Makar Sankranti 2023: જાણો કેમ કરાય છે ગંગાસ્નાન? મહત્વ અને કથા

10 January, 2023 10:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જો તમે ગંગા સ્નાન માટે ન જઈ શકો તો ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી શકાય છે. આ દિવસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાનું પણ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ પૌરાણિક ઘટના છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મકર સંક્રાંતિ (Makar Sankranti) આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિના દિવસે ગંગા (Ganga) નદી કે ગંગાસાગરમાં સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે કોઈપણ નદી કે સમુદ્રમાં સ્નાન કરી દાન-પુણ્ય પ્રાપ્ત કરી પ્રાણી કષ્ટમુક્ત થઈ શકે છે પણ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે મકર સંક્રાંતિના (Makar Sankranti) દિવસે ગંગા સ્નાન કરવાની સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે. જો તમે ગંગા સ્નાન માટે ન જઈ શકો તો ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી શકાય છે. આ દિવસે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાનું પણ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ પૌરાણિક ઘટના છે. મકર સંક્રાંતિના દિવસે જ મા ગંગાએ રાજા સાગરના 60 હજાર પુત્રોને મોક્ષ આપ્યું હતું.

પૌરાણિક કથા
શાસ્ત્રો પ્રમાણે દૈવિક કાળમાં કપિલ મુન ગંગાસાગરની સામે આશ્રમ બનાવીને તપસ્યા કરતા હતા. તે સમયે રાજા સાગરની પ્રસિદ્ધિ ત્રણેય લોકમાં છવાયેલી હતી. બધા રાજા સાગરના પરોપકાર અને પુણ્ય કર્મોનો મહિમા ગાન ગાતાં હતા. આ જોઈ સ્વર્ગના રાજા ઈન્દ્ર ખૂબ જ ક્રોધિત અને ચિંતતિ થયા. તે દરમિયાન રાજા સાગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. ઈન્દ્ર દેવે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચોરી કપિલ મુનિના આશ્રમ નજીક બાંધી દીધો.

શ્રાપથી બાળીને કર્યા ભસ્મ
અશ્વમેઘ યજ્ઞનનો ઘોડો ચોરી થવાની સૂચના પર રાજા સાગરે પોતાના 60 હજાર પુત્રોને તેમની શોધમાં લગાડી દીધા. તે બધા પુત્ર ઘોડાને શોધતા કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચી ગયા. ત્યાં તેમણે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો જોયો. તેથી તેમણે કપિલ મુનિ પર ઘોડો ચોરવાનો આરોપ મૂક્યો. આથી ક્રોધિત કપિલ મુનિએ રાજાસગરના બધા 60 હજાર પુત્રોને શ્રાપ આપી બાળીને ભસ્મ કરી દીધાં.

ક્ષમા દાન આપવાનું કર્યું નિવેદન
રાજાસગર દોડતાં દોડતાં કપિલ મુનિના આશ્રમ પહોંચ્યા અને તેમને પુત્રોને ક્ષમાદાન આપવાની અરજી કરી. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે બધા પુત્રોના મોક્ષ માટે એક જ માર્ગ છે, તમે મોક્ષદાયિની ગંગાને પૃથ્વી પર લઈ આવો. રાજા સગરના પૌત્ર રાજકુમાર અંશુમાને કપિલ મુનિની સલાહ પર નિર્ણય લીધો કે જ્યાં સુધી મા ગંગાને પૃથ્વી પર નહીં લાવીએ, ત્યાં સુધી તેમના વંશનો કોઈપણ રાજા સુખેથી નહીં બેસે. તે તપસ્યા કરવા માંડ્યા. રાજા અંશુમાનના મૃત્યુ બાદ રાજા ભાગીરથે કઠણ તપ કરી મા ગંગાને પ્રસન્ન કર્યા.

ભગવાન શિવને પણ તપથી કર્યા પ્રસન્ન
મા ગંગાનો વેગ એટલો હતો કે તે પૃથ્વી પર ઉતરે તો સર્વનાશ થાય. ત્યારે રાજા ભગીરથે ભગવાન શિવને પોતાના તપથી પ્રસન્ન કર્યા જેથી તે પોતાની જટા માર્ગે મા ગંગાને પૃથ્વી પર ઉતરવા દે, જેથી ગંગાનો વેગ ઓછો થઈ શકે. ભગવાન શિવના આશીર્વાદ મેળવી રાજા ભગીરથ ધન્ય થયા. મા ગંગાને પોતાની જટામાં સ્થાન આપી ભગવાન શિવ ગંગાધર બન્યા.

મા ગંગા પૃથ્વી પર થયા અવતરિત
મા ગંગા પૃથ્વી પર આવ્યા અને આગળ ભગીરથ રાજા અને પાછળ પાછલ મા ગંગા પૃથ્વી પર વહેવા માંડ્યા. રાજા ભગીરથ મા ગંગાને લઈને કપિલ મુનિના આશ્રમ સુધી લઈ ગયા, જ્યાં મા ગંગાએ રાજા સગરના 60 હજાર પુત્રોને મોક્ષ આપ્યું. જે દિવસે મા ગંગાએ રાજા સગરના 60 હજાર પુત્રોને મોક્ષ આપ્યો, તતે દિવસે મકર સંક્રાંતિ હતી. ત્યાંથી મા ગંગા આગળ જઈને સાગરમાં મળી ગયાં. જ્યાં તે સાગરને મળે છે તે જગ્યા ગંગાસાગર નામે પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, મકર સંક્રાંતિના દિવસે ગંગાસાગર અથવા ગંગા નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પાપ ધોવાઈ જાય છે.

10 અશ્વમેઘ યજ્ઞ અને એક હજાર ગાયોના દાનનું મળે છે ફળ
પશ્ચિમ બંગાળમાં સ્થિત ગંગાસાગરમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્ય છે કે આ દિવસે ગંગાસાગરમાં જે શ્રદ્ધાળુ એકવાર ડૂબકી લગાડીને સ્નાન કરે છે તેને 10 અશ્વમેઘ યજ્ઞ અને એક હજાર ગાયના દાનનું ફળ મળે છે. આ જ કારણસર અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મકર સંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં સ્નાન કરવા આવે છે.

આ પણ વાંચો : Mumbai Policeએ મકર સંક્રાંતિ પહેલા નાયલૉનના માંજા પર મૂક્યો એક મહિના માટે બૅન

મકર સંક્રાંતિ પર ન કરવા જોઈએ આ કામ
1. આ દિવસે ભૂલથી પણ સ્નાન પહેલા ખાવું ન જોઈએ. સૌથી પહેલા સ્નાન અને પછી દાન. ત્યાર બાદ ભોજન કરવું જોઈએ.
2. મકર સંક્રાંતિના દિવસે તામસિક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.
3. મકર સંક્રાંતિના દિવસે ઘરમાંથી કોઈપણ જરૂરિયાતમંદને ખાલીહાથે પાછો ન વાળવો જોઈએ. આ દિવસે દાન ચોક્કસ કરવું જોઈએ.

makar sankranti mumbai ganga