એક એવું ગામ જ્યાં છે ૨૦૦૦થી વધુ ઢોલીઓ અને શરણાઈવાદકો

21 September, 2025 02:51 PM IST  |  Ahmedabad | Rashmin Shah

ભાગલા સમયે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતના અમદાવાદ જિલ્લાના મોટી દેવતી ગામના મોતીપુરામાં આવીને વસેલા નટબજાણિયા સમાજે ઢોલ પર એવી તો તાલમાં દાંડી પીટી કે આજે આ ગામના ઢોલીઓ બની ગયા છે લોકકલાનું ઘરેણું: આ ગામના શરણાઈવાદકો પણ કમાલના છે

મોટી દેવતીના ઢોલીઓ અને શરણાઈવાદકો. તસવીરો : જનક પટેલ.

ભાગલા સમયે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતના અમદાવાદ જિલ્લાના મોટી દેવતી ગામના મોતીપુરામાં આવીને વસેલા નટબજાણિયા સમાજે ઢોલ પર એવી તો તાલમાં દાંડી પીટી કે આજે આ ગામના ઢોલીઓ બની ગયા છે લોકકલાનું ઘરેણું: આ ગામના શરણાઈવાદકો પણ કમાલના છેઃ નવરાત્રિમાં તેઓ ડિમાન્ડમાં હોય છે

આદ્યશક્તિ જગદ જનની માતાજીની નવરાત્રિનું અભિન્ન અંગ ઢોલ અને ઢોલીઓ છે જેમના વગર નવરાત્રિ કલ્પી શક્ય નહીં અને જેમના વગર ગરબામાં રંગત પણ જામે નહીં. જો ઢોલી મોળો પડે તો ગરબાની મજા બગડી જાય, અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા મોટી દેવતી ગામને અડીને આવેલું મોતીપુરા એના ઢોલીઓથી નામાંકિત બન્યું છે. આ ગામના ઢોલીઓ નવરાત્રિના ગરબામાં એવી તો રંગત જમાવે છે કે ગુજરાતનું આ ગામ એના ઢોલીઓના કારણે ઓળખાય છે અને આ ગામના ઢોલીઓની નવરાત્રિમાં ભારે ડિમાન્ડ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એક એવું ગામ છે જ્યાં બે હજારથી વધુ ઢોલીઓ અને શરણાઈવાદકો રહે છે.  

મોટી દેવતી. બસ, આ નામ સાંભળતાં જ ગીત-સંગીત સાથે સંકળાયેલા કલાકારો તરત જ બોલી ઊઠે કે ઢોલી શોધો છો? આવી એની નામના છે. શેરીના ગરબા હોય કે ઑર્કેસ્ટ્રાવાળા કે ગરબા પાર્ટી હોય કે મંડળીના ગરબા હોય, નવરાત્રિમાં કે ગરબાના કોઈ પણ કાર્યક્રમમાં પહેલી પસંદ દેવતીના ઢોલીઓ હોય છે. દેશના ભાગલા સમયે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોટી દેવતીના મોતીપુરામાં આવીને વસેલા નટ બજાણિયા સમાજે ઢોલ પર એવી તો તાલમાં દાંડી પીટી કે આજે આ ગામના ઢોલીઓ લોકકલાનું ઘરેણું બની ગયા છે. આ કલાકારોનો સંઘર્ષ, તેમની ચડતી-પડતી સહિતની સુરીલા તાલની વાત ‘મિડ-ડે’એ મોટી દેવતીના મોતીપુરામાં જઈને કલાકારો સાથે બેસીને જાણી. 

સંઘર્ષમય જીવન 

ઢોલી તરીકે નામના મેળવનાર મોટી દેવતીના મોતીપુરાના નટ બજાણિયા સમાજે સંઘર્ષમય જીવન વિતાવ્યું છે એની વાત કરતાં ઢોલી તેજસ ‘મિડ-ડે’ને એ સંઘર્ષના દિવસો યાદ કરતાં કહે છે, ‘અમારો સમાજ નટ સમાજ છે. અમે નટ બજાણિયા છીએ. અમારા વડવાઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અહીં આવ્યા હતા. દેશના ભાગલા પડ્યા એ સમયે સિંધમાંથી નટ સમાજના લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ સહિતના સ્થળે જઈ વસ્યા હતા. જોકે આજે પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નટ બજાણિયા સમાજ છે. અમારા બાપદાદાના સમયથી દોરડા અને વાંસ પર ખેલ કરતા અને નીચે બેસીને ઢોલ વગાડીને જીવનનિર્વાહ કરતા હતા. કોઈ અનાજ આપે તો કોઈ પૈસા આપે અને એમ ગુજરાન ચાલતું હતું, પણ ધીરે-ધીરે ટેપરેકૉર્ડરનો જમાનો આવ્યો અને અમારો દોરડા-વાંસનો ખેલ ભાંગવા લાગ્યો. કામ માટે ગામેગામ ફરતા હતા. એ દોર મુશ્કેલીનો દોર હતો. સંઘર્ષમાં જીવન વિતાવ્યું હતું પણ બાપદાદાનો ઢોલ વગાડવાનો ધંધો છોડ્યો નહીં. આજે ડિજિટલ યુગ આવ્યો છે પણ માતાજીની કૃપાથી હવે પૈસા કમાવા માટે બહાર ફરવું પડતું નથી. પહેલાં ગામેગામ ફરવું પડતું હતું. વિચારતા હતા કે હવે કયા ગામ જઈશું તો બે પૈસા મળે? હવે એવું નથી રહ્યું. નવરાત્રિ હોય કે બીજા કાર્યક્રમો હોય, લોકો અમને બોલાવી રહ્યા છે.’ 

શરણાઈવાદક પૂનમ

...અને ચડતી શરૂ થઈ 

મોટી દેવતીના મોતીપુરાના નટ બજાણિયા સમાજને ભારે સંઘર્ષ કરવો પડ્યો, પણ આ સમાજને આશાનું કિરણ પણ તેમની કલાથી જ દેખાયું એની વાત કરતાં ઢોલી તેજસ કહે છે, ‘દોરડા- વાંસનો ખેલ તો ન ચાલ્યો, પણ જીવનનિર્વાહ કરવા મહેનત કરવી પડે એટલે અમે અમદાવાદમાં જઈને ચોકમાં ઊભા રહીને ઢોલ વગાડતા. કોઈ પૈસા આપે કે અન્ય રીતે મદદ કરે. અંદાજે ત્રીસેક વર્ષ પહેલાં બન્યું એવું કે દિવાળીના દિવસોમાં અમે અમદાવાદની એક સોસાયટીમાં ઢોલ વગાડતાં-વગાડતાં નીકળ્યા હતા જેથી બે પૈસા મળે. આ સોસાટીમાં રહેતા ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના પદ‍્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ અમને મળ્યા અને અમારી ચડતી શરૂ થઈ. એ સમયે તેમણે અમને પૈસા આપ્યા અને ડ્રેસ કરાવી આપ્યા અને કાર્યક્રમમાં બોલાવ્યા હતા. અમારી કલાને તેમણે પારખી અને અમને પ્લૅટફૉર્મ આપીને ગામથી લઈને પરદેશ સુધી પહોંચાડ્યા. તેઓ અમારા ગામના ઢોલીઓ અને શરણાઈવાદકોને અનેક કાર્યક્રમોમાં લઈ ગયા અને મદદ કરી, જે જીવનભર યાદ રહેશે.’     

ઢોલ અને શરણાઈનું ગામ     

ગામડાંઓમાંથી કલાકારોને શોધી-શોધીને તેમને પ્લૅટફૉર્મ પૂરું પાડતા જોરાવરસિંહ જાદવના પ્રયાસોથી અને ગામના ઢોલીઓની આવડત અને મહેનતથી કલાજગતમાં ધીરે-ધીરે મોટી દેવતીના મોતીપુરાના ઢોલીઓની બોલબાલા વધવા લાગી. તેજસ કહે છે, ‘અમારા સમાજમાં આ કુદરતી બક્ષિસ છે કે પાંચ-સાત વર્ષનો દીકરો થાય એટલે ઑટોમૅટિક ઢોલ વગાડતો થઈ જાય છે. આખા ગામમાં કલાકારો છે પણ ભગવાનની કૃપા છે કે ક્યારેય કોઈને કલાસ ભરવા પડ્યા નથી કે ટ્રેઇનિંગ લેવી પડી નથી. વારસામાં આ કળા મળી છે. અમારા મોતીપુરામાં સાડાત્રણ હજારની વસ્તી છે તેમાંથી બે હજારથી વધુ ઢોલીઓ અને શરણાઈવાદકો છે. ગુજરાતનું આ સૌથી મોટું ઢોલ અને શરણાઈવાદકોનું ગામ છે.’  

 આજે અમારા ગામના ઢોલીઓ અને શરણાઈવાદકો ભારતનાં જુદાં-જુદાં રાજ્યો ઉપરાંત અમેરિકા, રશિયા, ઇંગ્લૅન્ડ, ઓમાન, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં નવરાત્રિના કાર્યક્રમ હોય કે ગરબા પર્ફોર્મન્સ હોય, સરકારી કાર્યક્રમો હોય, ભાતીગળ કાર્યક્રમો હોય કે લગ્નગીતો કે લગ્નના ગરબાના કાર્યક્રમો હોય એના માટે જાય છે. - રાજારામ ઢોલી.

વિદેશ પહોંચ્યા ઢોલીઓ  

ઢોલીઓમાં જેની ગણના લેજન્ડ તરીકે કરી શકાય એવા ૬૧ વર્ષના રાજારામ ઢોલીનો ઢોલ જ્યારે નવરાત્રિમાં ઢબૂકે ત્યારે તમને ગરબે ઘૂમતા ન આવડતું હોય તો પણ તમારા પગ થિરકવા લાગે. ઢોલી રાજારામ ‘મિડ-ડે’ને કહે છે, ‘નાની ઉંમરથી ઢોલ વગાડવાનું શરૂ કર્યું હતું. એક સમય હતો જ્યારે ત્રીસેક વર્ષ પહેલાં અમે ઘરેથી ટિફિન લઈને ગામમાંથી સાઇકલ પર નીકળીને અમદાવાદમાં નવરાત્રિના કાર્યક્રમ કરવા જતા હતા. એ સંઘર્ષના દિવસો હતા, પણ હવે ભગવાનની મહેરબાની છે. આજે અમારા ગામના ઢોલીઓ અને શરણાઈવાદકો ભારતનાં જુદાં-જુદાં રાજ્યો ઉપરાંત અમેરિકા, રશિયા, ઇંગ્લૅન્ડ, ઓમાન, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં નવરાત્રિના કાર્યક્રમ હોય કે ગરબા પર્ફોર્મન્સ હોય, સરકારી કાર્યક્રમો હોય, ભાતીગળ કાર્યક્રમો હોય કે લગ્નગીતો કે લગ્નના ગરબાના કાર્યક્રમો હોય એના માટે જાય છે. આ સિવાય ગણેશ ઉત્સવ હોય કે જૈન સમાજના કાર્યક્રમો હોય એમાં પણ અમે જઈએ છીએ. હવે સમય બદલાયો છે અને અમારી કલાની કદર થઈ છે, આજે અમને માન-સન્માન મળી રહ્યાં છે. આજે ગામના કલાકારો સુખી થયા છે. પહેલાં એવો સમય હતો કે કોઈની પાસે સાઇકલ હોય પણ ખરી અને ન પણ હોય, પરંતુ હવે તો ઘણા કલાકારોએ કાર ખરીદી છે અને એમાં બેસીને નવરાત્રિ સહિતના કાર્યક્રમ કરવા જાય છે.’    

મોટી દેવતીના મોતીપુરાના ઢોલીઓ અને શરણાઈવાદકો હવે સુખીસંપન્ન થયા છે અને ઘણા કલાકારો પાસે સારું મકાન અને કાર પણ છે.

મંડળી ગરબામાં ડિમાન્ડ

અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લાં ત્રણેક વર્ષથી મંડળી ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આ ગરબા માત્ર ઢોલ અને શરણાઈના સૂરતાલમાં રંગ જમાવે છે. બીજી ખાસ વાત એ કે સાઉન્ડ- સિસ્ટમ વગર માત્ર ઢોલ અને શરણાઈના સૂર પર ગરબાની મોડી રાત સુધી અથવા તો પરોઢ સુધી રંગત જામતી હોય છે. મોટી દેવતીના મોતીપુરામાં રહેતા ૬૩ વર્ષના પૂનમભાઈ જ્યારે શરણાઈના સૂર છેડે ત્યારે ચાહકો સાંભળતા જ રહી જાય. એ પૂનમભાઈ ‘મિડ-ડે’ ને કહે છે, ‘નવરાત્રિમાં મોટા ભાગે એવું થતું કે ઑર્કેસ્ટ્રાવાળા કે ગરબા ગ્રુપવાળા અમારા ગામમાંથી ઢોલીઓને બોલાવતા એટલે શરણાઈવાળાને ઘરે બેસી રહેવું પડતું. હવે માતાજીની કૃપા થઈ છે કે નવરાત્રિમાં શરણાઈવાળાને પણ છેલ્લાં ત્રણેક વર્ષથી બોલાવતા થયા છે. મંડળી ગરબા શરૂ થયા છે એટલે તેઓ અમારા ગામમાંથી શરણાઈવાદકોને બોલાવે છે. આજકાલ એનો ક્રેઝ એવો વધ્યો છે કે હવે નવરાત્રિમાં અમારા ગામમાં શરણાઈવાદકો મળતા નથી. મંડળી ગરબા રાતે ૧૨ વાગ્યાથી શરૂ થાય તે સવારે ૫ વાગ્યા સુધી ચાલે છે. આ ગરબા માત્ર ઢોલ અને શરણાઈ ઉપર ચાલે છે જેમાં કોઈ મંડળી ગરબાવાળા પાંચ ઢોલવાળા અને ચાર શરણાઈવાદકને બોલાવે તો કોઈ મંડળી ગરબાવાળા પાંચથી ૧૫ ઢોલીઓ અને એટલા જ શરણાઈવાદકોને બોલાવે છે, જેના કારણે નવરાત્રિનો દિવસ ખાલી જતો નથી અને પૈસા સારા મળી રહે છે.’ 

આજે તો મોટી દેવતીના મોતીપરાના ઢોલીઓ અને શરણાઈવાદકો પાસે નવરાત્રિમાં સમય નથી. તેઓ બુક થયા છે. ગામમાં એક ગ્રુપમાંથી આજે તો અનેક ગ્રુપ થઈ ગયાં છે. રામચંદ્ર શહનાઈ પાર્ટી, ભદ્રકાળી શહનાઈ પાર્ટી, જય અંબે શહનાઈ પાર્ટી, ક્રિષ્ના શહનાઈ પાર્ટી સહિતની પાર્ટીના ઢોલીઓ અને શરણાઈવાદકો નવરાત્રિના કાર્યક્રમોમાં બિઝી થઈ ગયા છે.  

ઢોલીઓ માટે સાણંદ સ્ટેટના દાદાબાપુએ જમીન ફાળવી  

વર્ષો પહેલાં નટ બજાણિયા સમાજના કેટલાક લોકો જ્યારે સાણંદ તરફ ખેલ કરવા આવ્યા ત્યારે તેમની કલાની કદર કરીને સાણંદ સ્ટેટના દાદાબાપુએ તેમને રહેવા માટે જમીન ફાળવી હતી એની વાત કરતાં તેજસ કહે છે, ‘વર્ષો પહેલાં અમારા વડવાઓએ સાણંદમાં મુનિ આશ્રમમાં ખેલ કર્યો હતો. એ જોઈને સાણંદ સ્ટેટના દાદાબાપુએ કહ્યું હતું કે હવે તમારે સાણંદ છોડીને ક્યાંય જવાનું નહીં અને રહેવા માટે મોતીપુરામાં જમીન ફાળવી આપી હતી. આજે એ વાતને વર્ષો વીતી ગયાં. આજે અમે મોતીપુરામાં વસ્યા છીએ અને સુખી થયા છીએ.’ 

columnists Rashmin Shah gujarat news navratri culture news Garba ahmedabad