જે કામ પ્રવચને ન કર્યું એ કામ એક ફોટોએ કરી દેખાડ્યું

19 February, 2026 12:52 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘મહારાજસાહેબ! જિંદગીભર જુગાર-દારૂથી દૂર રહેવાનો નિયમ લેવા આવ્યો છું. આપ વાસક્ષેપ નાખી આપો નિયમ...’

ત્રીસ વર્ષની ઉંમરનો એક પરિચિત યુવક બપોરના સમયે ઉપાશ્રયમાં આવ્યો છે.

‘જુગાર રમે છે? દારૂ પીએ છે?’

‘જુગાર વીસેક વર્ષથી અને દારૂ બારેક વર્ષથી નિયમિત...’ યુવકે હાથ જોડ્યા, ‘બીજું કંઈ ન પૂછો તો સારું.’

‘કોઈ મહાત્માનાં પ્રવચનો સાંભળ્યાં છે?’

‘ચંદનબાળા અપાર્ટમેન્ટમાં આપના ચાતુર્માસનાં પ્રવચનો સાંભળ્યાં છે. રવિવારીય શિબિરોનાં પ્રવચનો પણ સાંભળ્યાં. અનેક યુવાનોનાં હૃદય અને જીવનપરિવર્તન એ પ્રવચનોના માધ્યમે થયાં હશે, પણ હું એવો ને એવો જ રહ્યો છું.’

‘તો પછી અચાનક આ નિયમ લેવાની પ્રેરણા?’

‘એક ઘટના ઘટી ગઈ એટલે...’ યુવકે કહ્યું, ‘અઠવાડિયા પહેલાંની વાત છે. બન્યું એવું કે ઘરનો કામવાળો માળિયા પરનો સમાન સાફ કરતો હતો. એ ભંગાર વચ્ચે તેની નજર એક બૅગ પર પડી. બૅગ બંધ હતી. બૅગ તેણે નીચે ઉતારી મારી સામે મૂકી. મેં તાળું તોડી બૅગ ખોલી. વર્ષો પહેલાં એમાં મૂકેલી જાતજાતની ચીજો મેં કાઢી. એ બધામાં મારી નજર એક ફોટો પર પડી. હું સ્તબ્ધ થઈ ગયો. મારો ફોટો હતો. નાનો હતો ત્યારનો. મારી આંખ પહોળી ત્યારે થઈ જ્યારે મેં મારા શરીર પર ઝભલું ન જોતાં આપના શરીર પર છે એવાં વસ્ત્રો મેં જોયાં. ફોટો લઈ હું મમ્મી પાસે ગયો.

‘મમ્મી! આ હું છું? સાધુનાં કપડાંમાં...’

‘બેટા! કોડ હતા મનમાં કે ભવિષ્યમાં તને પવિત્ર એવા સંયમજીવનનો સ્વામી બનાવવો. સાધુજીવનમાં તું કેવો લાગીશ એ જાણવા માટે તને સાધુ જેવાં કપડાં પહેરાવ્યાં ને આ ફોટો પડાવ્યો. ફોટો જોઈને મેં મહિનાઓ સુધી હર્ષનાં આંસુ પાડેલાં. પરમાત્માને પ્રાર્થના કરતી કે પ્રભુ, મારા લાલને તું સાધુ જ બનાવજે, પણ બેટા કોડ અધૂરા રહી ગયા...’

વાત કરતાં-કરતાં યુવાન રડી પડ્યો.

‘મહારાજસાહેબ! મમ્મીએ મારે માટે સેવેલાં અરમાનોની વાત સાંભળીને હું ચોધાર આંસુએ રડ્યો ને એ જ પળે જુગાર-દારૂત્યાગનો સંકલ્પ લઈ લીધો.’

યુવાનની આંખોમાં આંસુ હતાં પણ ચહેરા પર હર્ષ પણ હતો.

સાચા જીવનની દિશા મળ્યાની ખુશી એ સમયે તેની આંખોમાં દેખાતી હતી.

‘શું કહું હું આપને? જે કામ મારે માટે આપનાં પ્રવચનો ન કરી શક્યાં એ કામ મારા પાંચ વર્ષની વયે પાડેલા એક ફોટોએ અને એ ફોટોની પાછળના ઇતિહાસે કરી દીધું. આપ આપી દો નિયમ. મને એટલો તો સંતોષ આપી દો કે હું સાધુ ભલે નથી બની શક્યો, પણ માણસ તો બની જ ગયો છું.’

culture news life and style lifestyle news columnists exclusive gujarati mid day