ક્ષમાપનાઃ હૃદયથી માફી આપો અને માગો

21 August, 2023 05:01 PM IST  |  Mumbai | Muniraj Gunvallabh Sagarji Maharajsaheb

જે કંઈપણ થાય આપણી સાથે કે આપણે કરીએ એ કર્મનો બંધ છે જે ઉદયમાં આવે. માટે અપસેટ થવાને કે ફરિયાદ કરવાને કે દુખી થવાને બદલે સતત હૃદયથી, આઇ ઍમ સૉરી, મને માફ કરો, મિચ્છા મિ દુક્કડં.

પ્રતીકાત્મક તસવીર

ક્ષમા+આપના. જો સંધિમાં જોવા જઈએ તો એનો અર્થ થાય છે - મારી ક્ષમા આપ સૌથી ચાહું. જાણતાં-અજાણતાં કંઈ પણ થયું હોય તો આપની પાસેથી ક્ષમા માગું છું, જો કોઈના પણ હૃદયને મારાથી કંઈ દુઃખ લાગ્યું હોય, માઠું લાગ્યું હોય તો પણ. આપ કોઈના પણ દ્વારા મને ક્યારે પણ કંઈ દુઃખ લાગ્યું હોય તો પણ ક્ષમા આપું છું. પોતાના હૃદયમાં ફક્ત પ્રેમ અને કરુણાનો જ સંગ્રહ હોવો જોઈએ. જેમ બીજાને માફી આપીએ અને માફી માગીએ એમ પોતાની જાતને પણ માફ કરી દેવી જરૂરી છે. આપણે બધાને મિચ્છા મિ દુક્કડં કહીએ છીએ, પણ પોતાની જાતને અફસોસ, ગિલ્ટ, માન, અભિમાન, અપમાનમાંથી બહાર નથી કાઢતા. તો બીજાને માફ કઈ રીતે કરી શકીશું ? માટે પોતાની જાતને ક્ષમા કરવી જરૂરી છે. 

 કોઈકે કહ્યું કે તમે તો માફ કરી દો, એટલે આપણને મનમાં ડર હોય છે કે તે માફ કરશે? હું તો માફ કરું જ છું, પણ સામેવાળાના મનમાં છે તે મારી સાથે સરખો વ્યવહાર કરશે? એ વ્યવસ્થિત બોલશે? એ ડરથી ઘણી વખત આપણે સામેથી આગળ નથી વધતા, તો ઘણી વાર નાના મોટાનો ભેદ વચ્ચે આવે છે. ધનથી કે વયથી જો મોટાને લાગે કે પદ કે સંબંધમાં પણ હું મોટો છું, તેણે જ માફી માગવી જોઈએ, તો પણ તમે પોતાની જાતને મુક્ત નથી કરતા. બે હાથ જોડીને માથું નમાવી મોઢાથી મિચ્છા મિ દુક્કડં બોલવું એ ક્ષમાપના છે જ નહીં; એ એવી ક્રિયા છે જે માળા હાથમાં રાખી ફેરવવાનું ચાલુ હોય અને મન ક્યાંક યુનિવર્સમાં ફરી આવતું હોય એ ધર્મલેખે ના લાગે એવી જ રીતે માફી પણ લેખે ન જ લાગે. વિઝ્‍યુઅલાઇઝ કરો, એ વ્યક્તિની માફી માગો. હૃદયથી માફી આપો અને માગો, કારણ કે આપણે ભવોભવના ફેરામાંથી નીકળવું છે. અટકવું નથી. આત્માને મુક્ત કરવો છે. આત્માને રહેવા આ એક જ માળખું એવું છે જેમાં ક્ષમાપના શક્ય છે. આપણે ચાર ગતિ જોઈ એમાં કોઈ ધર્મ નામના શબ્દથી જાણ છે, કોઈ સમજી નથી શકતું, તો કોઈ સમજીને સાંભળી શકવા છતાં કંઈ કરી શકતું નથી. તો આ એક મનુષ્યભવ જ આ એક કાયા એવી છે જે ક્ષમાપના સમજી શકે છે, આપી શકે છે, કરી શકે છે. દરરોજ પ્રતિક્રમણ વખતે અતિચારમાં આપણે છેલ્લે શું બોલીએ છીએ? મન, વચન, કાયા એ કરી મિચ્છા મિ દુક્કડં.

સૌથી પહેલી ક્ષમાપના શેનાથી? મનથી. એક ઉદાહરણ ઃ એક રાજાએ પોતાના ગામમાં આઠ દિવસ માટે અહિંસા માટે પશુહત્યા બંધ કરાવીને કતલખાનાં બંધ કરાવ્યાં. જે ન માને તેને પાણી વગરના કૂવામાં ધકેલી દીધા. એક કસાઈને આ સજા થઈ, કારણ કે તેણે કસાઈખાનું બંધ ન કર્યું. પાણી વગરના કૂવામાં નાખવામાં આવ્યો, પણ માનસિક વિકૃતિ કેવી? એ પ્રાણીઓના ફોટો ચીતરીને દીવાલ પર પથ્થર કે કોલસો જે કૂવામાં નીચે પડ્યો હતો એ કૂવાની દીવાલ પર ચીતરીને એને મારવા લાગ્યો. આ વિકૃત મનને શું કહેવું? મજબૂરી કે વિકૃતિ... માફી મળી શકે? એની સામે બીજો કસાઈ હોત તો ખુશ હોત કે આઠ દિવસ મારાથી પાપ નહીં થાય. મારી મજબૂરી છે કે તેને માર્યા પછી અને પહેલાં એની માફી માગતો,. એ અબોલ જીવ તો સાંભળતા નહોતા છતાં દિલથી દ્રવી ઊઠતો, માફી માગતો કે મારી મજબૂરી છે કે મને આ કામ વારસામાં મળ્યું છે, મુક્ત થવું છે, પણ નાના ગામડામાં બીજું કંઈ કામ મળી શકે નહીં, દોષ કોને વધારે? માટે મનથી-દિલથી હૃદયથી માફ કરતા રહેવું અને આત્મા પર આવી વિકૃતિઓનો સંગ્રહ ન થાય એની તકેદારી રાખવી.

ક્ષમાપના એક પુરુષાર્થ છે, એ શૂરાનો માર્ગ છે, મહાવીરનો પંથ છે. જેવાતેવાને આ રસ્તે ચાલવાનું ફાવશે નહીં. જે કંઈપણ થાય આપણી સાથે કે આપણે કરીએ એ કર્મનો બંધ છે જે ઉદયમાં આવે. માટે અપસેટ થવાને કે ફરિયાદ કરવાને કે દુખી થવાને બદલે સતત હૃદયથી, આઇ ઍમ સૉરી, મને માફ કરો, મિચ્છા મિ દુક્કડં. તો કદાચ એ કર્મનો બંધ હળવો થાય. એ અનુબંધ સહન થાય. સામેવાળી વ્યક્તિનો દોષ છે જ નહીં. જે મેં વાવ્યું છે એ જ મને વ્યાજ સાથે પાછું મળી રહ્યું છે એવી વિચારધારા સતત રહેશે તો ખરા અર્થમાં ક્ષમાપના કરી શકાશે.     

 ઉદાહરણમાં આપણે જોયું કે તે મનથી વિચારતો અને ચિત્રો દોરીને પોતાના હૃદયને ખુશ કરતો અને કાયાથી કરવા માંડે એટલે આપણે સૌથી પહેલાં મનથી જ માફી માગવી રહી. ‘Ho Pono Pono Prayer’ જગપ્રખ્યાત છે. એક જેલરને જ્યારે ખૂનખાર કેદીને સુધારવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તેણે માત્ર ચાર વાક્યો બનાવ્યા. I am sorry, please forgive me, I love you, I think you. મને માફ કરી દો, મને અફસોસ છે, હું તમને પ્રેમ કરું છું, હું આભારી છું.

થોડા જ સમયમાં મનોમન આ જ વાક્યોની અસર એ ખૂનખાર કેદીઓ પર થવા લાગી. તેઓ સુધરવા લાગ્યા. આ સત્યઘટના છે. ઇતિહાસમાં બનેલી ખૂનખાર કેદીઓ એટલે વિકૃત માનસના તેમના પર દિલથી બોલાયેલાં આ જ વાક્યો આજે પ્રેયર તરીકે બોલાય છે. અજાણતાં પણ આપ સૌ બોલશો એની અસર થશે અને આ જ વાક્યો એટલે આપણું ‘મિચ્છામિ દુક્કડં’ - ‘ક્ષમાપના.’

એ જ પ્રમાણે ઘણી વખત લોકોના બોલાયેલા શબ્દોની ગાંઠ આપણા મનમાં રહી જાય છે. ફલાણા-ફલાણા વ્યક્તિએ અમને આમ કહ્યું, તેમ કહ્યું, હું શું આવી છું? હું આમ કરું છું? હું તો હવે દેખાડી જ દઈશ, બતાવી દઈશ. કેટલા વીસ સો થાય વગેરે જેવા ક્રોધમાં બોલાયેલા અપશબ્દો-અપવચનો પૂરાં કરવા વારંવાર જન્મ લેવો પડે, ભવના ભ્રમણમાં અટવાવું પડે, અફવાઓ હોય, બદનામી હોય, પ્રશંસા હોય કે વખાણ હોય એ બધામાં વધારે ભેદ નથી. જેનો સ્વીકાર મન કરે એ સુખ અને જેનો અસ્વીકાર કરે એ દુઃખ. આખો ખેલ તો સ્વીકાર અને અસ્વીકારનો જ છે. કર્મસત્તા આગળ કોઈનું ચાલતું જ નથી. કોઈ બીજાનાં વખાણ કે પ્રશંસા પણ ઘણી વાર કોઈ વ્યક્તિનાં વચનોમાં કડવાહટ ઊભી કરી શકે છે. ત્યારે આપણે કેટલાકને બોલતા સાંભળીએ, ‘હા હા, ખબર છે. હવે મોઢું નહીં ખોલાવ.’ વાતમાં કાંઈ માલ હોય નહીં. આવાં કોઈનાં વચનો સાંભળીને કે બોલીને પણ કોઈ કર્મ બાંધ્યાં હોય તો એની પણ ત્રિવેધી-ત્રિવેધી માફી માગવી. કારણ કે આપણાં વચનો દ્વારા એ વાત સમાજમાં ફેલાઈ હોય અને કોઈનું અહિત થયું હોય એ આપણને ન પાલવે. આપણા આત્માને શાતા થાય એ રીતનું જીવન લોકોને શાતા પહોંચાડતાં મદદ કરતા રહેવું જોઈએ. એને માટે એ પણ યોગ્ય નથી, ‘હું ભલો ને મારું કામ ભલું.’ 

મનમાંથી સ્વાર્થ કાઢી ખૂબ જ નિઃસ્વાર્થ ભાવે ભક્તિ કરી પોતાના જીવનમાં આગળ વધવું. નિઃસ્વાર્થ ભાવે આસપાસના લોકોની, અબોલ પશુ-પક્ષીઓની, વૃદ્ધોની, ગુરુઓની, નાના-મોટા સૌની સેવા કરતા કોઈ પણ ભૂલચૂક થાય તો સમય કાઢવાને બદલે તરત માફી માગવી. જેમ શરીરને કાયાને નીરોગી રાખવા ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ એમ આત્માને કર્મનિર્જરા કરવા સતત ધ્યાનમાં રહેવું જોઈએ.

jain community life and style culture news columnists