12 September, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મની શરૂઆત ફક્ત હાથ જોડવાથી નથી થતી, કોઈના કલ્યાણ માટે હાથ લંબાવવાથી થાય છે — નમ્રમુનિ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યમાં પર્યુષણ મહાપર્વના ચોથા દિવસે દેશ-વિદેશમાં કલ્યાણકારી નવકાર મંત્રના મહાજપનું આયોજન થયું હતું. વિવિધ સ્થળોએ ભાવિકો તથા સ્કૂલનાં બાળકોએ જોડાઈને પાંચ કરોડથી વધુ નમસ્કાર મહામંત્ર જપ સાધના કરી હતી.
ચોથા દિવસનો મુખ્ય વિષય ટ્રાન્સફૉર્મેશન રહ્યો. પરમ ગુરુદેવે શ્રાવકના જીવનમાં દાન, શીલ, તપ અને ભાવનું મહત્ત્વ સમજાવતાં ખાસ કરીને નિઃસ્વાર્થ દાન અને સેવાભાવને કેન્દ્રમાં રાખ્યો. પરમ ગુરુદેવે કહ્યું કે ‘દાન કરતી વખતે નામ, પ્રસિદ્ધિ કે સન્માનની ઇચ્છા ન હોવી જોઈએ. જે દાન નથી કરતો તે ‘ના-દાન’, દાન કરીને પોતાનું નામ અને પ્રસિદ્ધિ કરાવનાર ‘મે-દાન’; જ્યારે દાન કરીને પણ નામની કોઈ ખેવના રાખ્યા વિના એ દાન યોગ્ય રીતે વપરાયાની કાળજી રાખનાર સાચો ‘દાનવીર’ છે.’
પરમ ગુરુદેવે અન્નદાનની પ્રેરણા આપતાં દરેક ઘરમાંથી રોજ માત્ર બે રોટલી કોઈ ભૂખ્યાને આપવાનો સંકલ્પ કરાવ્યો. કંઈ મોટું દાન શક્ય ન હોય તો રોજ માત્ર એક રૂપિયાથી દાન કરવાની શરૂઆત કરી શકાય એવો બોધ આપ્યો.
દાન આપ્યા બાદ એને વારંવાર યાદ કરાવનાર અને આપીને ભૂલી જનાર વચ્ચેનો ભેદ સમજાવતાં ગુરુદેવે ‘દીધા બાદ ક્યાંય નામ નહીં અને લેવા બાદ વારંવાર ઉપકારભાવ’ની ભાવના જીવનમાં ઉતારવાનો બોધ આપીને આગામી પર્યુષણ સુધી પોતાના દાન માટે ક્યાંય નામ ન લખાવવાનો સંકલ્પ કરવાની પણ પ્રેરણા આપી.
આ પ્રસંગે માતા ત્રિશલાજીને આવેલાં ૧૪ સ્વપ્નોનાં પ્રતીકાત્મક દર્શન પણ કરાવવામાં આવ્યાં હતાં.
‘આપવાનો સ્વભાવ આગળ વધારે છે, જ્યારે ફક્ત ભોગવવાનો ભાવ આગળ આવવા દેતો નથી.’ જરૂરિયાતમંદોની જરૂરિયાતને પોતાની જવાબદારી માનવાની પ્રેરણા આપતાં પરમ ટિફિન સહાય ગ્રુપ દ્વારા વયોવૃદ્ધો, વડીલો, દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદોને રોજ બે વખત આપવામાં આવતી ભોજનસેવાનું હૃદયસ્પર્શી નાટ્યરૂપાંતર રજૂ કરવામાં આવ્યું હતું જેને જોઈને અનેક ભાવિકો ભાવુક થઈ ગયા હતા.
પરમ ગુરુદેવની પ્રેરણાથી ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓમાં USAસ્થિત સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટનાં રીકાબહેન તથા મનુભાઈ શાહ દ્વારા નામની કોઈ ખેવના રાખ્યા વિના સતત આપવામાં આવતા યોગદાનની ગુરુદેવે અનુમોદના કરી હતી અને નિઃસ્વાર્થ સેવાદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. છેલ્લાં ૭ વર્ષથી ‘પરમ ટિફિન સહાય’ દ્વારા જરૂરિયાતમંદોને ૧૫ લાખથી વધુ ટિફિન પહોંચાડવામાં આવ્યાં છે. આ સેવાકાર્યને વધુ વિસ્તૃત કરતાં મનુભાઈ-રેખાબહેન શાહ તરફથી દરરોજ ૭૦૦ ટિફિનસેવાની જાહેરાત કરવામાં આવી હતી.
અંતે ગુરુદેવે સમજાવ્યું કે ફક્ત પોતાના સુખની નહીં, સૌના સુખની ચિંતા કરવામાં આવે એ જ સાચી સમૃદ્ધિ છે. અન્નદાન અને ભોજનસેવાને માનવતા ધર્મ ગણાવીને જીવનમાં અર્પણ અને સેવાભાવનું ટ્રાન્સફૉર્મેશન લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.