ગુજરાતી ભાષા વૈભવઃ એવી કહેવતો જેમાં થાય છે શરીરના અંગોનો ઉલ્લેખ

03 April, 2019 03:00 PM IST  | 

ગુજરાતી ભાષા વૈભવઃ એવી કહેવતો જેમાં થાય છે શરીરના અંગોનો ઉલ્લેખ

માણો ગુજરાતી ભાષાના વૈભવને

ગામના મોઢે ગરણું ન બંધાય
ગુજરાતીમાં કહેવત છે ગોળાના મોઢે ગરણું બંધાય પરંતુ ગામના મોઢે નહીં. એટલે કે લોકો જે પણ બોલતા હોય એ તેમને બોલવા દેવાના, તેમના બોલવા પણ આપણું કોઈ નિયંત્રણ નથી.

દુઃખે પેટ અને કૂટે માથું
આ કહેવત ત્યારે વાપરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિને તેની સમસ્યા ખબર ન હોય. સમસ્યા કાંઈક અલગ હોય અને તે કાંઈક બીજું જ સમજી રહ્યો હોય. એટલે કહેવાય કે તેને દુઃખાવો પેટમાં થઈ રહ્યું છે પરંતુ તે માથું કૂટી રહ્યો છે.

ઝાઝા હાથ રણિયામણા
આ કહેવાત એકતાનું મહત્વ દર્શાવે છે. કોઈ કામ કરવા માટે જ્યારે એક કરતા વધુ વ્યક્તિ મહેનત કરે ત્યારે તે સારું અને ઝડપથી થાય છે.

હાથના કર્યા હૈયે વાગ્યા
જ્યારે કોઈને પોતાના કર્મોનું ફળ મળે છે ત્યારે ગુજરાતીમાં કહેવાય છે કે, આ માણસને હાથના કર્યા હૈયા વાગ્યા.

સીધી આંગળી ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે
જો કોઈ કામ સીધી રીતે ન થઈ શકતું હોય તો તે કામ કરવા માટે અલગ રસ્તો પણ અપનાવવો પડે. એટલે જ કહેવાય છે કે જો ડબ્બામાં રહેલું ઘી સીધી આંગળીથી ન નીકળી શકે તો આંગળી વાંકી કરવી પડે.

કાંખમાં છોરું, ગામમાં ઢંઢેરો
કોઈ વસ્તુ જ્યારે આપણી આંખ સામે કે નજીક જ હોય અને આપણે તેને આખા ગામમાં શોધતા હોઈએ ત્યારે આ કહેવત લાગુ પડે છે.

બાંધી મુઠ્ઠી લાખની
કેટલાક રહસ્યો એવા હોય છે કે જે બહારની વ્યક્તિ કે સમાજને ખબર ન પડે એ જ સારું હોય. એટલે જ કહેવાય છે કે બાંધી મુઠ્ઠી જેમાં અનેક રહસ્યો સચવાયેલા છે તે લાખની છે. તે ખુલે નહીં તે જ બધા માટે સારું છે.

પાંચેય આંગળીઓ સરખી ન હોય
આ કહેવતનો મતલબ છે તમામ વ્યક્તિઓની ક્ષમતા સરખી ન હોય. એક જ ક્લાસમાં ભણતા હોય કે ઑફિસમાં કામ કરતા હોય તેવા તમામ લોકોની ક્ષમતા અલગ અલગ હોય શકે છે. પરંતુ દરેક આંગળીનું જેમ મહત્વ છે. એમ દરેક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક ખૂબીઓ તો હોય જ છે.

ધરમની ગાયના દાંત ન ગણવાના હોય
જ્યારે આપણને કોઈ વસ્તુ ભેટમાં મળી હોય ત્યારે તેની ખામી કે ખૂબી શોધવા ન બેસાય. તેનો બસ સ્વીકાર કરવાનો હોય. એટલે જ કહેવાય છે કે ધરમની ગાયના દાંત ન ગણવાના હોય.

મુખમાં રામ બગલમાં છુરી
આ કહેવત એવા લોકો વાપરવામાં આવે છે જેઓ મોં પર મીઠું મીઠું બોલતા હોય પરંતુ પાછળથી દગો કરે છે. એટલે કે મોઢામાં રામનું નામ હોય અને બગલમાં ઘા કરવા માટે છરી છુપાવેલી હોય.

હાથીના દાંત ચાવવવાના જુદા, ને બતાવવાના જુદા
જ્યારે કોઈ વાત કે વસ્તુ દેખાતી હોય કાંઈક અલગ અને ખરેખરમાં હોય કાંઈ અલગ ત્યારે ગુજરાતીમાં હાથીના દાંતનું ઉદાહરણ આપવામાં આવે છે.

આંખ આડા કાન કરવા
આ કહેવતનો મતલબ છે દેખીતી વાતને પણ અણદેખી કરવી. નજર સામે બનતી ઘટનાને અવગણીને ચાલ્યા જવું કે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપવી.

gujarat gujarati mid-day