જેન-ઝીના અસભ્ય વર્તન માટે ખરા અર્થમાં જવાબદાર તેમનાં માબાપ છે

27 July, 2026 02:53 PM IST  |  Mumbai | Swami Satchidananda

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુવાનોમાં જે તાકાત છે, યુવાનો પાસે જે ક્ષમતા છે એ વાત સૌથી અસરકારક રીતે અત્યારના સમયમાં સ્પષ્ટ રીતે બહાર આવી ગઈ; પણ આપણે વાત કરવી છે તે યુવાનોની જે યુવાનોને કોઈ જાતની લગામ નથી. જો વહેતું પાણી આગળ વધતું જાય તો એ દરિયામાં ભળી જાય અને કોઈ કામમાં આવે નહીં; પણ જો એ વહેતા પાણી પર ડૅમ બનાવવામાં આવે તો એ પાણીને અનેક જગ્યાએ પહોંચાડી શકાય, એમાંથી જળ-ઊર્જા મેળવી શકાય. વહેતું પાણી શહેરો સુધી પીવા માટે લઈ જઈ શકાય અને નહેરના માર્ગે ખેતરો સુધી પહોંચાડી શકાય. અત્યારના યુવાઓમાં જે ઊર્જા છે એ વહેતા પાણી જેવી છે. એનામાં ગામોનાં ગામોને ઉજાડી નાખવાની ક્ષમતા છે, પણ એ ઊર્જાનો સકારાત્મક ઉપયોગ થઈ શકતો નથી કારણ કે એના પર કોઈ જાતનું ડૅમનું બંધન નથી. 

બંધન ખરાબ હોઈ શકે, પણ એનો અમલ ક્યાં કરવામાં આવે છે એ બહુ મહત્ત્વનું છે. જો પંચાવન માળના બિલ્ડિંગની અગાસી પર દરવાજાને લૉક મારીને બંધન આપી દેવામાં આવે તો એ બંધન સુરક્ષાનું છે, જો લાઇસન્સ વિના ગાડી ચલાવવાનું બંધન લાગુ કરવામાં આવે તો એ સુરક્ષાનું બંધન છે એટલે બંધન શબ્દને નકારાત્મકતાથી લેવાને બદલે સમજવું પડશે કે એ ક્યારે અને ક્યાં મૂકવામાં આવ્યું છે. યુવાનોમાં શક્તિ છે પણ એ શક્તિ પર બંધન મૂકવાનો સમય આવી ગયો છે. તેમને શિષ્ટાચાર પણ શીખવવાની જરૂર છે અને તેમને સંસ્કાર અને સભ્યતાના પાઠ પણ શીખવવા જરૂરી છે. 

દિલ્હીમાં જે પ્રકારે યુવાનોએ વર્તન કર્યું છે એ વર્તનમાંથી મોટા ભાગનું વર્તન વિચાર્યા વિનાનું કે એનું પરિણામ શું આવે એ સમજ્યા વિનાનું કર્યું છે. જે પ્રકારની અભદ્ર ભાષાનો પ્રયોગ થતો જોવા-સાંભળવા મળ્યો એ જ દેખાડે છે કે આ જે નવી પેઢી, જેને જેન-ઝી કહેવામાં આવે છે એને શું બોલવું, ક્યાં બોલવું અને કેટલું બોલવું એની સમજ નથી. જોકે એના માટે આપણે આ યુવાનોનો દોષ ગણવાને બદલે તેમનાં માબાપનો દોષ વધારે માનવો જોઈએ. એક જ જનરેશનમાં અમુક યુવાનો સભ્ય છે અને અમુક યુવાનો અસભ્યતાની ચરમસીમા પર છે એમાં આખી જનરેશનને ભાંડવી યોગ્ય નથી. કહેવું એ જોઈએ કે આ જનરેશનનાં માબાપ પાસે સમય નહોતો કે તેમણે બાળકોને બોલવા, ચાલવા અને વર્તન કરવા વિશે સમજણ નથી આપી. પણ હવે શું? હવે તો બીજ ઝાડ બની ગયું છે અને ઝાડને આકાર ત્યારે જ મળે જ્યારે કોઈ મોટું તોફાન આવે. અસભ્ય લાગતા યુવાનોના જીવનમાં યથાપરિસ્થિતિ એવું કશું બનશે ત્યારે તેમને સમજાશે. આશા એટલી રાખવાની કે એ સમયે મોડું ન થઈ ગયું હોય.

culture news life and style lifestyle news columnists exclusive gujarati mid day