અમદાવાદથી માત્ર 5 કલાક દૂર આવેલું છે આ કુદરતનું ઘર, થઈ જશો ખુશખુશાલ

17 May, 2019 02:56 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

અમદાવાદથી માત્ર 5 કલાક દૂર આવેલું છે આ કુદરતનું ઘર, થઈ જશો ખુશખુશાલ

Image Courtesy : Gujarat Tourism

વેકેશન ચાલે છે અને ગરમી ખૂબ જ છે. ફરવા જવું છે પણ બજેટ નથી અને સમય નથી. પણ ગરમીથી બચાય એવી જગ્યાએ જવું છે. ચિંતા ના કરશો, અમે તમને બતાવીશું એક એવી જગ્યા જે તમારો સમય પણ બચાવશે અને પૈસા પણ. ઓછા ખર્ચે પરિવારને એન્જોય કરાવી શક્શો અને તમારે બહુ રજા પણ નહીં લેવી પડે.

આ જગ્યા આવેલી છે અમદાવાદથી માત્ર 5 કલાકના અંતરે. એટલે જો વન ડે પિકનિક કરવી હોય તો વહેલી સવારે નીકળો અને મોડી રાત્રે પાછા આવો. બે દિવસનો સમય હોય તો તમે અહીં રાત પણ રોકાઈ શકો છો. આ જગ્યા એવી છે, જ્યાં તમે કુદરતની સાથે રહી શક્શો. પક્ષી, પશુઓનો સાથ માણી શક્શો. વાત છે અમદાવાદથી 180 કિલોમીટર દૂર આવેલા હિંગોળગઢ અભયારણ્યની.

આ અભયારણ્ય રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે. આમ તો સૌરાષ્ટ્ર સૂકો વિસ્તાર ગણાય છે, પરંતુ હિંગોળગઢની લીલીછમ વનરાજી તમારા દિલને તરબતર કરી દેશે. આ ગાઢ જંગલમાં કુદરતની સોળે કળાએ ખીલેલી સુંદરતા તમને રાજી રાજી કરી મૂક્શે. તેમાંય જો તમે એક વરસાદ બાદ અહીં પહોંચશો તો તો વાત જ શું કરવી. તમને જાતભાતના જીવો પણ જોવા મળશે.

હિંગોળગઢને 1980માં અભયારણ્ય જાહેર કરાયું છે. આ અભયારણ્ય 654 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ અભયારણ્યની ખાસિયત છે અહીંના ઘટાદાર વૃક્ષો અને ઉંચું ઘાસ. અહીં ચિંકારા, નીલગાય, વરુ, શિયાળ, શાહુડી, સસલા, જરખ જેવા પ્રાણીઓ જોવા મળશે, તો જુદા જુદા સરિસૃપ વર્ગના પ્રાણીઓ પણ જોવા મળશે. આ અભયારણ્યમાં 19 પ્રકારના સાપ જોવા મળે છે. તો ક્યારેક અહીં દીપડો પણ જોવા મળી જાય છે. આ જંગલમાં 230 જેટલી જાતના પક્ષીઓ પણ જોવા મળે છે.

ઉનાળામાં રજા ગાળવા તમે આ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો, પરંતુ ચોમાસું આ જંગલને માણવાનો શ્રેષ્ઠ સમય છે. તો શિયાળામાં પણ તમે અહીં મુલાકાત લઈને આનંદ માણી શકો છો. અહીં જુદા જુદા નેચર એજ્યુકેશન કેમ્પ્સ પણ યોજાય છે. 3 દિવસ 2 રાત જેવા સમયના નાના મોટા કેમ્પ પણ હોય છે. જેમાં તમે કુદરતને માણી શકો છો અને જાણી પણ શકો છો. જો તમે અહીં રાત ગાળશો તો કોયલના કલવર સાંભળવા મળશે સાથે જ ઝાડીમાંથી જગારા મારતી શિયાળની આંખો તમારો રોમાંચ વધારશે.

બસ અહીં જતા પહેલા આટલું ધ્યાન રાખજો. આ જંગલમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. ફ્લેશનો ઉપયોગ કરીને ફોટા પાડવાની પણ મનાઈ છે, જેથી પશુ પક્ષીઓ ડિસ્ટર્બ ન થાય. તો પશુ પક્ષીઓના જીવનમાં ખલેલ ન પહોંચે તે માટે મ્યુઝિક સિસ્ટમ પણ અલાઉ નથી. સાથે જ તમારે આ અભયારણ્યમાં પૂરતી માત્રામાં પાણી લઈ જવું જરૂરી છે.

આ પણ વાંચોઃ સાસણગીરનો આ રિસોર્ટ છે ખાસ, આ વ્યક્તિઓ માટે રોકાવાનું છે એકદમ ફ્રી

હિંગોળગઢ અભયાણ્ય અમદાવાદથી 180 કિલોમીટર દૂર આવેલું છે. માત્ર 5 કલાકમાં તમે અહીં પહોંચી જશો. તો રાજકોટથી આ અભયારણ્ય 70 કિલોમીટર દૂર છે. સૌથી નજીકનું બસ સ્ટેન્ડ જસદણ છે, જે 15 કિલોમીટર દૂર છે.

એન્ટ્રી માટે વ્યક્તિ દીઠ માત્ર 200 રૂપિયા છે. જો કાર લઈને જશો તો કારની ફી200 રૂપિયા થશે.

gujarat Places to visit in gujarat news