હાથ અને સાથ : મા અને માતૃભાષા સદા સાથે રહેવી જોઈએ

28 August, 2022 12:46 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

‘એક ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપાલ થઈને તમે ખુદ અંગ્રેજી સ્કૂલની હિમાયત કરી રહ્યા છો એ જાણીને આશ્ચર્ય પણ થાય છે અને એની સાથોસાથ દુઃખ પણ થાય છે.’

હાથ અને સાથ : મા અને માતૃભાષા સદા સાથે રહેવી જોઈએ

‘તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે?’
‘ના, સરસ છે.’
‘બાબો મંદબુદ્ધિ છે?’
‘ના, હોશિયાર છે.’
‘તમે ગામડામાંથી આવો છો?’
‘ના, વર્ષોથી મુંબઈમાં જ રહું છું. ’
‘તમને વર્તમાન જગતની પરિસ્થિતિનો ખ્યાલ છે?’
‘હા, પૂરેપૂરો ખ્યાલ છે.’
‘બજારમાં શું કે ધંધામાં શું? દેશમાં શું કે પરદેશમાં શું? સર્વત્ર બોલબાલા અંગ્રેજીની જ છે એ તમારા ખ્યાલમાં છે?’
ચાલીસ વર્ષનો વ્યક્તિ પોતાના દીકરાને સ્કૂલમાં દાખલ કરવા ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપાલ પાસે લઈ ગયો છે અને સ્કૂલના પ્રિન્સિપાલ એ યુવક સાથે વાતચીત કરી રહ્યા છે.
‘એટલે તમે જાણો તો છો કે અત્યારે જેનું અંગ્રેજી સરસ છે તેનું જ ભાવિ ઉજ્જ્વળ છે. બરાબરને?’
‘અંગ્રેજી સારું હોય તેને આગળ વધવાની તક વધુ સારી હોય એ હજી બની શકે, પણ તેનું જ ભાવિ ઉજ્જ્વળ હોય એ વાતમાં હું બિલકુલ સંમત નથી.’
‘તો તમે અંધારામાં છો. ’
‘બની શકે.’
‘મારી એક વાત માનશો?’
‘શું?’
‘તમારા દીકરાને તમે આ સ્કૂલમાં દાખલ ન કરતા, તેને બીજી કોઈ અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરી દો.’
‘એક ગુજરાતી સ્કૂલના પ્રિન્સિપાલ થઈને તમે ખુદ અંગ્રેજી સ્કૂલની હિમાયત કરી રહ્યા છો એ જાણીને આશ્ચર્ય પણ થાય છે અને એની સાથોસાથ દુઃખ પણ થાય છે.’
‘એની પાછળ કારણ છે.’
‘શું કારણ છે?’
‘આજનાં માબાપો જે ઘેલછાથી અને પાગલપનથી પોતાનાં બાળકોને અંગ્રેજી સ્કૂલ તરફ ધકેલી રહ્યાં છે એ જોતાં એમ લાગે છે કે લગભગ ચાર-પાંચ વર્ષ બાદ મુંબઈમાં એક પણ ગુજરાતી સ્કૂલ નહીં હોય અને ધારો કે કદાચ હશે તોય એના ભણતરમાં કોઈ કસ નહીં હોય, કોઈને રસ નહીં હોય.’
‘તમે પેપર તો વાંચતા જ હશોને? ‘એક નવી ગુજરાતી સ્કૂલ ઊભી થઈ’ એવા સમાચાર છેલ્લાં ૧૦ વર્ષમાં તમે વાંચ્યા નહીં હોય. જ્યારે વર્ષોથી ચાલતી ગુજરાતી સ્કૂલો બંધ થઈ રહ્યાના સમાચાર તમને છાશવારે વાંચવા મળતા હશે. આ હિસાબે કહું છે કે તમારા દીકરાના ભાવિને અંધકારમય ન બનાવવું હોય તો અત્યારથી જ ચેતી જઈને તેને અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરી દો.’
‘પ્રિન્સિપાલસાહેબ! ચાર-પાંચ વર્ષ બાદ મુંબઈમાં એક પણ ગુજરાતી સ્કૂલ નહીં હોય એવી જે આગાહી તમે કરી રહ્યા છો એ સાચી પડવાની કોઈ જ સંભાવના એટલા માટે નથી કે હજી આ મુંબઈમાં મારા જેવા મૂર્ખ(?) બાપાઓનો તોટો નથી. અમારો દીકરો ગુજરાતી માધ્યમમાં ભણવાને કારણે કદાચ થોડો કાચો રહી જશે તોય એ અમને મંજૂર છે; પણ ગુજરાતી એ તો અમારી માતૃભાષા છે. નાની ઉંમરમાં મા ગુમાવી બેસતા દીકરાની વેદના કેવી હોય છે એની તો એ વખતે કદાચ તેને ખુદનેય ખબર નથી હોતી, તે તો મોટો થાય છે ત્યારે જ તેને ખ્યાલ આવે છે કે મા ગુમાવીને મેં કેટલું બધું ગુમાવી દીધું છે, કેટલું બધું હાથમાંથી છૂટી ગયું છે.’
‘બસ, એ જ ન્યાયે અણસમજની વયમાં માબાપની ઘેલછાને કારણે અંગ્રેજી સ્કૂલમાં દાખલ થઈ જતા દીકરાને ખુદને ખ્યાલ નથી હોતો કે માતૃભાષાથી છૂટી જઈને હું કેટલી મોટી નુકસાનીમાં ઊતરી રહ્યો છું. એ તો ખુદ મોટો થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે માતૃભાષાથી છૂટી જઈને મેં ઘણું ગુમાવ્યું છે. પ્રિન્સિપાલસાહેબ! મારા દીકરાને એવા પસ્તાવાની પળોમાં હું મૂકવા નથી માગતો. દીકરો માથી જુદો ન જ પડવો જોઈએ. જો આ વાત આપણે દૃઢતાથી માનતા હોઈએ તો એ પણ આપણે માનવું અને સ્વીકારવું જોઈએ કે દીકરો માતૃભાષાથી પણ જુદો ન જ પડવો જોઈએ. આ મારી માન્યતામાં હું પૂરેપૂરો મક્કમ છું કે મારા દીકરાને આ સ્કૂલમાં દાખલ કરી દો. મરતી વખતે હું પાણી માગું છું અને એ સમયે દીકરાની સામે જ પાણી પડ્યું હોય છતાં ‘વૉટર’ના ખ્યાલે તે પાણી આપવાનું ભૂલી જાય એવી હાસ્યાસ્પદ સ્થિતિ હું સર્જવા નથી માગતો.’

life and style culture news astrology