જાણો ગુજરાતના રંગીલા શહેર રાજકોટને

25 July, 2019 02:30 PM IST  |  રાજકોટ | ફાલ્ગુની લાખાણી

જાણો ગુજરાતના રંગીલા શહેર રાજકોટને

આવું છે રંગીલું રાજકોટ(તસવીર સૌજન્યઃ વિકીપીડિયા)

વિશ્વનું સાતમું સૌથી ઝડપથી વિકસતું શહેર, દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર, ઑટો મોબાઈલ પાર્ટ્સનું હબ અને મોજીલું શહેર એટલે રાજકોટ. આજી અને ન્યારી નદીના કિનારે આ શહેર વસેલું છે. એક સમયે રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની હતું. જો કે બાદમાં તે બોમ્બે સ્ટેટમાં ભળી ગયું અને 1960માં ગુજરાતમાં.

રાજકોટનો ઈતિહાસ
રાજકોટની સ્થાપના વર્ષે 1610માં ઠાકોરજી વિભાજીએ કરી હતી. 1720માં સોરઠ રેજિમેન્ટના ડેપ્યૂટી સુબેદાર માસુમ ખાને રાજકોટના રાજવીને હરાવ્યા અને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું. જે બાદ વર્ષે 1732માં હારેલા રાજાના પુત્રએ પોતાના પિતાની હારનો બદલો લીધો અને ફરી શહેરને જીતી તેનું નામ રાજકોટ કરવામાં આવ્યું.

1822માં બ્રિટિશ રાજ આવ્યું ત્યારે તેમણે એજન્સીની સ્થાપના કરી અને તેનું નામ કાઠિયાવાડ એજન્સી રાખ્યું. હાલમાં શહેરમાં જે કોઠી વિસ્તાર છે તે બ્રિટિશ રાજમાં વપરાતો હતો. 1925માં મહાત્મા ગાંધી પહેલી વાર રાજકોટમાં આવ્યા હતા.  1942ના ભારત છોડો ચળવળનો રાજકોટ મહત્વનો હિસ્સો હતું. જે બાદ રાજકોટે આર્થિક પ્રગતિમાં પણ મહત્વનો ફાળો આપ્યો.

આલ્ફ્રેટ હાઈસ્કૂલની જૂની તસવીર

રાજકોટના રાજવીઓ
1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે રાજકોટના રાજવી પ્રદ્યુમનસિંહજી હતા. જેમનું 1973માં નિધન થયું. જે બાદ રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા બન્યા. મનોહરસિંહજી જાડેજા ધારાસભ્ય રહી ચુક્યા છે. જેમનું 2018માં નિધન થયું. તેમના પુત્ર માંધાતા સિંહ હાલ રાજકોટના રાજવી છે.

રાજકોટની ખાસિયતો
રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાજકોટ વાસીઓ તેમની બપોરે સુઈ જવાની ટેવ માટે જાણીતા છે. બપોરના સમય દરમિયાન તમને રાજકોટમાં લગભગ બધી દુકાનો બંધ જોવા મળશે. સાથે જ તેઓ જિંદગીને મન ભરીને માણે છે. રંગીલો મિજાજ, ખાણી પીણીનો શોખ અને જલસાથી જીવતા માણસો છે રાજકોટવાસીઓ. જન્માષ્ટમીના સમયે તો અહીં પાંચ દિવસ રજા હોય છે. જન્માષ્ટમી પર રાજકોટમાં થતો મેળો જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

રાજકોટનો મેળો(યુ ટ્યૂબ)

ખાણી-પીણી
રાજકોટની એટલી બધી વાનગીઓ જાણીતી છે કે તમે એક જુઓને બીજીને ભૂલો. ચીક્કી, પેંડા, આઈસક્રીમ, લીલી ચટણી, બટાટાની વેફર, ઘુઘરા, ગોલા...ખાવામાં રાજકોટ વાસીઓ અવ્વલ છે. રાજકોટમાં ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે. અને એટલે ખાવાના શોખીન લોકો માટે રાજકોટ સ્વર્ગ છે.

રાજકોટના ઉદ્યોગો
ગુજરાતના વેપાર ઉદ્યોગમાં પણ રાજકોટનું મોખરાનું સ્થાન રહ્યું છે.રાજકોટના ઉદ્યોગોની વાત કરીએ તો, રાજકોટનો જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાંદીની સૌથી વધુ નિકાસ અહીંથી થાય છે. તો રાજકોટની સિલ્ક એમ્બ્રોઈડરીનો કારોબાર, ઘડિયાના પાર્ટસના ઉદ્યોગોનો ડંકો વાગે છે. રાજકોટ હવે ધીરે ધીરે ઓટોમોબાઈલ તથા સોફ્ટવેર ક્ષેત્રે હબ બની રહ્યું છે.

આ પણ જુઓઃ આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ

રાજનૈતિક મહત્વ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા. તો હાલ કર્ણાટકના રાજ્યપાલ તરીકે કાર્યરત વજુભાઈ વાળા રાજકોટના જ છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું પણ કાર્યક્ષેત્ર રાજકોટ રહ્યું છે.