13 September, 2026 06:19 PM IST | chennai | Alpa Nirmal
ગુજરાતીઓ માટે ગિરનાર પર્વતનું માહાત્મ્ય અદકેરું છે એ રીતે દક્ષિણ ભારતીયોમાં હિમાલયની પર્વતમાળા પહેલાંના આ ખડકનું મહત્ત્વ વિશેષ છે.
જંબુકેશ્વરનાથનાં દર્શન જે દિવસે કર્યાં એ જ રાત્રે ભોલેનાથ સપનામાં આવી કહે, ‘રૉકફોર્ટ મંદિર જવાનાને? અહીંથી ફક્ત ૭-૮ કિલોમીટર જ તો છે.’
ઉમાપતિ સ્વયં સપનામાં આવે અને વાતો કરે એ હકીકત સમજમાં બેસે એ પહેલાં મહાકાલ ઉવાચ... ‘ત્યાં રૉકસ્ટારનું મંદિર છે.’ ઓત્તારી, પહેલેથી ભગવાન આપણા ડ્રીમમાં પધારે એ જ ડાઇજેસ્ટ નહોતું થતું ત્યાં તો તેમના તરફથી બીજી ગુગલી આવી કે ‘ત્યાં રૉકસ્ટારનું મંદિર છે.’ ભરનિદ્રામાં પણ અમારા ચહેરા પર ૧૨ વાગેલા જોઈને દયાવાને સામેથી જ કહ્યું, ‘તમે પૃથ્વીવાસીઓ જ તો નારો લગાવો છોને ‘ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર... ગણપતિબાપ્પા રૉકસ્ટાર...’ એ ગણપતિનું જ, મારા પુત્રનું જ મંદિર એ રૉકફોર્ટની ટોચે છે.’
આટલું કહીને મહાદેવજી તો અલોપ થઈ ગયા, પણ અમે સફાળા જાગી ગયા. કૈલાસપતિ પોતે આવીને આપણને રૉકફોર્ટ ટેમ્પલે જવાનું સૂચન કરે, વળી ગન્નુબાપ્પા પણ વાજતેગાજતે ધરા પર પધારવાના હોય ત્યારે આપણે બીજો કોઈ વિચાર કર્યા વગર ઊપડ્યા તિરુચિરાપલ્લી (હા ભાઈ હા... ત્રિચી) શહેરના પ્રસિદ્ધ લૅન્ડમાર્ક રૉકફોર્ટ મંદિરે.
lll
ઉચ્ચી પિલ્લૈયાર કોવિલ નામે જાણીતું વિનાયકનું આ મંદિર ૪ પ્રકારે વિશિષ્ટ છે. પહેલું, મંદિર જે ૨૭૫ ફુટ ઊંચા ખડક પર આવેલું છે એ ખડક ૩૮ લાખ વર્ષ મીન્સ પૃથ્વી પર હિમાલયની પર્વતમાળા કરતાં પણ પહેલાંનો છે. બીજું, આ ભૂમિ પર રામાયણના પ્રખ્યાત પાત્ર વિભીષણ તથા વિનાયક વચ્ચેનો પ્રસંગ ઘટિત થયો છે. આટલી ઊંચાઈએ ગણપતિ ભગવાનનું પ્રાચીન મંદિર હોવું, વળી એ જ ચટ્ટાન પર શિવાલય પણ હોવું, એકસાથે રૉકસ્ટાર પિતા-પુત્રનાં મંદિરો હોવાં એ એની ત્રીજી વિશિષ્ટતા અને ચોથી ખૂબી, મંદિરનું આર્કિટેક્ચર. છઠ્ઠીથી અઢારમી સદી સુધીના આ પ્રદેશના ભિન્ન-ભિન્ન વંશના શાસકોએ આ મંદિરમાં અવનવા પ્રકારની વિસ્તૃત નક્કાશી, સંરચનાઓ કરાવી છે જેથી મંદિર આજે આસ્થા સાથે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો બની ગયું છે.
lll
કટ ટુ રામાયણકાળ. પિતા દશરથના કહેવાથી રામ ૧૪ વર્ષના વનવાસે ગયા. સાથે લઘુભ્રાતા લક્ષ્મણ અને ભાર્યા સીતા પણ જોડાયાં. તેઓ વનમાં ફરતાં હતાં ત્યારે લંકાધિપતિએ સીતામાતાનું અપહરણ કર્યું અને તેમને પોતાના દેશ લઈ ગયા. આ બાજુ રામ-લક્ષ્મણે સીતાજીની શોધ આદરી અને અનેક રાજાઓ, સામાન્ય પ્રજાજનો, પશુ-પંખીઓ આદિની સહાયતાથી પત્નીની ભાળ મેળવી અને આ બધાને લઈને તેમણે લંકા પર હુમલો કર્યો. લંકાના રાજા રાવણે શ્રી રામ સાથે યુદ્ધ આદર્યું, પરંતુ દશાનનના ભાઈ વિભીષણ પ્રભુના પક્ષે રહ્યા. લાંબી લડાઈના અંતે અસત્ય પર સત્યનો વિજય થયો અને શ્રી રામજી તથા સીતામાતાનો વિયોગ પૂરો થયો. આ ટૂંકી સ્ટોરીની વચ્ચે-વચ્ચેના સુંદર પ્રસંગોથી સૌ વિદિત છે જ. જોકે આપણી કથા એ પછીની છે. રામ, લક્ષ્મણ, સીતા પાછાં પોતાની નગરી અયોધ્યા પધાર્યાં અને રંગેચંગે તેમનો રાજ્યાભિષેક યોજાયો. એ રાજ્યાભિષેકમાં હવે લંકાના રાજા ઘોષિત થયેલા વિભીષણજી પણ પધાર્યા અને આખા પ્રસંગ બાદ શ્રી રામે વિભીષણને ભેટરૂપે રંગનાથસ્વામી (વિષ્ણુ ભગવાન)ની પ્રતિમા આપી. એની સાથે ટકોર પણ કરી કે આ પ્રતિમાને તમે નીચે મૂકશો તો એ ત્યાં જ સ્થિર થઈ જશે. વિભીષણ તો રંગનાથસ્વામીની પ્રતિમા મળી એ વાતે અત્યંત આનંદિત હતા. તેમને મર્યાદા પુરુષોત્તમની દરેક શરત માન્ય જ હતી. ખુશખુશાલ વદને હાથમાં પવિત્ર મૂર્તિ ઉપાડીને તેઓ પુષ્પક વિમાનમાં ઊડ્યા શ્રીલંકા તરફ. વિષ્ણુજીના ભક્ત વિભીષણ આકાશમાર્ગે પોતાના દેશ જઈ રહ્યા હતા ત્યાં સંધ્યા થઈ ગઈ અને તેમની દૈનિક સાંધ્યપૂજાનો સમય થઈ ગયો. ત્રિકાળપૂજા કરવાનો કડક નિયમ પાળનાર વિભીષણ રાજા પોતાનો એ અભિગ્રહ તો તોડવાના નહોતા. આથી તેમણે આજની ત્રિચી કહેવાતી એ ભૂમિ પર વિમાન ઉતાર્યું અને કોઈ મનુષ્યની રાહ જોવા લાગ્યા જેના હાથમાં તે એ પ્રતિમા પકડવા આપી શકે. ફરતાં-ફરતાં તેમને ગોપાલક બાળ દેખાયો અને વિભીષણજીએ રંગનાથસ્વામીને બાળકને પકડવા આપ્યા. સાથે ક્યાંય નીચે ન મૂકવાની હિદાયત કરી. બાળક બધી જ વાતો માની તૈયાર થઈ ગયું અને લંકાના નૂતન રાજા નિશ્ચિત મને સંધ્યાપૂજા કરવા લાગ્યા. આ બાજુ ચંચળ બાળ રમતાં-રમતાં રાજાની નજરથી ઓઝલ થઈ ગયું. વિભીષણે તેને બૂમ પાડી; એક-બે નહીં, ત્રણ; પરંતુ પેલું બાળક તો ઑલરેડી મૂર્તિ નીચે મૂકીને તેની નજીક આવેલી ઊંચી ટેકરી પર ચડી ગયું હતું. થોડીક ભાળના અંતે તેમને શ્રી રામે આપેલી પવિત્ર મૂર્તિ તો મળી, પણ એ જ્યાં મુકાઈ ગઈ હતી ત્યાં જ સ્થિર થઈ ગઈ હતી. રાજાએ અનેક પ્રયત્નો કર્યા એને ઉપાડવાના, પણ રંગનાથસ્વામી ટસના મસ ન થયા. વિભીષણ અત્યંત દુખી થઈ ગયા અને વિલાપ કરવા લાગ્યા ત્યારે શ્રી રંગારાર તેમની સામે પ્રગટ થયા અને કહ્યું, ‘આ જે ઘટના બની છે એ નિયતિ-નિર્મિત છે એટલે તું દુખી ન થા. હું મારું મુખ લંકા તરફ રાખું છું જેથી તારી ભૂમિની રક્ષા થશે.’ ત્યારથી રંગનાથસ્વામી દક્ષિણમુખી છે. આ સાથે આ કથાનો બીજો પર્સ્પેક્ટિવ પણ છે. કહેવાય છે કે તે બાળને વિષ્ણુ ભગવાનની મૂર્તિ બહુ ભારે લાગી એટલે તેણે ૩ વખત રાજાને બોલાવ્યા, પણ ભક્તિમાં લીન રાજાને સંભળાયું નહીં. આથી તે બાળકે મૂર્તિને નદીના કિનારે એક સરસ ભૂમિ પર મૂકી દીધી. સંધ્યાપૂજા સંપન્ન કરી વિભીષણે એ જોયું કે ચરવાહા બાળકે મૂર્તિ તેના હાથમાંથી નીચે મૂકી દીધી છે એટલે તેઓ ગુસ્સે થઈને તેને મારવા દોડ્યા અને પેલો બાળક દોડીને નજીકની ટેકરીની ટોચે પહોંચી ગયો.
વેલ, કથા જે પણ સાચી હોય, એ હકીકત છે કે પેલો બાળક આપણો દુંદાળો દેવ હતો જે આજે રૉકફોર્ટ નામે ફેમસ ટેકરી પર ગયો હતો અને પરિણામસ્વરૂપ છઠ્ઠી સદીમાં આ પ્રદેશના પલ્લવો રાજવીઓએ ૨૭૩ ફુટ ઊંચે આવેલી પહાડી પર વિનાયક મંદિર બનાવડાવ્યું જે ભક્તોમાં ઉચ્ચી પિલ્લેયાર મંદિર તરીકે જાણીતું છે અને સામાન્ય જનોમાં રૉકફોર્ટ મંદિર તરીકે જાણીતું છે. સાથે જ પલ્લવવંશીય રાજાઓએ ટેકરીના મધ્યમાં થાયુમનસ્વામીનું શિવાલય પણ સ્થાપિત કર્યું. દ્રવિડ સ્થાપત્યશૈલીમાં બનેલા આ વિશાળ મંદિરમાં કેદારનાથ માતૃભૂતેશ્વરરૂપે પૂજાય છે. તામિલ શબ્દ થાયુમ મીન્સ માતા, આનવર અર્થાત્ બન્યા. થાયુમનવર નામ પડ્યા પાછળની પૌરાણિક કથા એ છે કે આ જ પ્રદેશમાં રહેતી રત્નાવતી નામની એક મહિલા શિવજીની અનન્ય ભક્ત હતી. તે ગર્ભવતી હતી ત્યારે તેની માતા કાવેરી નદીમાં આવેલા ભીષણ પૂરને કારણે પુત્રીના પ્રસવ સમયે પહોંચી ન શકી. ત્યારે રત્નાવતીની પીડા જોઈને ભગવાન શિવે તેની માતાનું રૂપ ધારણ કર્યું અને તે ભાવિકાની ડિલિવરી કરાવી. આ પ્રસંગથી શિવલિંગ થાયુમનવરસ્વામી નામે પૂજાય છે અને પાર્વતીમાતા મટ્ટુવર કુઝલ માઈરૂપે.
હવે આ અદ્વિતીય ટેમ્પલે જવા સીડીઓ ચડવાનું શરૂ કરીએ. પહેલાં તળેટીના મણિક્કા વિનાયકરબાપ્પાનાં દર્શન કરીને. મણિક્કા વિનાયકર ત્રિચી વિસ્તારના સંરક્ષક દેવતા મનાય છે. આથી દિવસભર અહીં સ્થાનિક ભક્તો એકદંતને પાય લાગવા આવતા રહે છે. વળી અહીંથી જ રૉકફોર્ટ (કિલ્લા)માં જવાય છે. આ કિલ્લાની અંદર એક વિશાળકાય શિલાને વચ્ચેથી કાપીને બે મંદિર બનાવવામાં આવ્યાં છે : નીચલું ગુફામંદિર અને ઉપરી ગુફામંદિર. અહીં દર્શન કરીને ભક્તો દાદરા ચડવાનું શરૂ કરે છે. સંખ્યાની દૃષ્ટિએ અહીં ૪૫૦ દાદર છે, પરંતુ એ ચડતાં જરાય થાક નથી લાગતો, કારણ કે આ રૉકની ત્રણેય બાજુ સુંદરતમ દૃશ્યો જોવા મળે છે. એક તરફ કાવેરીના નિર્મળ નીરનો તેજલિસોટો દેખાય છે. એની બાજુમાં બીજી સાઇડ રંગનાથસ્વામીનું ભવ્ય મંદિર ટાઉન અને ત્રીજા તરફ ત્રિચી શહેરની ચમક-દમકનો ટૉપ વ્યુ લઈ શકાય છે. વીસથી ૩૦ મિનિટના આ સહેલા ચડાણ બાદ થાયુમનવરસ્વામીના દરબારે પહોંચો છો ત્યારે આ રંગીન અજૂબા સમાન દેવાલયમાં એક સુકૂનભરી શાતાનો અહેસાસ થાય છે. ગણેશમંદિરના સરવાળે આ મંદિરનો પરિસર ઘણો મોટો છે. વળી એમાં અન્ય મંદિરો પણ આવેલાં છે. આદિદેવને પાણી ચડાવીને તમે શિવાલયમાંથી બહાર નીકળો એટલે ભૂરું-ચોખ્ખું આકાશ તમારો સખો હોય એ રીતે બાથ ભીડી લે છે. નાઓ, ટુ ઉચ્ચી પેલિયાર મંદિર. દ્રવિડિયન મંદિરની શૈલીના સુંદરતમ આભૂષણ સમાન આ મંદિર અને અહીંના બાપ્પા પણ અદ્ભુત છે. આ હિલ ટૉપ મંદિર છઠ્ઠી સદીનું હોવા છતાં વેરી વેલ-મેઇન્ટેઇન્ડ છે. આઠમી સદીમાં પાંડ્ય સામ્રાજ્યના રાજવીઓએ પણ અહીં મંદિરનું પુનર્નિર્માણ કરવા સાથે સમસ્ત પરિસરનું નિર્માણ કરાવ્યું છે. સવારના સાડાપાંચથી રાત્રે ૧૦ વાગ્યા સુધી થતાં ૬ અલગ-અલગ ધાર્મિક અનુષ્ઠાન થવા સાથે વર્ષના ૧૨ તહેવારો અહીં ધૂમધામથી મનાવાય છે. જોકે ચૈત્ર મહિનામાં આવતા ચિત્તિરાઈ ઉત્સવમાં અહીંની રોનક અનેક ગણી વધુ હોય છે.
મુંબઈથી ત્રિચી જવાના વિવિધ પર્યાયો અમે ગયા વખતે જ જણાવી દીધેલા. છતાં જાણી લો કે તિરુચિરાપલ્લી મુંબઈ તથા દેશનાં અન્ય મહાનગરો સાથે રેલવે, રોડ તથા હવાઈમાર્ગે સુપેરે સંકળાયેલું છે. આ શહેરમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ હોવાથી ભારત જ નહીં, વિશ્વના અન્ય દેશો સાથે પણ કનેક્ટેડ છે. ઍરપોર્ટથી મંદિરનું અંતર ૧૦ કિલોમીટર એને રેલવે-સ્ટેશનથી પાંચ કિલોમીટર માત્ર છે. ત્રિચીમાં રહેવા-જમવાનો તો કોઈ પ્રૉબ્લેમ જ નથી, કારણ કે શહેરમાં દરેક બજેટના અનેક ઑપ્શન અવેલેબલ છે.
રૉકફોર્ટ પરનાં મંદિરો સવારના સાડાપાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લાં રહે છે. ચડાણ સહેલું હોવા છતાં ચડતી વખતે આરામદાયક જૂતાં તથા સાથે રાખેલી પાણીની બૉટલ આશીર્વાદરૂપ બની રહે છે.
દરેક મહિનાની પૂર્ણિમાએ હજારો તીર્થયાત્રીઓ તિરુચિરાપલ્લી પહાડીની પરિક્રમા કરીને થાયુમનસ્વામીની પૂજા કરવા આવે છે. આ ઉપરાંત ચૈત્રી પૂનમે (તામિલ કૅલેન્ડર અનુસાર) યાત્રિકોનો આંકડો હજારો પરથી લાખ પર પહોંચી જાય છે. રૉકફોર્ટ (તિરુચિરાપલ્લી પહાડી)ના પરિઘને કવર કરતી પરિક્રમાને સ્થાનિકો ગિરિવલમ કહે છે.
શૈવ ધર્મગ્રંથ અનુસાર થાયુમનવરસ્વામીનું આ મંદિર મુખ્ય ૨૭૬ શિવાલયોમાંનું એક છે.
તિરુચિરાપલ્લી રૉકફોર્ટ જેને લોકલ પ્રજા મલાઈ કોટ્ટઈ નામે જાણે છે એ કિલ્લો મદુરાઈ નાયકે નિર્માણ કરાવ્યો છે. આ ફોર્ટે અનેક યુદ્ધો જોયાં છે. મરાઠા અને બિજાપુરના આદિલશાહ વચ્ચેના, મૈસુર-તાંજાવુરના શાસકોના, તાંજાવુર-મરાઠા તથા મૈસુર-મરાઠા વચ્ચેના તથા કર્ણાટકના નવાબ-અંગ્રેજો વચ્ચેના સંગ્રામનો સાક્ષી બન્યો છે. રણનીતિક મહત્ત્વ ધરાવતું આ સ્થાન આઝાદી મળ્યાના આગલા દિવસ સુધી ઇંગ્લિશ લશ્કરી થાણું બની રહ્યું હતું અને અંગ્રેજોએ જ આ મલાઈ કોટ્ટઈને રૉકફોર્ટ નામે જાણીતું કર્યું.