જ્યારે એક કાવ્યસંગ્રહે જગાવ્યો દેશદાઝનો જુવાળ

29 August, 2021 02:59 PM IST  |  Mumbai | Shailesh Nayak

કલમની તાકાતનો પરચો બ્રિટિશરાજને એ વખતે જાણીતા કવિ, સાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીએ બરાબરનો કરાવેલો. ગઈ કાલે તેમની ૧૨૫મી જન્મજયંતી હતી એ નિમિત્તે આ સાહિત્યકારના ઓછા જાણીતા સ્વાતંત્રતાસેનાની સ્વરૂપની જાણી-અજાણી વાતો વાગોળીએ

ઝવેરચંદ મેઘાણી

‘હિન્દમાતાની આઝાદીના આ યજ્ઞમાં તમારો બલિ આપો અને સ્વતંત્રતાને વરો. આ સરકારના અન્યાયી ને અધમાધમ તંત્રને હવે તો દફનાવ્યા પછી જ જંપજો.’ જોમ અને જુસ્સા સાથે દેશની આઝાદી માટે ફના થઈ જવાની તૈયારી સાથે જેલમાં જઈ રહેલા એ સ્વાતંત્ર્યસેનાનીના જુસ્સાભેર પ્રવચન બાદ ઇન્કિલાબ ઝિંદાબાદના નારાથી વાતાવરણ ગાજી ઊઠ્યું હતું.

આવી જોમદાર હાકલ ગાંધીજી, સરદાર કે કોઈ નખશિખ સ્વાતંત્ર્યસેનાનીએ જ કરી હોય એવું માની લેવાનું સ્વાભાવિક છે. જોકે આવું ભલભલાને પાનો ચડાવે એવું ભાષણ કરનારા હતા ઝવેરચંદ મેઘાણી. સ્વતંત્રતાની લડાઈ માત્ર અહિંસક આંદોલનોમાં સામેલ થવાથી કે હિન્દ સ્વરાજની ચળવળોને જાતે હાથમાં ઉપાડી લઈને જ લડાય એવું નહોતું. દેશની આઝાદી માટે લોકોમાં જુસ્સો-જોમ ઊભા કરવા એ પણ એક મોટું કામ હતું. દેશની આઝાદી માટે કાવ્યો, શૌર્ય ગીતો દ્વારા ક્રાન્તિ સર્જી હતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ. બરવાળાની સભામાં મીઠાનો કાયદો તોડવા ઉશ્કેરતું ઉત્તેજનાભર્યું ભાષણ કર્યું હોવાનું તહોમતનામું ઝવેરચંદ મેઘાણી પર મુકાયું હતું અને તેમની ધરપકડ થઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે ધંધૂકામાં વિશેષ અદાલતમાં ૧૯૩૦ની ૨૯ એપ્રિલે મૅજિસ્ટ્રેટ ઇસાણીએ બે વર્ષની સજા ફરમાવી ત્યારે જેલમાં જતાં પહેલાં રેલવે-સ્ટેશન પર એકઠા થયેલા નાગરિકોને સંબોધતાં ઝવેરચંદ મેઘાણીએ લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાની હાકલ કરતાં આ ભાષણ આપ્યું હતું.

કાવ્યસંગ્રહ બન્યું દેશદાઝનું પ્રેરક

શૌર્યસભર કલમ બ્રિટિશ સલ્તનતને ઊંચી-નીચી કરી શકે છે એનું ઉદાહરણ હતા ઝવેરચંદ મેઘાણી. મોટા ભાગે લોકો તેમને સાહિત્યકાર કે કવિ તરીકે ઓળખે છે, પણ કદાચ ગાંધીબાપુએ એટલા માટે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું કેમ કે આઝાદીની લડતમાં આ કવિવરે માભોમની રક્ષા કાજે આઝાદીના એવાં તો કાવ્યો અને શૌર્યગીતો રચ્યાં કે જુવાનિયાઓમાં દેશદાઝ ધગધગી ઊઠી. તેમણે કાવ્યો અને ગીતોમાં એવું તો જોમ ભર્યું કે યુવાનોએ અંગ્રેજો સામે બાંયો ચડાવી હતી. અંગ્રેજ સલ્તનતે લાગ્યું કે ઝવેરચંદ મેઘાણીના દેશદાઝથી ભરપૂર શૌર્ય ગીતો–કાવ્યોની અસર વર્તાઈ રહી છે એટલે કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ની નકલ જપ્ત કરી હતી. કદાચ ઝવેરચંદ મેઘાણીનો આ બીજો ચહેરો બહુ ઓછા લોકો જાણતા હશે.

સ્વાતંત્ર્યસેનાની ઝવેરચંદ મેઘાણી વિશે તેમના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી કહે છે કે ‘ગાંધીજીએ દાંડીયાત્રા કરી અને દાંડી સત્યાગ્રહ થયો એ અરસામાં સૌરાષ્ટ્રના અમૃતલાલ શેઠની આગેવાનીમાં ધોલેરા સત્યાગ્રહ થયો હતો. એમાં સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે દાદાએ દેશભક્તિનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ પ્રસિદ્ધ કર્યો હતો. આ કાવ્યસંગ્રહનાં ગીતો વાંચીને યુવાનો સર્વસ્વ છોડીને આઝાદીની લડતમાં ઝંપલાવવા લાગ્યા હતા. સત્યાગ્રહીઓને જુસ્સો અપાવવા ‘કંકુ ઘોળજો જી રે, કેસર રોળજો, પીઠી ચોળજો જી રે, માથાં ઓળજો...’ ગીત દાદાએ ગાયું હતું.’ એ સમયે અંગ્રેજોને લાગ્યું કે દેશપ્રેમ અને શૌર્ય ગીતોની અસર વર્તાઈ રહી છે એટલે અંગ્રેજ સરકાર ચોંકી ગઈ અને ‘સિંધુડો’ કાવ્યસંગ્રહની નકલો જપ્ત કરી હતી. જોકે જેમની પાસે આ કાવ્યસંગ્રહની પ્રત હતી એ બધાએ એની સાઇક્લોસ્ટાઇલ કૉપી કઢાવીને ગામેગામ ફરતી કરી હતી અને લોકજુવાળ ઊભો થયો હતો.’

ખોટા આરોપમાં પણ બચાવ નહીં

ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય, કવિતાઓ અને શૌર્યગીતોમાં જે ખુમારી, જોમ અને ભારતીય સંસ્કૃતિની ઝલક મળે છે એવું જ તેમનું વ્યક્તિત્વ હતું. પીનાકી મેઘાણી કહે છે, ‘દાદાને રાજદ્રોહના ખોટા આરોપસર પકડ્યા હતા. ધંધૂકા કોર્ટમાં ૧૯૩૦ની ૨૮ ઑગસ્ટે તેમને રાજદ્રોહના ખોટા આરોપ સાથે રજૂ કરવામાં આવ્યા ત્યારે મૅજિસ્ટ્રેટ સમક્ષ તેમણે કહ્યું કે મારે મારો બચાવ

કરવો નથી, પણ પ્રાર્થનાગીત ગાવું છે એમ કહીને તેમણે કોર્ટમાં પ્રાર્થનાગીત ગાયું હતું...

‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ,

સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ...’

દાદાએ આ પ્રાર્થના ગાયા પછી કોર્ટમાં ઉપસ્થિત તમામની આંખમાં આંસુ આવી ગયાં હતાં, એટલું જ

નહીં, પરંતુ મૅજિસ્ટ્રેટની આંખો પણ ભરાઈ આવી હતી અને એ દિવસે જજમેન્ટ આપ્યું નહીં, પરંતુ બીજા દિવસે કોર્ટની બહાર લીમડા નીચે બેસીને જજમેન્ટ આપ્યું હતું અને તેમને બે વર્ષની જેલની સજા કરવામાં

આવી હતી. આજે પણ એ લીમડો સચવાયેલો છે.’

બે વર્ષનો જેલવાસ

અમદાવાદની સાબરમતી જેલમાં ઝવેરચંદ મેઘાણીએ જેલવાસ ભોગવ્યો હતો. એ સમયે જેલમાં તેમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ, મહાદેવભાઈ દેસાઈ પણ હતા. જ્યારે ઝવેરચંદભાઈ મેઘાણીનું મૃત્યુ થયું ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું કે ‘મેઘાણી ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક હતા. તેમની વાણીમાં વીરતા ભરેલી હતી. તેમના અચાનક ચાલી જવાથી ગુજરાતને ભારે ખોટ પડી છે એ સહેજેય પુરાય એમ નથી. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્યા હતા એ અચૂક આવી રહેલી જાણીને ગયા.’

મેઘાણી અને મુંબઈ

મુંબઈ અને ઝવેરચંદ મેઘાણીનો નાતો અતૂટ રહ્યો છે. મુંબઈનાં થિયેટરોમાં ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજી ફિલ્મો જોઈને વાર્તાઓ લખી હતી તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે પહેલી મુલાકાત પણ મુંબઈમાં થઈ હતી. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથા તેમ જ સુપ્રસિદ્ધ રચના ‘કસુંબીનો રંગ’નું સર્જન પણ મુંબઈમાં થયું હતું. ટૂંકમાં ઝવેરચંદ મેઘાણીએ મુંબઈને બીજું ઘર બનાવી લીધું હતું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં લાગે. તેમણે મુંબઈ કેમ આવવું પડ્યું એની વાત કરતાં પિનાકી મેઘાણી કહે છે, ‘મારાં દાદી દમયંતીબહેનનું અવસાન થતાં દાદાને બહુ આઘાત લાગ્યો હતો અને તેઓ બોટાદ છોડીને ૧૯૩૩માં મુંબઈ આવ્યા હતા અને શરૂઆતમાં બાબુલનાથ પાસે આવેલા નગીનદાસ મૅન્શનમાં રહ્યા હતા. ત્યાર બાદ પરિવાર સાથે તેઓ વિલે પાર્લે-વેસ્ટના ચર્ચરોડ વિસ્તારમાં રહેતા હતા. મુંબઈથી ‘જન્મભૂમિ’ દૈનિક શરૂ થયું એમાં દાદા તંત્રીમંડળમાં જોડાયા હતા.’

મુંબઈમાં અંગ્રેજી ફિલ્મો જોઈને એના પરથી વાર્તાઓ રચી હોવાની વાત કરતાં પિનાકી મેઘાણી કહે છે, ‘એ જમાનામાં દાદાએ અંગ્રેજી ફિલ્મો જોઈને એના પરથી ‘પ્રતિમાઓ અને પલકારા’ વાર્તા લખી હતી અને એનાં પુસ્તક પ્રગટ થયાં હતાં. ચાર્લી ચૅપ્લિનની સિટી લાઇફ મૂવી જોઈને બે વાર્તા લખી હતી.’

ઝવેરચંદ મેઘાણીએ તેમની લોકપ્રિય રચના ‘કસુંબીનો રંગ’ અને ‘સોરઠ તારાં વહેતાં પાણી’ નવલકથા પણ મુંબઈમાં લખી હતી જેમાં વાર્તામાં કોઈ હીરો નહોતો પણ ગ્રામ્ય જીવન જ હીરો હતું.

ટાગોર સાથે મુલાકાત

ઝવેરચંદ મેઘાણી પહેલી વાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરને મુંબઈમાં મળ્યા હતા. સર દોરાબજી તાતા પૅલેસમાં આમ તો આ મુલાકાત અડધો કલાક માટે જ થવાની હતી, પરંતુ બન્ને દિગ્ગજો વચ્ચે ગોષ્ઠિ એવી જામી કે સમય ક્યાં વહી ગયો એની ખબર ન પડી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ઝવેરચંદભાઈને શાંતિનિકેતન આવવા નિમંત્રણ પાઠવ્યું અને ગુજરાતી–બંગાળી ભાષાના સમન્વય માટે સાથે મળીને કંઈક સર્જન કરીએ એવી વાત કરી હતી.

સુપ્રસિદ્ધ ગાયક મન્ના ડેના કાકા અને એ જમાનાના ગાયક, સંગીતકાર અને અભિનેતા પ્રજ્ઞાચક્ષુ કૃષ્ણચંદ્ર ડે જેઓ કે. સી. ડેના નામથી પણ જાણીતા હતા તેમની સાથે ૧૯૩૪માં સાગર ફિલ્મ કંપનીમાં ઝવેરચંદ મેઘાણીને મળવાનું થયું હતું. મેઘાણીનાં ગીતો સાંભળીને કે. સી. ડેએ ભાવવિભોર થતાં એમ કહ્યું કે ‘તમારાં કાવ્યગીતો મને વાંચવાની ખેવના હતી, પણ હવે હૃદયમાં સચવાશે. પ્રજ્ઞાચક્ષુ કે. સી. ડેએ ઝવેરચંદભાઈની કલ્પના કરતાં કહ્યું હતું કે તમારા વાળ વાંકડિયા હશે, મોઢું ભરાવદાર હશે.

ગાંધીજીને સંભળાવેલું  ગીત

મુંબઈમાં જુહુ ખાતે ૧૯૪૪માં ગાંધીજીએ મુકામ કર્યો હતો ત્યારે ઝવેરચંદ મેઘાણી તેમના પુત્ર મહેન્દ્રભાઈ અને પુત્રવધૂ નિર્મળાબહેનને બાપુના આશીર્વાદ અપાવવા લઈ ગયા હતા. ગાંધીજીએ એ દિવસે મૌન રાખ્યું હતું અને કાગળમાં લખીને વાત કરી હતી. ગાંધીબાપુએ એ સમયે ઝવેરચંદભાઈ પાસે ગીતો સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરતાં મેઘાણીજીએ તેમના ઘૂંટાયેલા કંઠથી આઝાદીનાં દેશભક્તિનાં ગીતો સંભળાવીને ગાંધીબાપુને રાજીના રેડ કરી દીધા હતા. આવી તો કંઈકેટલીય ઝવેરચંદ મેઘાણીની જાણી-અજાણી વાતો ‘મેઘાણી ગાથા’ પુસ્તકમાં પિનાકી મેઘાણીએ સંકલન કરીને વર્ણવી છે.

ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ ૧૮૯૬ની ૨૮ ઑગસ્ટે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં થયો હતો. આજે આપણા સૌના ગૌરવ સમા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગ છે અને ગુજરાત સહિત દેશ અને વિદેશમાં જ્યાં પણ તેમના ચાહકો છે તેઓ તેમને યાદ કરીને તેમની જન્મજયંતીની ઉજવણી કરશે ત્યારે આ મહાન વિભૂતિને વંદન.

મેઘાણીનાં શૌર્ય ગીતોની થાય છે સ્પર્ધા

ઝવેરચંદ મેઘાણીએ રચેલાં શૌર્ય ગીતો વિશે વિદ્યાર્થીઓ જાણતા થાય એ માટે સ્પર્ધા છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં ચાલી રહી છે.

ઑલ ઇન્ડિયા ડેમોક્રૅટિક સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનના સલાહકાર જયેશ પટેલ કહે છે કે ‘ઝવેરચંદ મેઘાણી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના સ્પિરિટ સાથે બહાર આવેલું વ્યક્તિત્વ. તેઓએ ક્રાન્તિગીતો લખીને દેશની આઝાદી માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શૌર્ય ગીતો વિશે વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે એ માટે અમે ૧૯૯૪થી અમદાવાદ, વડોદરા, સુરત, સાવરકુંડલા, આહવા, વલસાડ સહિત ગુજરાતનાં જુદાં-જુદાં નાનાં-મોટાં શહેરોમાં શૌર્ય સ્પર્ધા યોજીએ છીએ જેથી વિદ્યાર્થીઓ ઝવેરચંદ મેઘાણીને જાણે. મેઘાણીજીએ રચેલાં ક્રાન્તિ ગીતો સ્કૂલ–કૉલેજના વિદ્યાર્થીઓને અમે પહેલાંથી આપી દઈએ છીએ. વિદ્યાર્થીઓ એને તૈયાર કરીને આવે છે અને મેઘાણીજીની જન્મજયંતીના અવસરે એની સ્પર્ધા યોજીએ છીએ. આ વર્ષે અમદાવાદમાં શૌર્ય ગીત સ્પર્ધા યોજાશે.’

columnists shailesh nayak