28 April, 2024 10:10 AM IST | Mumbai | Alpa Nirmal
મા બગલામુખી
ચૈત્રી તહેવારોની બૌછાર વચ્ચે લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીઓ આવવાથી મધ્ય પ્રદેશના દતિયામાં યાત્રાળુઓ સાથે રાજકારણીઓનું આવાગમન પણ વધી ગયું છે (અફકોર્સ, બિનસત્તાવાર મુલાકાત), કારણ કે અહીં સ્થાપિત બગલામુખી માતા રાજ્યસત્તાનું સુખ અપાવતાં દેવી કહેવાય છે. શત્રુનું શમન કરતાં પીતાંબરા માતા સ્થાનિક લોકો સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના દરેક સ્તરના અનેક રાજનેતાઓનાં આરાધ્ય દેવી છે. મા બગલામુખી ૧૦ મહાવિદ્યાઓમાં આઠમા નંબરનાં અને દસેદસ મહાવિદ્યાઓમાં શક્તિશાળી માઈ છે. વલ્ગા (અર્થાત્ લગામ લગાવવી)નું અપભ્રંશ અને મુખી (અર્થાત્ મોઢું) એમ બે શબ્દોના સંયોજનથી બનેલું નામ ધરાવતાં બગલામુખી માતામાં દુશ્મનોને ચૂપ કરાવવાની શક્તિ હોવાનું કહેવાય છે. આસામના ગુવાહાટીમાં આવેલું કામાખ્યા મંદિર, હિમાચલ પ્રદેશના કાંગડાનું બગલામુખી ટેમ્પલ, મધ્ય પ્રદેશના જ નલખેડા તેમ જ દતિયાની પીતાંબરા પીઠ માતા બગલામુખીને સમર્પિત મુખ્ય મંદિરો છે. પીળા રંગ સાથે અતૂટ સંબંધ હોવાથી બગલામુખી માતાને પીતાંબરા માતા પણ કહેવાય છે. એમાંય દતિયાની સિદ્ધપીઠ તો પીતાંબરા પીઠ તરીકે જ ઓળખાય છે. એ જ રીતે અહીંનાં માતાજી પણ દુશ્મનોને હરાવનારાં માતાજી તરીકે વધુ પ્રખ્યાત છે. દતિયાનાં મા પીતાંબરા રાજસત્તાની પ્રાપ્તિ માટે વિખ્યાત કેમ છે? એના જવાબમાં અહીં પંડિત તરીકે કાર્યરત પાઠકજી ‘મિડ-ડે’ને કહે છે, ‘મા બગલામુખી શત્રુનાશનાં અધિષ્ઠાત્રી દેવી છે એ સર્વવિદિત છે. આ મહાવિદ્યાની પૂજા ખુદ બ્રહ્માજીએ કરી હોવાનું શાસ્ત્રોમાં પ્રમાણ છે. એ ઉપરાંત ભગવાન વિષ્ણુ, પરશુરામ, નારદમુનિએ પણ માતાની સાધના કરી છે. પુરાણોમાં જણાવાયું છે કે મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણની પ્રેરણાથી બાણાવળી અર્જુને અનેક સ્થાનો પર જઈ શક્તિની ઉપાસના કરી હતી. કહેવાય છે કે તેમણે કૌરવો સામે યુદ્ધમાં વિજયની કામનાથી ઉજ્જૈનનાં હરસિદ્ધિ માતા અને નલખેડાનાં બગલામુખી માતાની અર્ચના કરી સંગ્રામ જીતવાના આશીર્વાદ મેળવ્યા હતા. એ અન્વયે બગલામુખી દેવીની પૂજાથી શત્રુઓનો નાશ થવા ઉપરાંત ભક્તનું જીવન દરેક પ્રકારની બાધા-અડચણોથી મુક્ત થાય છે એવું કહેવાય છે. માતાની સાધનાથી શત્રુનાશ તેમ જ વાદવિવાદનો અંત થતાં સફળતા પ્રાપ્ત થાય છે.’
પાઠકજી આગળ કહે છે, ‘હવે, અહીંનાં માતાની વાત કરું તો આ પીતાંબરા માતાના સ્થાપક સ્વામીજી પ્રંકાડ વિદ્વાન અને ઉત્કૃષ્ટ સાધક હતા. તેમણે રાજસ્થાનમાં પણ મંદિર બનાવ્યું છે અને ત્યાંથી વિચરતાં-વિચરતાં ૧૯૩૦ના દાયકામાં દતિયાની ભૂમિ પર આવ્યા જ્યાં વનખંડેશ્વર મહાદેવ પૌરાણિક કાળથી સ્થાપિત હતા જ અને એ સમયથી જ અનેક ઋષિમુનિઓ, તપસ્વીઓ, સાધકોની તપોસ્થળી રહેલી આ જગ્યા પર આવતાં સ્વામીજીએ સાધના શરૂ કરી અને માતાની ભક્તિ આદરી. કઠિન તપ બાદ તેમણે દતિયાના રાજા શત્રુજિત સિંહ બુંદેલના સહયોગથી ૧૯૩૫માં અહીં માતા બગલામુખીની સૌમ્ય રૂપ ધરાવતી મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. માનો પ્રભાવ કહો કે સ્વામીની તપસ્યા કહો, મૂર્તિની સ્થાપના થતાં સ્થાનિક લોકો અહીં દર્શનાર્થે આવતા થયા. આઝાદી પૂર્વે અહીંના રાજવીઓ પણ માના દરબારમાં માથું ટેકવા આવતા. ત્યાર બાદ દેશ સ્વતંત્ર થયો અને પોતાના બળ પર ફરી પગભર થઈ રહ્યો હતો ત્યાં ૧૯૬૨માં ચીને હિન્દુસ્તાનની ભૂમિ પર આક્રમણ કર્યું. ચીની સૈન્યની સામે આપણી ફોજ પાસે હથિયારો, યુદ્ધસામગ્રી, તોપગોળા વગેરેની ખૂબ કમી હતી અને તેમની સામે આપણું ટકી રહેવું પણ કઠિન હતું. ત્યારે ઉચ્ચ ફૌજી અધિકારીઓ અને અમુક યોગી મહારાજના કહેવાથી તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ દેશની રક્ષા માટે અહીં બગલામુખી માના સાંનિધ્યમાં ૫૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાવ્યું. યજ્ઞના અંતિમ અગિયારમા દિવસની આહુતિ દરમ્યાન સમાચાર મળ્યા કે ચીની સૈન્યએ પીછેહઠ કરી છે અને યુદ્ધ બંધ થઈ ગયું છે. એ પછી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પણ અહીં યજ્ઞ થયો અને આપણી જીત થઈ હતી. ત્યારથી આ પીઠને સિદ્ધપીઠ અને દેવીમાને વિજયની દેવી તરીકે નામના મળી.’
પીતાંબરા પીઠ વિશે એમ પણ કહેવાય છે કે ૧૯૪૬માં પણ અહીં સ્વામીજીની નિશ્રામાં યજ્ઞ થયો હતો. ત્યાર બાદ અંગ્રેજો ભારત છોડીને જતા રહ્યા હતા. એ જ રીતે ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે પણ અટલ બિહારી વાજપેયીના નિર્દેશથી અહીં યજ્ઞ થયો હતો. ભક્તો કહે છે કે જ્યારે-જ્યારે દેશ પર સંકટ આવ્યાં છે ત્યારે-ત્યારે અહીં અનુષ્ઠાન થયાં છે અને પીતાંબરા માતાએ દેશ તેમ જ દેશવાસીઓને બચાવ્યા છે. વેલ, એ જ શ્રદ્ધાથી દેશનાં અનેક સ્થળોએથી ભાવિકો માતાના દર્શનાર્થે પધારે છે. એમાંય બેઉ નવરાત્રિઓ, રામનવમી, દિવાળી, મહાશિવરાત્રિ તેમ જ અન્ય તહેવારોના દિવસોમાં અહીં હજારો ભક્તોની હાજરી હોય છે. જોકે ટ્રાન્સપોર્ટેશનનાં માધ્યમો વધતાં છેલ્લા અઢી દાયકાથી દર શનિવારે માતાના દરબારમાં પધારતા શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. એનું કારણ છે પીતાંબરા પીઠના સંકુલમાં જ બિરાજતાં અન્ય મહાવિદ્યા ધૂમાવતી માતા.
ધૂમાવતી માતા મહાગૌરીનું ક્રોધિત સ્વરૂપ છે અને તેમના મઢ કે મૂર્તિ કોઈ મંદિર કે સ્થાનકોમાં જોવા મળતાં નથી. કાળા કાગડા પર સફેદ વસ્ત્રોમાં, વૃદ્ધા-વિધવાનું રૂપ ધરાવતાં આ માતાનું સ્વરૂપ જેમ ડિફરન્ટ છે એમ તેમની પ્રાગટ્યકથા પણ અરુચિકર છે. કહેવાય છે કે એક વખત પાર્વતીમાતા અને ભોળાનાથ ભ્રમણ કરી રહ્યાં હતાં ત્યારે માતાને ખૂબ ભૂખ લાગી હતી. તેમણે ઉમાકાન્તને ભોજનનો પ્રબંધ કરવાનું કહ્યું. અનેક શોધખોળ કર્યા બાદ મહાદેવને કોઈ પ્રકારનો ખાદ્ય પદાર્થ પ્રાપ્ત ન થયો ત્યારે ભૂખ્યાં થયેલાં ગૌરી પછી તો શંકર ભગવાનને જ ગળી ગયાં અને ભૂખ શાંત કરી. શંભુ આખરે તો ત્રણ ભુવનના દેવ એટલે સ્વશક્તિથી પાછા જીવિત થઈ ગયા, પણ તેમણે પત્નીને કહ્યું કે તમે તમારા પતિનું ભક્ષણ કર્યું એ ન્યાયાનુસાર તમે વિધવા થઈ ગયાં; આથી હવે તમે એ રૂપે પણ પુજાશો. આમ, ધૂમાવતી માતા મહાદેવીના ડરામણા સ્વરૂપનું પ્રતિનિધિત્વ છે; જે નકારાત્મક વાઇબ્સ સાથે જોડાય છે. જોકે અશુભ ગુણો ધરાવતાં ધૂમાવતી માતા મોક્ષ સહિત અનેક સિદ્ધિઓનાં દાતા પણ ગણાય છે જેમાં મુખ્યત્વે શત્રુઓને પરાસ્ત કરવા ધૂમાવતી માતાની પૂજા કરવાનું વિધાન અતિ પ્રચલિત છે. ક્રૂર તેમ જ ક્રોધી રૂપ હોવાને કારણે તેમનું સ્થાન સ્મશાનમાં હોવાનું કહેવાય છે અને સ્મશાનમાં હંમેશાં ધુમાડાનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. આથી આ દેવીને ધૂમાવતી નામ પ્રાપ્ત થયું છે. અહીં ધૂમાવતી માતાનાં દર્શન ફક્ત શનિવારે જ કરી શકાય છે. બાકીના દિવસોમાં ફક્ત આરતીના સમયે જ મંદિર ખૂલે છે. કહેવાય છે કે અનેક ભક્તો તેમ જ વિદ્વાનો અને સાધુઓના અનુરોધથી સ્વામીજીએ ૧૯૭૭માં અહીં ધૂમાવતી માતાની સ્થાપના કરી હતી. પાઠકજી કહે છે, ‘ધૂમાવતી માતાની પ્રતિષ્ઠા કરવી સહેલી વાત નથી, પરંતુ સ્વામીજી માના જબરદસ્ત સાધક હતા. તેમના પર માતૃશક્તિની વિશેષ કૃપા હતી એથી તેઓ આવું ભગીરથ કાર્ય કરી શક્યા અને માતાના આગમન બાદ બરાબર એક વર્ષે એ જ દિવસે તેઓ ગૌલોકવાસી થયા.
કાચબાના આકારની ડિઝાઇનનું સંકુલ ધરાવતા પીતાંબરા પીઠમાં પ્રવેશતાં સૌપ્રથમ નાનકડી બારીમાંથી મા બગલામુખીનાં દર્શન થાય છે. નાનકડા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની દરેકને મંજૂરી નથી. ફક્ત VIPઓ પીળાં વસ્ત્ર ધારણ કરી માતાના ચરણસ્પર્શ કરી શકે છે. પછી પરિસરમાં આગળ વધતાં મંદિરની બરાબર સામે પીઠના સ્થાપક સ્વામીજી મહારાજની સમાધિ છે. આ મોટા હૉલમાં અનેક ભક્તો ધ્યાન કરતા જોવા મળે છે. એની આગળ ધૂમાવતી માતાનું નાનકડું મંદિર છે જે ફક્ત શનિવારે જ ખુલ્લું રહે છે. ગણપતિબાપ્પા, હનુમાનજી, પરશુરામ, રામ-સીતા-લક્ષ્મણની મૂર્તિ ધરાવતી પરસાળમાંથી આગળ વધતાં વનખંડેશ્વર મહાદેવનું નાનકડું શિવલિંગ છે અને એની આજુબાજુ એકદમ નાની-નાની દેરીમાં અન્નપૂર્ણા માતા, પાર્વતી, કાર્તિકેય વગેરે ભગવાન બિરાજે છે.’
હવે વનખંડેશ્વર મહાદેવની વાત કરીએ તો તેમની કથાનાં મૂળિયાં છેક મહાભારતના ટાઇમને અડે છે. વેદ અનુસાર દતિયા શિશુપાલના ભાઈ દૈત્યવક્રા રાજાનું નગર હતું. આ વિસ્તારનું નામ આ રાજવી પરથી જ પડ્યું છે. ગીચ જંગલો અને હરિયાળાં વનો ધરાવતા આ વિસ્તારમાં પાંડવો વનવાસ સમયે આવ્યા હતા અને તેમણે જ મહાદેવને અહીં સ્થાપ્યા હતા. ત્યાર બાદ અનેક ઋષિમુનિઓએ આ સ્થળે તપોસાધના કરી. શતકાઓ બાદ શતકાઓ પસાર થતાં બુંદેલખંડના આ વિસ્તારમાં અનેક સામ્રાજ્યોનું રાજ્ય આવ્યું અને ગયું. ૧૯મી સદીના ત્રીજા દાયકામાં જ્યારે સ્વામીજી મહારાજ અહીં પધાર્યા ત્યાર બાદ તેમણે અહીં મંદિરો તેમ જ સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો શરૂ કર્યાં. કહે છે કે સ્વામીજી એવા પ્રબુદ્ધ પંડિત હતા કે તેમણે અહીં સંસ્કૃત ગોષ્ઠિ શરૂ કરાવી હતી, જેમાં ભાગ લેવા દેશભરમાંથી વિદ્વાનો આવતા. આજે સ્વામીજી મહારાજના નિધનનાં ૪૬ વર્ષો બાદ પણ આ પરંપરા અવિરત ચાલુ છે અને દર વર્ષે અહીં સંસ્કૃત સત્રનું આયોજન થાય છે તેમ જ સંસ્કૃત પાઠશાળામાં સેંકડો યુવાનો ભાષા, વેદ, પુરાણોનું ઊંડું અધ્યયન કરે છે. ૭૩૫ ગામડાંઓના જિલ્લા મુખ્યાલય દતિયા નગર પહોંચવા મુંબઈથી બેસ્ટ ઑપ્શન છે રેલવેમાર્ગનો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન પકડો એટલે વહેલી સવારે ઊતરો વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) રેલવે સ્ટેશને. ત્યાંથી દતિયા પીતાંબરા પીઠ ઓન્લી ૨૮ કિલોમીટર છે, જ્યાં જવા માટે સ્ટેશન તેમ જ આખા ઝાંસીના દરેક ખૂણાથી પરિવહન નિગમ સહિત અનેક પ્રાઇવેટ વાહનો મળી રહે છે. હા, દતિયા રેલવે-સ્ટેશન પણ છે, પરંતુ મુંબઈથી દતિયા ઊભી રહેતી ટ્રેનોનો સમય બહુ સુગમ નથી. માતાના શરણે જવાનો આકાશી માર્ગ છે મુંબઈથી ગ્વાલિયરનો. ગ્વાલિયર ઍરપોર્ટથી ૮૪ કિલોમીટરની ડ્રાઇવ દતિયા પહોંચાડે છે. દતિયામાં પણ રહેવા-જમવાની અને વિધવિધ સુવિધાઓ છે પણ જો વધુ આરામદાયક અને સગવડયુક્ત હોટેલમાં રહેવું હોય તો ઝાંસી શહેરમાં રહેવું-જમવું વધુ બહેતર ઑપ્શન બની રહેશે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
એન્શિયન્ટ દતિયાને છોટા વૃંદાવનની ઉપમા અપાઈ છે. અહીં અનેક પ્રી-હિસ્ટોરિક ટાઇમનાં મંદિરો, મહેલો છે. શહેરનું ગુપ્તેશ્વર મંદિર, ભાંડરે પાસેથી આવેલી તારામ્ દેવી પીઠ પૂજનીય છે. તો દતિયામાં આવેલો રાજા વીરસિંહદેવે બનાવેલો સાત મજલી મહેલ આજે પણ અડીખમ અને અનન્ય છે. છત્રીઓ (રાજવી વંશની સમાધિઓ), કમનીય કમાનો, ઝરૂખાયુક્ત બારીઓ અને
હિન્દુ-ઇસ્લામિક છાંટની કારીગરી ઉપરાંત મહેલના આંતરિક ભાગોમાં કૃષ્ણલીલાનાં વિવિધ દૃશ્યોનાં ચિત્રોથી અલંકૃત થયેલી દીવાલો ધરાવતા આ વિરાટ મહેલની સુંદરતા અને સ્ટોરી બેઉ મજાનાં છે.