્ધાંમાં એ શ્વસતી હોય છે.
રામાયણની કથા
રામનગરની રામલીલા ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલી હોવા ઉપરાંત દર્શકને માનવીય જીવન વિશે વિચારવાની તક પણ આપે છે. રામાયણની કથા સત્ય, કર્તવ્ય, પ્રેમ, ત્યાગ, વફાદારી, ધીરજ અને ન્યાય જેવાં મૂલ્યોની આસપાસ વિકસે છે.
ભગવાન રામનો વનવાસ કર્તવ્યનિષ્ઠા અને ત્યાગની યાદ અપાવે છે તો ભરતનો બંધુપ્રેમ અને સત્તા પ્રત્યેનો નિઃસ્પૃહ ભાવ સંબંધોની પવિત્રતા દર્શાવે છે. હનુમાનજીની ભક્તિ અને સેવાભાવ સમર્પણનું પ્રતીક છે તો સીતામાતાનું પાત્ર સંઘર્ષ અને ધૈર્યના પ્રશ્નો સામે આપણને વિચારવા પર મજબૂર કરે છે. રામ અને રાવણ વચ્ચેનો સંઘર્ષ સદીઓથી સારા અને ખરાબ, ન્યાય અને અન્યાય વચ્ચેના સંઘર્ષના પ્રતીક તરીકે સમજવામાં આવ્યો છે. આથી જ વિજયાદશમીના પ્રસંગે રાવણ પર રામના વિજયને સામાન્ય રીતે અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક તરીકે જ જોવાય છે. આ રામલીલાની સાચી પ્રાસંગિકતા માત્ર ઉત્સવ પૂરતી મર્યાદિત નથી. એ આપણને પોતાના જીવનમાં પણ પ્રશ્ન પૂછવા
પ્રેરે છે.
યુનેસ્કોની માન્યતા
૨૦૦૫માં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO)એ ભારતમાં થતી રામલીલા પરંપરાને યુનેસ્કોએ માન્યતા આપી હતી. જોકે રામનગરની રામલીલાને ૨૦૦૮માં આગવું સ્થાન અપાયું. એ માત્ર ભારતની ધાર્મિક પરંપરા નથી, માનવજાતની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતનું પણ ઉદાહરણ છે. ૨૦૦૮માં યુનેસ્કોએ રામલીલાને ‘રામાયણની પરંપરાગત પ્રસ્તુતિ’ તરીકે ગણાવી એને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ યાદીમાં સ્થાન આપ્યું હતું. યુનેસ્કોની આ માન્યતાનો અર્થ માત્ર એટલો નથી કે કોઈ ઉત્સવ પ્રાચીન છે અથવા એને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે; પરંતુ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતમાં એવા જ્ઞાન, કૌશલ્ય, પ્રથા, અભિવ્યક્તિ અને સામૂહિક પરંપરાનો સમાવેશ થાય છે જેને એક પેઢી બીજી પેઢીને સોંપે છે અને તેથી જ એ સમુદાયને એની એક અલાયદી સાંસ્કૃતિક ઓળખ આપે છે.
રામનગરની રામલીલાની વિશેષતા
રામકથાનું પઠન, સંવાદો અને કાવ્યાત્મક અભિવ્યક્તિને જો આપણે રામલીલાની મૌખિક પરંપરામાં ગણાવીએ તો અભિનય, સંગીત, પાત્રાલેખન અને નાટ્યાત્મક રજૂઆત એ પ્રદર્શનકળામાં સમાવી શકાય અને વસ્ત્રો, મુગટ, આભૂષણો કે અન્ય સામગ્રીનું નિર્માણ એ પરંપરાગત કૌશલ્ય છે તો વિવિધ ઉંમરના લોકોનું સહિયારું આયોજન અને સહભાગ એ સામાજિક એકતાનું પ્રતીક છે. આ બધાના સાયુજ્ય દ્વારા રામાયણના પ્રસંગો જે નૈતિક મૂલ્યો જીવંત રાખે છે અને સામૂહિક ઓળખનું પેઢી દર પેઢી વહન કરે છે એ સાંસ્કૃતિક સ્મૃતિનું બેનમૂન ઉદાહરણ છે.
આ માન્યતા આપણને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય માત્ર એના પ્રાચીન ઇતિહાસમાં નથી, પરંતુ વર્તમાનમાં લોકો એને કેવી રીતે જીવે છે અને ભવિષ્ય સુધી કેવી રીતે પહોંચાડે છે એમાં પણ છે. અહીં રામાયણ માત્ર પુસ્તકનાં પાનાં પર લખાયેલી કથા નથી. એ કલાકારોના અભિનયમાં, સંગીતકારોના સ્વરમાં, કારીગરોની મહેનતમાં, પરિવારોની ભાગીદારીમાં અને દર્શકોની સામૂહિક યાત્રામાં ધબકે છે. બે સદીઓથી વધુ સમયથી ચાલતી આ પરંપરા આપણને
એક અત્યંત સરળ પરંતુ ગહન સત્ય સમજાવે છે કે સંસ્કૃતિને જીવંત રાખવા માટે એને માત્ર યાદ રાખવી પૂરતી નથી. એને જીવવી પડે છે, અનુભવવી પડે છે અને નવી પેઢીને સોંપવી પડે છે. વિશ્વ આજે ભૌતિક વિકાસ, ટેક્નૉલૉજી અને ઝડપી પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે એવા સમયમાં રામનગરની રામલીલા આપણને આપણાં મૂળ સાથે જોડાયેલા રહેવાનું મહત્ત્વ સમજાવે છે. એ યાદ અપાવે છે કે માનવીની ઓળખ માત્ર તેની આધુનિક સિદ્ધિઓમાં જ નથી; તેની સ્મૃતિ, શ્રદ્ધા, કલા અને સામૂહિક વારસામાં પણ વસે છે.