17 September, 2026 08:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગભગ ૩પ વર્ષની આસપાસની વયનાં તે બહેન. રાયપુરના ચાતુર્માસ દરમ્યાન થયેલા સામૂહિક અઠ્ઠમમાં તેમણે જિંદગીમાં પ્રથમ વાર અઠ્ઠમ કર્યો. પારણાના દિવસે વાસક્ષેપ માટે આવેલાં તે બહેને મને વિનંતી કરીને કહ્યું કે અઠ્ઠમની આ તપશ્ચર્યા મને કાયમ યાદ રહે એવો આપને ઠીક લાગે એવો કોઈ પણ એક નિયમ આપી દો.
‘પહેલો અઠ્ઠમ અંતિમ ન બને એનું ધ્યાન રાખજો.’
પહેલી વાર આરાધના કે તપશ્ચર્યા કરનારાઓને મોટા ભાગે આ જ સલાહ કે નિયમ આપવો જોઈએ. તે બહેનને પણ એ જ કહ્યું; પણ બહેને આગ્રહ સાથે કર્યો કે આ નિયમ તો નહીં આપો તો પણ હું પાળવાની છું, આ સિવાય મને બીજો કોઈ નિયમ આપો.
‘તમારી જે નબળી કડી હોય એને તોડે એવો નિયમ માગી લો...’
બહેન સામે મેં પ્રસ્તાવ મૂક્યો અને તે બહેન પળભર ઊભાં રહી ગયાં અને પછી આજ્ઞા લઈને તે પોતાની પાછળ જ ઊભેલા પતિ પાસે પહોંચી ગયાં. બે-પાંચ મિનિટ તે બન્નેએ કંઈક વાત કરી અને પછી મારી પાસે આવ્યાં અને મને વિનંતી કરી...
‘અમારા બન્નેની નબળી કડી એક જ છે, વાસનાની આધીનતા. આશીર્વાદ આપો આપ અમને બન્નેને અને આજીવન બ્રહ્મચર્યનું પચ્ચક્ખાણ આપી દો.’
દુર્યોધનને દુર્યોધન બનીને હરાવી શકાતો નથી, દુર્યોધનને હરાવવા અર્જુન જ બનવું પડે છે અને અર્જુન પણ ત્યારે જ જીતી શકે છે જ્યારે તે કૃષ્ણનું શરણ સ્વીકારી લે છે.
અનાદિકાળની જડ પ્રત્યેની પ્રીતને તોડવા જડનો ત્યાગ કરી દેવામાત્રથી કામ પતી જતું નથી, કારણ કે મુક્તિ ન મળે ત્યાં સુધી જડના ઉપયોગથી મુક્ત થઈ શકાય એવી કોઈ જ શક્યતા નથી. હા, શ્રેષ્ઠતમ વિકલ્પ એક છે જ અને એ છે પ્રભુ પ્રત્યેની પ્રીત.
કાંટાથી કાંટો નીકળે છે કે કેમ એમાં શંકા છે, લોખંડથી લોખંડ કપાય છે કે કેમ એમાં પણ શંકા છે, ઝેરથી ઝેર મરે છે કે કેમ એમાંય શંકા છે; પણ પ્રભુ પ્રત્યેની પ્રીત તો પુદ્ગલ પ્રત્યેની પ્રીતનો કોળિયો કરીને જ રહે છે એમાં એક ટકાની પણ શંકા નથી.
એક નક્કર વાસ્તવિકતા બરાબર સમજી લેવાની જરૂર છે. ખરાબ અને સારા વચ્ચેની પસંદગીમાં મનને લેશ સમજાવવું પડતું નથી. જો મન પાસે સારા-ખરાબને સમજવાની સ્પષ્ટ સમજ છે તો કીચડ અને કમળ વચ્ચેની પસંદગીમાં કમળ પર પસંદગી ઉતારવામાં ક્યાં લાંબી અક્કલની જરૂર પડે છે? વાત છે સારા-ખરાબને સમજવાની સ્પષ્ટ સમજની. એ આવી ગઈ તો બેડો પાર.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.