✕

રંગોળી ન આવડતી હોય તો વાંધો નહીં, માર્કેટમાં આવી ગયા છે ટ્રાન્સપરન્ટ શીટ અને રેડીમેડ પૅચ

09 November, 2026 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅબ્રિક કટઆઉટથી લઈને ટ્રાન્સપરન્ટ શીટ પર તૈયાર થતી ક્વિક રંગોળી માટે રેડીમેડ શીટ્સથી લઈને પિછવાઈ આર્ટના રેડીમેડ પૅચ બહુ કામ લાગશે

પ્રતીકાત્મક તસવીર

બદલાતા સમય સાથે રંગોળી બનાવવાની રીત અને સામગ્રીમાં પણ નવા પ્રયોગો થઈ રહ્યા છે. હવે રંગોળી માત્ર જમીન પર રંગોથી બનાવાતી ડિઝાઇન પૂરતી સીમિત રહી નથી. ફૅબ્રિક કટઆઉટથી લઈને ટ્રાન્સપરન્ટ શીટ પર તૈયાર થતી ક્વિક રંગોળી માટે રેડીમેડ શીટ્સથી લઈને પિછવાઈ આર્ટના રેડીમેડ પૅચ બહુ કામ લાગશે

પહેલાં ચોખા, રંગોળીના પાઉડર, ફૂલ અને કુદરતી રંગોથી રંગોળી બનાવવામાં આવતી; જ્યારે હવે સમયની અછત અને ડેકોરેશનની બદલાતી સ્ટાઇલને કારણે રંગોળીના ફૉર્મેટમાં પણ પરિવર્તન આવ્યું છે. ટ્રેડિશનલ ચારોળી અને રંગો આજે પણ ટાઇમલેસ છે; પરંતુ એની સાથે ફૅબ્રિક, ટ્રાન્સપરન્ટ શીટ અને રેડીમેડ પૅચ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને નવા પ્રકારની રંગોળીની ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે. 

પિછવાઈ આર્ટના પૅચથી પરંપરાગત લુક

પિછવાઈ આર્ટમાં કમળ, ગાય, મોર, ફૂલ અને કુદરતી તત્ત્વો જેવાં મોટિફ જોવા મળે છે. આવા મોટિફવાળા પૅચને એકસાથે ગોઠવીને રંગોળીની રચના કરી શકાય છે. મોટા પૅચને ડિઝાઇનને કેન્દ્રમાં રાખીને એની આસપાસ નાના પૅચ ગોઠવવામાં આવે તો રંગોળી વધુ સંતુલિત અને પ્રીમિયમ દેખાય છે.

ટાઇમલેસ ડિઝાઇન

રંગોળીમાં નવા મટીરિયલ અને ટેક્નિકનો ઉપયોગ પરંપરાગત રંગોળીને સરળ બનાવે છે.  ફૅબ્રિક કટઆઉટ, ટ્રાન્સપરન્ટ શીટ અને પિછવાઈ પૅચ જેવી નવી રીતો પરંપરાગત રંગોળીના મોટિફને જ નવા સ્વરૂપમાં રજૂ કરે છે. તેથી રંગોળી માટે પૅચ વસાવતી વખતે માત્ર વાઇરલ ડિઝાઇન પાછળ જવાને બદલે એવી ડિઝાઇન પસંદ કરવી જોઈએ જે પરંપરાગત ભારતીય કળા સાથે જોડાયેલી હોય, અલગ-અલગ રીતે ગોઠવી શકાય અને આગામી તહેવારોમાં પણ એટલી જ સુંદર લાગે. ટાઇમલેસ મોટિફ, બૅલૅન્સ્ડ કલર્સ અને અલગ રીતે ગોઠવી શકાય એવા પૅચનું કૉમ્બિનેશન રંગોળીને ટ્રેન્ડી હોવા છતાં લાંબા સમય સુધી પ્રાસંગિક રાખી શકે છે.

ફૅબ્રિક કટઆઉટથી ક્વિક રંગોળી


રંગોળી માટે ફૅબ્રિક કટઆઉટનો ઉપયોગ હાલનું એક રસપ્રદ પરિવર્તન છે. વિવિધ રંગના કાપડને ફૂલ, પાંદડાં, મોર, જ્યોમેટ્રિક પૅટર્ન કે પરંપરાગત મોટિફના આકારમાં કાપીને રંગોળીની જેમ ગોઠવી શકાય છે. આ પ્રકારની રંગોળીનો સૌથી મોટો ફાયદો એ છે કે એને બનાવવામાં પાઉડર રંગોની જેમ લાંબો સમય લાગતો નથી અને સાફસફાઈની ઝંઝટ પણ ઓછી રહે છે. ફૅબ્રિક કટઆઉટમાં ટેક્સ્ચર જોવા મળતું હોવાથી રંગોળીને થોડી ઊંડાઈ પણ મળે છે. ખાસ કરીને મિરરવર્ક, ગોટા, એમ્બ્રૉઇડરી અથવા મેટાલિક ડીટેલ ધરાવતા ફૅબ્રિક પૅચ પસંદ કરવામાં આવે તો સાદા ફ્લોર પર પણ ડેકોરેશન વધુ ઊભરીને આવે છે. આ સાથે એના પર ટ્રાન્સપરન્ટ મિરરવર્કવાળી રંગોળીને પૅચ લગાવવામાં આવે તો સાદા ફૅબ્રિકની ડિઝાઇનને ૪ ચાંદ લગાવી દે છે.

ટ્રાન્સપરન્ટ શીટ પર રંગોળીનો પ્રયોગ

ટ્રાન્સપરન્ટ શીટ પર ફેવિકૉલ અને રંગોની મદદથી બનાવવામાં આવતી ક્વિક રંગોળી પણ અલગ પ્રકારનો પ્રયોગ છે. શીટ પર મનપસંદ ડિઝાઇન બનાવી એમાં રંગો ભરવામાં આવે છે. સુકાઈ ગયા બાદ તૈયાર થયેલી ડિઝાઇનનો ફ્લોર, ટેબલ અથવા અન્ય સપાટી પર ડેકોરેશન તરીકે ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નિકની ખાસિયત એ છે કે પરંપરાગત રંગોળીના મોટિફને જાળવી રાખીને એને વધુ મૉડર્ન લુક આપી શકાય છે. કમળ, મોર, દીવો, પાંદડાં અને મંડલા, પગલાં અને લક્ષ્મીમાતા જેવા ટાઇમલેસ મોટિફને ટ્રાન્સપરન્ટ શીટ પર અલગ રંગસંયોજન સાથે 
તૈયાર કરી શકાય. એટલે ટ્રેન્ડી સામગ્રીનો ઉપયોગ થયો હોવા છતાં ડિઝાઇન થોડાં વર્ષો પછી પણ જૂની લાગતી નથી.

સદાબહાર રંગોળી માટે કેવા પૅચ પસંદ કરવા?
 રંગોળી માટે પૅચ ખરીદતી વખતે કમળ, મોર, પાંદડાં, દીવો, મંડલા અને જ્યોમેટ્રિક બૉર્ડર જેવાં પરંપરાગત મોટિફ સારાં વિકલ્પ બની શકે છે.
 રંગોની બાબતમાં લાલ-પીળો, લીલો-ગુલાબી, બ્લુ-ઑરેન્જ અથવા મરૂન-ગોલ્ડ જેવું કૉમ્બિનેશન ટ્રેડિશનલ લાગવાની સાથે મૉડર્ન ડેકોરમાં પણ સરળતાથી ફિટ થઈ શકે છે.
 ફૅબ્રિકની ક્વૉલિટી, કિનારીનું ફિનિશિંગ, મિરર કે ગોટાવર્કની ડીટેલ અને પૅચની જાડાઈ જેવી બાબતો તપાસવી જોઈએ. સારા ફિનિશ અને મજબૂત મટીરિયલવાળા પૅચ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.

પૅચ ખરીદતી વખતે આ ૪ બાબતો ચોક્કસ તપાસો
 રંગોળીનો પૅચ ફ્લોર પર કેવી રીતે દેખાશે, કેટલો સમય ટકશે અને આગામી તહેવારમાં ફરી ઉપયોગ કરી શકાશે કે નહીં એ જાણવા માટે મટીરિયલ, કદ, રંગ અને ટકાઉપણું જેવી બાબતો તપાસવી જરૂરી છે.
 જો પૅચ પર મિરર, ગોટા, જરી, સિક્વિન કે બીડવર્ક હોય તો એ સારી રીતે ફિક્સ કરેલું છે કે નહીં એ પણ જોવું જોઈએ. ખાસ કરીને ફ્લોર પર વારંવાર મૂકવા અને હટાવવાના હોય એવા પૅચમાં નાની ડીટેલ છૂટી ન જાય એ મહત્ત્વનું છે.
 પૅચ ખરીદતાં પહેલાં જે જગ્યાએ રંગોળી બનાવવાની છે એનું માપ લઈ લેવું ઉપયોગી છે. ઑનલાઇન ખરીદી કરતી વખતે ફોટોમાં પૅચ મોટો દેખાઈ શકે છે. તેથી પ્રોડક્ટના વાસ્તવિક માપને સેન્ટિમીટર અથવા ઇંચમાં તપાસવું જોઈએ.
 એક જ પ્રકારના ઘણા પૅચ ખરીદવાને બદલે મોટા, મધ્યમ અને નાના કદના પૅચનું મિશ્રણ પસંદ કરવામાં આવે તો પોતાની રીતે અલગ-અલગ ડિઝાઇન બનાવવાની શક્યતા વધે છે.

lifestyle news life and style culture news diwali festivals