નવજીવન ટ્રસ્ટે ગાંધી પરના 13 સ્કેચ પર કૉપીરાઇટ મેળવ્યો, હવે ગાંધી પ્રિન્ટ વાળી સ્ટાઇલિશ ખાદી પહેરો

02 October, 2021 12:31 AM IST  |  mumbai | Nirali Kalani

આજની યુવા પેઢી ગાંધીજીના ખાદી પહેરવાના માર્ગ પર ચાલે તે હેતુસર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ સ્થાપેલ સુપ્રસિદ્ધ છાપકામ અને પ્રકાશન ગૃહ નવજીવન ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

હવે પહેરી શકશો ગાંધી સ્કેચની યુનિક પ્રિન્ટ વાળાં સ્ટાઇલિશ ખાદીવેર

આજની યુવા પેઢી ગાંધીજીના ખાદી પહેરવાના માર્ગ પર ચાલે તે હેતુસર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ સ્થાપેલ સુપ્રસિદ્ધ છાપકામ અને પ્રકાશન ગૃહ નવજીવન ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા `પહેરો ગાંધી, પહેરો ખાદી` ની પહેલ સાથે યુવાનોને ખાદી પ્રત્યે આકર્ષવા ખાદીમાં ગાંધીજીના ચશ્મા, ત્રણ વાંદરા અને ચરખો જેવા સ્કેચ છાપી મોડર્ન ડિઝાઈનર વસ્ત્રો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે મિડ-ડે ડૉટ કોમે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સાથે ખાસ વાતચીત કરી હતી. 

`પહેરો ગાંધી, પહેરો ખાદી` વિશે વાત કરતાં વિવેક દેસાઈએ મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, `અમારું મુખ્ય કાર્ય પુસ્તકો સંબંધિત છે, પરંતુ આજની યુવા પેઢી નવજીવન સાથે અને ગાંધી સાથે જોડાય તેના માટે અમે પ્રયત્નશીલ છીએ. અમે `પહેરો ગાંધી, પહેરો ખાદી` પહેલથી યુવાનોને ખાદી પહેરવા તરફ આકર્ષવા માગીએ છીએ. તેના માટે અમે ગાંધીજીના અલગ અલગ 13 સ્કેચનો કૉપીરાઇટ મેળવી તેની પ્રિન્ટ ખાદી મટીરિયલ પર લીધી છે. યુવાનોને ગાંધીજીના વિવિધ સ્કેચ સાથે ખાદીમાં પણ મોડર્ન વસ્ત્રો જેવા, પલાઝો, કુરતા, ટોપ્સ, જેકેટ્સ વગેરે તૈયાર કરીને અહીં કર્મા કાફે પાછળના બૂટિકમાં તેનું વેચાણ કરીએ છીએ. આ રીતે નવી પેઢી પણ ખાદી સાથે જોડાય છે અને તેમનું કુલ ક્વોશન્ટ પણ જળવાય તથા સાથે ગાંધી વિચારનો પ્રચાર પણ થાય.`

                                                                            ગાંધીજીની પ્રિન્ટવાળાં ખાદીના વસ્ત્રો

ગાંધીજીને લગતા આ સ્કેચિઝ અંગે વાત કરતાં વિવેક દેસાઈએ કહ્યું કે, `આ સ્કેચ પર માત્ર નવજીવન ટ્રસ્ટનો જ હક રહે અને તેના માટે લોકો નવજીવન સાથે જ જોડાયેલા રહે તે ઉદ્દેશથી તેના કોપીરાઈટ્સ લેવામાં આવ્યાં છે. અમે ગાંધીના 13 જેટલા સ્કેચિઝ વિવિધ પોઝમાં તૈયાર કર્યા છે, જેમાં, જાણીતા હાથથી ટાંકાવાળા ચપ્પલ, ગાંધીજીના ચશ્માં, ચરખો, ત્રણ વાંદરા, દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ, પ્રાર્થનાસભાને લગતા જેવા સ્કેચ છે. તેને ખાદીના કાપડ પર છાપી કપડાંને અનોખો દેખાવ આપવામાં આવ્યો છે. અમે એ હકીકત પર ઘણું ધ્યાન આપ્યું છે કે ફેબ્રિક પર છાપ્યા પછી સ્કેચ આકર્ષક લાગવા જોઈએ. વિષય પસંદ કરવા અને સ્કેચની ચોકસાઇની દ્રષ્ટિએ, તે એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તમને તે બજારમાં ક્યાંય મળશે નહીં.` 

અમદાવાદના જાણીતા ચિત્રકાર અને સ્કેચ આર્ટિસ્ટ મહેન્દ્ર મિસ્ત્રીએ નવજીવન માટે આ પેન સ્કેચિઝ બનાવ્યા છે અને ટ્રસ્ટ દ્વારા 2019 માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગના કૉપીરાઈટ ઓફિસમાંથી તેમના માટે કોપીરાઈટ સુરક્ષિત છે. વિવેક દેસાઈએ કહ્યું કે, `આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે, ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ આપી શકાય, કોઈ તેની નકલ ન કરે અને લોકો આ માટે માત્ર નવજીવન આવે.`

                                                                                                        ખાદીમાં ગાંધીજીની પ્રિન્ટ

અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનાથી ગાંધીજીના સ્કેચવાળા આ ખાદીના મોર્ડન કપડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આના પ્રત્યે લોકોના પ્રતિસાદ અંગે વાત કરતાં વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે ખાદીના આ કપડાં પ્રત્યે લોકો આકર્ષિત થઈ રહ્યાં છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને ખાદીમાં ગાંધીજીના સ્કેચ સાથે વિવિધ પ્રકારના મોર્ડન વસ્ત્રો મળવાથી ખાદીના વપરાશકારોમાં વધારો થઈ રહ્યો છે.

સ્વતંત્ર પ્રકાશન ગૃહ કે જે ગાંધીના તંત્રીપદ હેઠળ અઠવાડિક `નવજીવન` અને `યંગ ઇન્ડિયા` બહાર પાડતું હતું, જે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય પ્રભાવક હતા, 1929 માં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં ફેરવાયા.ફેબ્રુઆરી 1940 માં, ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટને તેમના લખાણોના તમામ અધિકારો આપ્યા હતા, જે 2009 સુધી ગાંધીના લખાણો પર વિશિષ્ટ કોપીરાઇટનો લાભ લીધો હતો. નવજીવન ટ્રસ્ટ, યુવાનોને ગાંધી તરફ ખેંચવાના પ્રયાસમાં વિવિધ પહેલ કરતું રહે છે.

mahatma gandhi ahmedabad culture news