અમદાવાદ: અંગત શોખનું બલિદાન આપી મહિલા ક્રિકેટર બનાવે છે બાળકોનું ભવિષ્ય

01 April, 2019 03:46 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

અમદાવાદ: અંગત શોખનું બલિદાન આપી મહિલા ક્રિકેટર બનાવે છે બાળકોનું ભવિષ્ય

બાળકો સાથે જીજ્ઞા ગજ્જર

ક્રિકેટ. આ નામ સાંભળતા જ યાદ આવે એ ગેમ જે આપણા દેશમાં ધર્મ સમાન છે. ક્રિકેટનું નામ પડે એટલે યાદ આવે કોહલી, ધોની, સચિન જેવા ચહેરાઓ અને ક્રિકેટ એટલે ખૂબ જ કમાણી. પરંતુ આજે મળીશું એક એવા મહિલા ક્રિકેટરને જેમણે નેમ લીધી છે એવા બાળકોને સારા ક્રિકેટર બનાવવાની જેમની પાસે પ્રોફેશનલ કૉચિંગ તો દૂર ક્રિકેટ કિટ ખરીદવાના પણ પૈસા નથી. આ વ્યક્તિ છે અમદાવાદના જીજ્ઞા ગજ્જર. જેઓ અમદાવાદમાં અંડર પ્રિવિલેજ્ડ બાળકોને મફતમાં ક્રિકેટ શીખવાડે છે. સાથે જ કિટ, પોષાક સહિતનો ખર્ચ પણ તેઓ જ ઉપાડે છે. પોતાના અંગત શોખનું બલિદાન આપીને જીજ્ઞા આ બાળકોના ભવિષ્યને નિખારી રહ્યા છે.

જીજ્ઞા ગજ્જર વર્ષ 2003 થી 2008 સુધી વેસ્ટ ઝોન તરફથી ઑલ રાઉંડર તરીકે રમી ચુક્યા છે. જીજ્ઞા ગજ્જર એવા પહેલા ખેલાડી છે કે જેઓ કૉચિંગ શરૂ થયાના માત્ર ત્રણ જ મહિનામાં ડિસ્ટ્રિક્ટ માટે રમ્યા. અને પહેલી જ મેચમાં તેમના દેખાવના આધારે તેમની વેસ્ટ ઝોન માટે પણ પસંદગી થઈ ગઈ. જીજ્ઞા પાંચ વર્ષ સુધી વેસ્ટઝોન માટે રમ્યા. જીજ્ઞાના ક્રિકેટ કૉચિંગની શરૂઆત પાછળ પર રસપ્રદ ઘટના જોડાયેલી છે. એકવાર જીજ્ઞા તેમના સાથીઓ સાથે કૉલેજ પૂર્ણ થયા પછી દેવદાસ મૂવી જોવા ગયા. જ્યારે તેઓ મૂવી જોઈને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૉલેજના ગ્રાઉન્ડમાં કેટલીક છોકરીઓ ક્રિકેટ રમી રહી છે. બસ જીજ્ઞાનો આટલું જ જોઈતું હતું. તેમણે કૉલેજમાં રજૂઆત કરી અને શરૂ થયું તેમનું કૉચિંગ.


પેશનને ફૉલો કરવાની જીજ્ઞાની જીદ
ક્રિકેટર બનવાની જીજ્ઞાની રાહ આસાન નહોતી. કૉલેજ અને ક્રિકેટ કૉચિંગમાં મોટા ભાગનો દિવસ જતો રહેતો હતો. તેમના માતાને તેમના જમવાની અને સ્વાસ્થ્યની ચિંતા રહેતી. ક્યારેક તેમના માતા ગુસ્સે પણ થતા પરંતુ તેમના પિતાએ તેમને ઘણો સપોર્ટ કર્યો. દરેક સામાન્ય યુવતીની જેમ જીજ્ઞાનો પરિવાર ઈચ્છતો હતો કે જીજ્ઞા ઠરીઠામ થઈ જાય. પણ જીજ્ઞાને એક મોકાની રાહ હતી. માતા-પિતાના આગ્રહ બાદ જીજ્ઞાના 2008માં લગ્ન થયા. જો કે તેમને સાસરિયામાં પણ ક્રિકેટ રમવાની છૂટ હતી. જો કે, જીજ્ઞાએ પરિવાર અને ક્રિકેટમાંથી પરિવારની પસંદગી કરી.

મફતમાં ક્રિકેટ શીખવવાનો કર્યો નિર્ણય
લગ્ન પછી દોઢ થી બે વર્ષ એવા રહ્યા કે જીજ્ઞાના જીવનમાં ક્રિકેટ હતું જ નહીં. પણ તેઓ ક્રિકેટને ભૂલ્યા નહોતા. પછી તેમને વિચાર આવ્યો એવા બાળકોને કૉચિંગ આપવાનો જેમની પાસે પૈસા કે સુવિધા નથી. તેમના આ નિર્ણયમાં તેમના પતિનો સાથ મળ્યો. કૉચિંગ માટે જીજ્ઞાએ તેનો કોર્સ કર્યો અને નેશનલ ક્રિકેટ એકેડેમી બેંગ્લોરથી A લેવલનું સર્ટિફિકેટ પણ મેળવ્યું. જે બાદ તેમણે સ્થાપના કરી જેન ક્રિકેટ હીરોઝ એકેડેમીની. જીજ્ઞાએ નક્કી કર્યું હતું કે તેઓ કૉચિંગ માટે પૈસા નહીં લે. તેમણે એવા બાળકોની પસંદગી કરી જેમને ક્રિકેટમાં રસ હતો અને થોડું સારું રમતા હતા.

કૉચ જીજ્ઞા ગજ્જર સાથે બાળકો

સાધનો ઓછા હશે પણ ઈરાદા તો બુલંદ જ
જીજ્ઞાએ મેદાના ભાડે રાખી કૉચિંગની શરૂઆત કરી. શરૂઆતમાં બહુ અડચણો પણ આવી. જીજ્ઞા મુખ્યત્વે છોકરીઓને ક્રિકેટ શીખવી આગળ લાવવા માંગતા હતા. પરંતુ તેમના માતા-પિતા માનતા જ નહોતા. મફતમાં કૉચિંગ મળતું હોવાના કારણે બાળકો પણ તેને ગંભીરતાથી નહોતા લેતા. કેટલાક બાળકો થોડો સમય આવીને મુકી દેતા હતા. પરંતુ ધીમે ધીમે તેમાં પરિવર્તન આવ્યું અને આજે જીજ્ઞા પાસેથી કૉચિંગ મેળવીને બાળકો ટૂર્નામેન્ટમાં ભાગ પણ લે છે અને સારો દેખાવ પણ કરે છે. હાલ તેમને એકેડેમીમાં 26 થી 27 બાળકો આવે છે. જેમાં છોકરીઓનો પણ સમાવેશ થાય છે.

બાળકોના ભવિષ્ય માટે શોખનું બલિદાન
જીજ્ઞા પોતે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. બાળકો માટે ગ્રાઉન્ડ, ક્રિકેક કિટ, ટ્રેક, શૂઝ વગેરેની વ્યવસ્થા કરવામાં ઘણો ખર્ચ થાય છે. આ બધામાં તેમના પતિ તેમને મદદ કરે છે. ત્યાં સુધી કે છેલ્લા ચાર વર્ષથી પતિ પત્ની ફિલ્મ જોવા નથી ગયા. બહાર જમવા પણ ભાગ્યે જ જાય છે. જેથી પૈસા બચાવી અને બાળકો માટે ખર્ચ કરી શકાય. તેમના આ કામમાં તેમના મિત્રોની મદદ પણ મળે છે.

જીજ્ઞાના માર્ગદર્શનથી આગળ વધી રહ્યા છે બાળકો

બ્લૂ જર્સીમાં જોવા છે બાળકોનેઃ જીજ્ઞા
એક સમય એવો હતો કે જીજ્ઞાની એકેડેમીના બાળકો એક જ બેટથી રમતા હતા. પરંતુ હવે તે તમામ પાસે પોતાની કિટ આવી ગઈ છે. જીજ્ઞાનું સપનું છે કે આ બાળકોને એક વધુ સ્તર ઉપર લઈ જવા છે. અને એક દિવસ તેમને ટીમ ઈંડિયાની બ્લ્યૂ જર્સીમાં જોવા છે. જીજ્ઞા કહે છે કે જ્યારે હું મારા બાળકમાંથી કોઈને એ જર્સીમાં જોઈશ ત્યારે મને એવું થશે કે એ જર્સી મે પહેરી છે, મારું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ મળો અંડર પ્રિવિલેજ્ડ બાળકોના સપનાને હકીકતમાં બદલનાર અમદાવાદની મહિલા ક્રિકેટરને

ahmedabad cricket news gujarat