17 July, 2024 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલમાં ગૌરીવ્રત ચાલે છે એ દરમ્યાન કુંવારિકાઓ જ્વારાની પૂજા કરે છે અને વ્રત પૂરું થયે આખી રાતનું જાગરણ કરશે. આમ તો રાતના ઉજાગરા સ્વાસ્થ્ય માટે સારા નથી એવું કહેવાય છે પણ ચાતુર્માસ દરમ્યાન આવતાં વ્રતોમાં રાત્રિ-જાગરણનું અનોખું માહાત્મ્ય છે. જોકે એ માહાત્મ્યની અસર તો જ થાય જો સાચી રીતે જાગરણ કરવામાં આવે. ચાલો, આજે જાણીએ કુંવારિકાઓમાં જ્વારાની પૂજા કરવાનું મહત્ત્વ શું છે અને સાચી રીતે જાગરણના ફાયદા મળે એ માટે શું કરી શકાય
ગુજરાતી કુંવારિકાઓ સમજણી થાય ત્યારથી માબાપ પરંપરા પ્રમાણે જયા-પાર્વતી કે મોળાકાત વ્રત અચૂક કરાવે છે. એમાં પાંચ દિવસ ઉપવાસ-એકટાણાં કરવાનાં, મીઠા વગરનું ભોજન લેવાનું, મહાદેવ-પાર્વતીની પૂજાઅર્ચના કરવાની, ભજનકીર્તન કરવાનાં અને અંતિમ દિવસે જાગરણ કરવાનું એ આ વ્રતના નિયમો છે.
ઉપવાસ કરવાથી શરીરના, ખાસ કરીને પાચનતંત્રના પ્રત્યેક અવયવને આરામ મળે છે. પાચન કરવા માટે વપરાતી ઊર્જામાં બચત થાય છે. આ બચેલી ઊર્જા શરીરની નાનીમોટી બીમારીને રિપેર કરવામાં કામ લાગે છે. શરીર હળવું થાય છે. તન-મનની ચુસ્તી અને સ્ફૂર્તિમાં વધારો થાય છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જાગરણ પણ ધાર્મિક, આધ્યાત્મિક ઉપરાંત વૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વની ક્રિયા છે.
જાગરણ કેમ?
વિવિધ વ્રતો ઉપરાંત દિવાસાનું જાગરણ પણ ચાતુર્માસ દરમ્યાન આવે છે. આ જાગરણ શરીર-મન માટે લાભકારક છે. ‘આરોગ્યની બારમાસી’ પુસ્તક લખનાર પ્રસિદ્ધ ચિકિત્સક વૈદ્ય પ્રાગજી રાઠોડે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ‘ચોમાસા દરમ્યાન શરદી-સળેખમ, ખાંસી અને અસ્થમાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. આ ઋતુની ભેજવાળી હવા અને એમાંય રાતનું ઠંડું ઉષ્ણતામાન ઊંઘ દરમ્યાન છાતીમાં કફનો જમાવ કરે છે. રાતની નિદ્રા દરમ્યાન ઉધરસ કે દમના હુમલાનું પ્રમાણ વધી જાય છે. આ સમયે જો તમે પથારીમાં બેઠા થઈ જાઓ છો તો રાહત લાગે છે. છાતીમાં ભરાયેલો કફ નીચે ઊતરતાં હળવાશ લાગે છે. જે રીતે ફ્રિજમાં જામી ગયેલા બરફને તોડવા માટે ડીફ્રૉસ્ટર બટન હોય છે એ રીતે છાતીમાં જામી ગયેલા કફને તોડવા જાગરણ જરૂરી છે. આ જાગરણ દરમ્યાન આડા પડીને સૂવાનું નથી. ઊભા રહો કે બેસો, આ બેઉ ક્રિયામાં કફ છાતીમાં જમા ન થતાં નીચે ઊતરી મળ-મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. ચોમાસામાં રાતનું જાગરણ ઔષધ જેવું કામ કરે છે.’
કઈ રીતે જાગરણ કરવું?
માતા પાર્વતીએ દિવસ-રાત ઓમ નમ: શિવાય મંત્રના જાપ કરીને જાગરણ કરેલું. તેમનું ધ્યેય હતું શિવ અર્થાત્ કલ્યાણકારી તત્ત્વને પામવું. જોકે આજે જાગરણ દરમ્યાન મંત્ર-રટણ, પ્રાર્થના-પૂજા કે ધ્યાન-ભક્તિને મહત્ત્વ ન આપતાં લોકો નાટક-ફિલ્મો જોઈ કે ફિલ્મી અંતાક્ષરીઓ ગાઈને જાગરણ કરે છે. ઉજાગરો કરવો અને જાગરણ કરવું આ બે ક્રિયાઓ વચ્ચે ફરક છે. નાટક-ફિલ્મો જોઈને મન એ વિષયોમાં પરોવાય છે. ગ્લૅમરથી અંજાય છે. આ ફોગટના ઉજાગરા છે. ચાતુર્માસના પવિત્ર દિવસોમાં મનને સ્થિર કરીને ધાર્મિક-આધ્યાત્મિક કાર્યો કરવાનાં હોય છે. ભરપૂર વરસાદના આ દિવસોમાં બહાર ન નીકળતાં કોઈ એક જગ્યાએ સ્થિર થઈને મનની અંદર પ્રવેશવાનું હોય છે. આપણાં મોટા ભાગનાં વ્રતો, તહેવારો કે ઉપવાસ આ જ સમય દરમ્યાન આવે છે. આ દિવસોમાં અને ખાસ કરીને રાત્રિના સમયમાં કરેલી ઉપાસના પરમ શક્તિ સુધી પહોંચવાની સંભાવના વધી જાય છે. રાત્રિના સમયમાં ટ્રાફિકનો કોલાહલ, કારખાનાનો ઘોંઘાટ કે પશુ-પક્ષી-માનવની ચહલપહલનો અભાવ હોવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે. આ સમયે કરેલી ભક્તિ કે મંત્રોચ્ચારના તરંગો કોઈ પણ ખલેલ વિના અનંત સુધી વિસ્તરે છે. મન સાથે સંવાદ કરવાનો મોકો મળે છે. મનને એકાગ્ર કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રિનો છે. એમાંય સૂર્યોદય પહેલાંનો લગભગ સાડાત્રણથી સાડાપાંચ વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે. આ સમયને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. આખી રાત વેબ-સિરીઝ કે ફિલ્મો જોઈને જાગવાથી મન વધુ ભટકે છે. એનાથી માત્ર તન જાગૃત રહે છે, પણ મનની જાગૃતિ માટે સ્થિરતા અને ધ્યાન વધુ અસરકારક છે. જાગરણ એવી પવિત્ર ક્રિયા છે જ્યાં તન સાથે મનને પણ જાગૃત થવાનો અવસર મળે છે.
જાગરણ કઈ રીતે કરવું?
વ્રતના દરમ્યાન મન પૂજા-ધ્યાનમાં પરોવેલું રાખવું.
જાગરણના દિવસે જો એકલા બેસીને મંત્ર-જાપનું રટણ કરી શકો તો ઉત્તમ, પણ જો એવું ન થઈ શકે તો સમૂહમાં ભજન-કીર્તન કરવું.
પલાંઠી, પદ્માસન કે પછી અર્ધસિદ્ધાસનમાં ટટ્ટાર બેસવું અને મંત્રજાપ કે કીર્તન કરવાં.
કુંવારિકાઓના વ્રતમાં ઘઉંના જ્વારાની પૂજા તો કરો, સાથે એનું સેવન પણ કરો
આપણાં ધાર્મિક અનુષ્ઠાનોમાં જ્વારા ઉગાડવાની ક્રિયાને ખૂબ મહત્ત્વ પાયું છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિ દરમ્યાન કે પછી કોઈ પ્રસંગે હવન યજ્ઞ થતો હોય ત્યાં જ્વારા ઉગાડવામાં આવે છે. ગૌરીવ્રત કે મોળાકાત વખતે કુંવારી કન્યાઓને જ્વારા ઉગાડીને એની પૂજા કરવાનું કહેવામાં આવતું હોય છે. ખાટલે મોટી ખોડ એ છે કે પાંચ દિવસ જ્વારા ઉગાડ્યા પછી પધરાવી દેવામાં આવે છે. ખરેખર તો કુંવારિકાઓ આ જ્વારાનો રસ કાઢીને પીએ એવી સુંદર ભાવના હતી. અમેરિકાના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. વિગમોરે પોતાના સંશોધન દરમ્યાન જાહેર કર્યું હતું કે જ્વારાનો રસ એ બીજું કંઈ નહીં પણ ગ્રીન બ્લડ છે. લીલું લોહી છે. કુંવારિકાઓ જ્યારે પિરિયડ્સમાં આવે ત્યારે શરીરમાં ભેગું થયેલું લોહી બ્લીડિંગ દ્વારા વહી જતું હોય છે. આ લોહીની ઊણપ ઘઉંના જ્વારાના સેવનથી પૂરી થાય છે. કન્યા રજસ્વલા બને ત્યારથી માંડીને તેમનાં લગ્ન થાય અને ગર્ભવતી બને, સ્તનપાન કરાવે આ તમામ ક્રિયાઓ દરમ્યાન હીમોગ્લોબિનની જરૂર પડતી હોય છે. નાનપણથી કુંવારિકાઓએ આ વ્રતોના બહાને જ્વારાના રસનું સેવન કર્યું હોય તો એમાં રહેલું ક્લોરોફિલ શરીરમાં લોહીની ઊણપની ભરપાઈ કરી આપે છે. જ્વારામાં રહેલા ક્લોરોફિલ અને લોહીના હીમોગ્લોબિનમાં રહેલા હેમિન તત્ત્વની રચના લગભગ એકસમાન છે. જર્મનીના ડૉ. કૉલહરે તો અનેક પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે જ્વારામાં રહેલા ક્લોરોફિલ તત્ત્વમાં લોહીને શુદ્ધ કરવાનો તથા નુકસાન પામેલા કોષોનું નવનિર્માણ કરવાનો ગુણ છે. જ્વારાનો રસ ત્રણસોથી અધિક રોગોમાં અકસીર માલૂમ પડ્યો છે. અનિદ્રા, ખાંસી, ઍસિડીટી, ચામડીના રોગ, સંધિવા, હરસ, કબજિયાત, હાઈ બ્લડ-પ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીઝ જેવા અનેક રોગ જ્વારા અપાય છે. કૅન્સરની બીમારી સામે લડવામાં જ્વારાનો રસ ઉપયોગી છે એ બાબતનું સંશોધન થઈ રહ્યું છે.
વડોદરાના પ્રસિદ્ધ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર રાજેન્દ્ર હાથી કહે છે, ‘આયુર્વેદમાં એક સૂત્ર છે રક્તમ જિવેત ઇતિ સ્થિતિમ. અર્થાત્ શરીરમાં લોહી છે ત્યાં સુધી જ તેનું અસ્તિત્વ છે. પુરુષોની અપેક્ષાએ ઓછું હીમોગ્લોબિન હોવાની સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, કેમ કે દર મહિને આવતા માસિક સ્રાવને લીધે લોહી અર્થાત્ આયર્ન અને કૅલ્શિયમની કમી તરત વર્તાય છે. ૧૦૦માંથી ૯૫ ટકા મહિલાઓ આની ભોગ બને છે. એવામાં ઘઉંના જ્વારા એક રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. આ જ્વારામાં એક વિશેષ પદાર્થ રહેલો છે એ છે ક્લોરોફિલ. જ્વારા લીલાંછમ હોય છે, કારણ કે એમાં ક્લોરોફિલ તત્ત્વ રહેલું છે. એને હરિત કણો પણ કહે છે. તેથી જ ઘઉંના જ્વારાના રસને ગ્રીન બ્લડ કહે છે. આપણા શરીરમાં લોહી સતત ફરતું રહે છે. એનો રંગ લાલ હોય છે. એના લાલ હોવાનું કારણ એમાંના રક્ત કણ - RBCને લીધે છે. આ RBCમાં હીમોગ્લોબિન હોય છે. એમાં હેમિન નામક તત્ત્વ હોય છે જે લાલ રંગનું હોવાથી જ લોહી લાલ હોય છે. જ્વારાનું ક્લોરોફિલ અને લોહીમાં રહેલા હેમિનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સંખ્યા, ગોઠવણી અને બંધારણ લગભગ સમાન છે એટલે જ ક્લોરોફિલને વનસ્પતિનું લોહી કહેવાય છે.
ક્લોરોફિલ કુદરતી બ્લડ બનાવનાર ઘટક છે એમ જણાવતાં ડૉ. રાજેન્દ્ર હાથી કહે છે, ‘રોગો પેદા કરતા જીવાણુઓ જ્વારાના કલોરોફિલ સામે ટકતા નથી. આ ક્લોરોફિલ અપક્વ હોવું જોઈએ અર્થાત્ રાંધ્યા વગર જ આ જ્વારા ખાવા જોઈએ. મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ પુરુષો કરતાં ઘણી ઓછી હોય છે. તેથી કોઈ ચોક્કસ હેતુસર આ વ્રત સાથે જ્વારાને જોડ્યા છે. અહીં એક સવાલ થાય કે ઘઉંના જ જ્વારા કેમ, બીજાના કેમ નહીં? કારણ કે માનવ શરીરને ઉપયોગી તમામ તત્ત્વો ઘઉંના જ્વારામાં રહેલા છે. એનો રસ બહુ જ ઝડપથી અને સહેલાઈથી લોહીમાં ભળી જાય છે.
- મયૂર જોષી