લખલૂટ સંપત્તિ વચ્ચે પણ આત્માની જાગૃતિ હોય તો નમસ્કાર થયા વિના રહે નહીં

17 June, 2024 07:40 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

યુવાનીની અજ્ઞાનતામાં ઘણાં પાપ કર્યાં. પુણ્ય અનુકૂળ હતું એટલે સંપત્તિ ક્ષેત્રે સફળતા ખૂબ મળી, પણ હાથ પકડનાર કોઈ ગુરુ નહીં અને કલ્યાણમિત્રોનો સહવાસ પણ નહીં એટલે પાપો ખૂબ થયાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્થળ સાંતાક્રુઝના ઍન્ડ્રુઝ રોડનો ઉપાશ્રય. સમય બપોરે ત્રણનો. રોજ પ્રવચનમાં આવતા પ્રૌઢ શ્રાવક સાથે અપરિચિત પ્રૌઢ શ્રાવક આસન સાથે આવીને ઊભા રહ્યા. અવસ્થાને લીધે જમીન પર બેસી શકતા નથી. ખૂણામાં પડેલી ખુરશી એક ભાઈ લાવીને તેમની પાસે મૂકે છે, પણ તેમને બેસવામાં સંકોચ થાય છે.

બેસવા કહ્યું તો પણ તે ભાઈ ઊભા જ રહ્યા.  

‘અરે, બેસોને? ’

‘તમે બેસવાનું કહો તો પણ કેવી રીતે બેસું? આચાર્ય મહારાજની પાટ નીચી અને ખુરશી ઊંચી. ગુરુની આશાતનાનો દોષ લાગે એનું શું?’

બીજી કોઈ ખુરશી ત્યાં હતી નહીં અને ઊભા-ઊભા વાત કરવાની તેમની ક્ષમતા નહોતી એટલે કચવાતા મને ક્ષમા માગીને તે બેઠા અને પોતાનો પરિચય આપ્યો.

‘આમ તો વર્ષોથી મુંબઈમાં રહેવાનું થયું, પણ પછી સંયોગો એવા થયા કે ધંધા માટે લંડન જવું પડ્યું. અહીંના ધર્મસંસ્કારોની મૂડી મારી પાસે હતી, પણ પરદેશ એ પરદેશ!  પ્રલોભનોનો પાર નહીં અને ધર્મ કરવાનાં આલંબનો, નિમિત્તો નહીંવત્.’

‘આ બાજુ અચાનક...’

‘બે-ત્રણ વર્ષે મુંબઈ આવવાનું બને. આ વખતે આવ્યો અને આ મારા સ્નેહી પાસેથી જાણવા મળ્યું કે આપ અત્રે બિરાજમાન છો એટલે ખાસ વંદનાર્થે આવ્યો અને આપની પાસેથી એક વચન લેવા પણ આવ્યો છું.’

‘વચન અને એય મારી પાસેથી?’ મેં પૃચ્છા કરી, ‘શેનું?’

‘યુવાનીની અજ્ઞાનતામાં ઘણાં પાપ કર્યાં. પુણ્ય અનુકૂળ હતું એટલે સંપત્તિ ક્ષેત્રે સફળતા ખૂબ મળી, પણ હાથ પકડનાર કોઈ ગુરુ નહીં અને કલ્યાણમિત્રોનો સહવાસ પણ નહીં એટલે પાપો ખૂબ થયાં. એક દિવસ સમ્યક સાહિત્યિક હાથમાં આવ્યું અને વાંચતાં માનવજીવનની કિંમત સમજાઈ. જીવનમાંથી પાપોનો નિકાલ કરવાનું ચાલુ કર્યું. આજે મનથી ખૂબ પ્રસન્ન છું. લંડનમાં પણ રોજ બે-ત્રણ સામાયિક કરું. સમ્યક વાંચન ચાલુ છે. રાત્રિ-ભોજન સદંતર બંધ. ટીવી પણ બંધ કર્યું. જોકે મૂંઝવણ એ છે કે શ્રેણિક મહારાજાએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યા પહેલાં જેમ નરકગતિનું આયુષ્ય બાંધી દીધું હતું એ જ રીતે મારું આયુષ્ય પણ યુવાવસ્થામાં પાપપ્રચુર કાળમાં દુર્ગતિનું બંધાઈ ગયું હશે તો? હું આપની પાસે વચન લેવા આવ્યો છું કે મરીને હું દુર્ગતિમાં જાઉં તો જ્યાં હોઉં ત્યાં આપે મને બચાવવા આવવાનું. આપ વચન નહીં આપો ત્યાં સુધી મને ચેન નહીં પડે.’

વાત કરતાં-કરતાં તે ભાઈની આંખમાં આંસુ આવ્યાં. તેમનાં એ આંસુ, તેમની એ માગણીએ મને ગદ્ગદ કરી દીધો. લખલૂટ સંપત્તિ વચ્ચે પણ આત્માની આટલી સરસ જાગૃતિ? મનોમન એ ઝંખનાને અને જાગૃતિને નમસ્કાર થઈ ગયા.

culture news jain community life and style columnists