પર્યુષણ મહાપર્વ એટલે વેરનું વિસર્જન અને પ્રેમનું સર્જન

24 August, 2022 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યુષણ અથવા દશલક્ષણ તહેવાર એ જૈન સંસ્કૃતિનો મહત્વનો તહેવાર છે. તે આપણા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તે આપણા આત્માના દોષોને ધોવાનું કામ કરે છે. જૈન સંપ્રદાયમાં, જ્યાં શ્વેતાંબર 8 દિવસ, દિગંબર 10 દિવસ સુધી પર્યુષણ પર્વ ઉજવે છે.

પર્યુષણ મહાપર્વ એટલે વેરનું વિસર્જન અને પ્રેમનું સર્જન

બીજા વિશ્વયુદ્ધ પછીની વાત છે. જપાનના એક નાગરિકને કોઈકે પૂછ્યું, ‘અમેરિકાએ તમારા પર પરમાણુ બૉમ્બ ફેંક્યા. તમારાં બબ્બે શહેરનો વિનાશ કરી નાખ્યો. હજારો-લાખો લોકોને મોતની ગર્તામાં ધકેલી દીધા. ઈવન આજે પણ હજારો બાળકો આ વિનાશની હૃદયદ્રાવક અસર ભગોવી રહ્યાં છે. શું તમને આ રીતે જ અમેરિકાનો બદલો લેવાનું મન નથી થતું? તમે પણ હવે તો સક્ષમ થઈ ગયા છો તો તમને અમેરિકાનો વિનાશ કરવાની ઇચ્છા નથી થતી?’
ત્યારે જપાની માણસે જે જવાબ આપ્યો એ આપણી આંખ ખોલી નાખે એવો છે. તેમણે કહ્યું, ‘મિત્ર જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટીવી પર ભાષણ આપે છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેમની પાછળ સ્પીકર સોનીનું પડેલું છે. તેઓ જે રૂમમાં બેસે છે એ રૂમમાં રહેલું એસી હિટાચી કંપનીનું છે અને તેઓ જે ટીવી પર ભાષણ આપે છે એ ટીવીની સ્ક્રીન તોશિબાની છે. આ જ તો અમેરિકા પર જપાનનો વિજય છે. આ જ અમે લીધેલો સાચો બદલો છે દોસ્ત. જેઓ સર્જનાત્મકતાથી પ્રેરિત છે તેમના પરિણામમાં હંમેશાં સર્જન જોવા મળશે, વિનાશ નહીં.’ 
પર્યુષણ પર્વના દિવસોમાં આ પ્રસંગ સરસ સંદેશ આપી જાય છે.
યુદ્ધનો જવાબ યુદ્ધ નથી.
વેરનો બદલો વેર નથી અને
વિનાશની સામે વિનાશ એ માર્ગ નથી.
કોઈ કવિએ સરસ વાત કરી છે. વેરથી વેર શમે નહીં જગમાં, આગથી આગ બુઝાય ના.
એક જ પ્રશ્નના ક્યારેક ત્રણ ઉત્તર હોઈ શકે તેમ એક જ ભૂલને સુધારવાના ત્રણ રસ્તા હોઈ શકે. આ મુદ્દાને એક કાલ્પનિક દૃષ્ટાંતથી સમજીએ.
એક ભાઈ સરસમજાનું ફ્લાવર વાઝ લઈને આવ્યા. ભાઈ તો ઑફિસ ચાલ્યા ગયા. સાંજે જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને આઘાતજનક સમાચાર મળ્યા કે પોતે લાવેલા એ સુંદર ફ્લાવર વાઝ તૂટી ગયું છે.
આ સમાચાર મળતાં જ તેમને 
પહેલો પ્રશ્ન થયો કે આ ફ્લાવર વાઝ તોડ્યું કોણે?
માની લો કે એવું સાંભળવા મળે કે એ ફ્લાવર વાઝ નોકરે તોડ્યું છે અથવા માની લો કે દીકરાએ તોડ્યું છે અથવા આ બન્નેને બદલે બીજો જ જવાબ સાંભળવા મળે કે આ ફ્લાવર વાઝ પત્નીના હાથે તૂટ્યું છે.
હવે જવાબ આપો કે જે જવાબ સાંભળવા મળ્યા એ દરેક જવાબમાં ભાઈનું રીઍક્શન એકસરખું જ હોય કે અલગ-અલગ?
મોટા ભાગનો જવાબ એકસરખો સાંભળવા મળશે કે ત્રણેય વખતનું રીઍક્શન અલગ-અલગ હશે. નોકરના હાથે તૂટ્યું હશે તો ભાઈનો પિત્તો જશે, ‘મફતમાં આવે છે આ બધું? હવે બીજી વાર જો આવી ભૂલ કરી છે તો નોકરીમાંથી છૂટો કરી દઈશ. આ વખતે પગારમાંથી અમુક રૂપિયા કપાઈ જશે.’
અને જો દીકરાના હાથે ફ્લાવર વાઝ તૂટ્યું હશે તો કદાચ ભાઈનું રીઍક્શન આવું હશે, ‘બેટા ધ્યાન રાખો. કેટલી મહેનત કરીએ છીએ ત્યારે આવી વસ્તુ લાવી શકીએ છીએ. હવે બીજી વાર આવી ભૂલ ન કરતો.’
આ જ ફ્લાવર વાઝ પત્નીના હાથે તૂટે તો ભાઈનો જવાબ કંઈક આવો હશે, ‘અરે ફ્લાવર વાઝ તો નવું આવશે, પણ તને ક્યાંય વાગ્યું તો નથીને?’
આ ત્રણેય રીઍક્શનને અલગ-અલગ શબ્દથી સૂચિત કરવા હોય તો એમ કહી શકાય કે
નોકર સાથેનું રીઍક્શન સજા છે.
દીકરા સાથેનું રીઍક્શન ક્ષમા 
છે અને
પત્ની સાથેનું રીઍક્શન એ પ્રેમ છે.
આવો, પર્યુષણ મહાપર્વના દિવસો ચાલી રહ્યા છે. સંવત્સરી મહાપર્વ નજીકમાં છે ત્યારે અનંતા તીર્થંકરોએ આપેલો સંદેશ ભૂલવા જેવો નથી. જો આગનો જવાબ આગ નથી, ઝેરનો જવાબ ઝેર નથી તો ગાળનો જવાબ ગાળ નથી અને ક્રોધનો જવાબ ક્રોધ નથી.
આ અવસર્પિણીના ચરમ તીર્થપતિ, દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરે ડંખ મારવા આવેલા ભયંકર સર્પ ચંડકૌશિકને સજા કે ક્ષમા આપવાને બદલે પ્રેમથી નવડાવી દીધો હતો. એટલું જ નહીં સર્પની સાથે પોતે પણ પંદર ઉપવાસ કરીને સર્પને આઠમા દેવલોકે પહોંચાડી દીધો.
પ્રેમની આ તાકાત છે. પરમાત્માને ડંખ મારનારને સાતમું નરક તો શું સાતમું પછી આઠમું નરક હોય તો આઠમું નરક જ મળે. એને બદલે 
જો એને આઠમો દેવલોક મળ્યો હોય તો એના મૂળમાં પ્રભુ પાસેથી મળેલો પ્રેમ છે.
આવ, કોઈની ભૂલના બદલામાં સજા અને ક્ષમા તો ઘણી વાર આપી હશે. આ સંવત્સરીએ આપણે જો ભૂલ કરી હોય તો પ્રેમથી માફી માગી લઈએ અને ભૂલ જો સામી વ્યક્તિની હોય તો બહુ બધા ખુલાસા કરવાને બદલે હૈયાના પ્રેમથી તેને નવડાવી દઈએ.
એક મજાની વાત
અનંતચતુર્દશી એ માત્ર ગણપતિવિસર્જનનું પર્વ છે, જ્યારે સંવત્સરી એ વેરના વિસર્જનની સાથે પ્રેમના સર્જનનું પણ પર્વ છે.

culture news life and style