01 December, 2024 05:27 PM IST | Chennai | Alpa Nirmal
અગ્નિશ્વર મંદિર, કંજાનુર
તામિલનાડુ રાજ્યમાં કાવેરી નદીના બેઝિનમાં આવેલાં નવગ્રહોનાં મંદિરો એક હજારથી ત્રણ હજાર વર્ષો જેટલાં પ્રાચીન છે. આમ તો મોટા ભાગનાં ટેમ્પલ શિવજીને સમર્પિત છે, પરંતુ એ દરેક મંદિરમાં નવ ગ્રહમાંના પર્ટિક્યુલર એક ગ્રહને પ્રમુખ સ્થાન અને મહત્ત્વ અપાયું છે આથી એ મંદિર એ પ્લૅનેટના નામે ઓળખાય છે
ભગવાનથી પણ ન ડરનારી, પાપ-પુણ્યના ચોકઠામાં ન માનનારી લાખો કરોડો વ્યક્તિઓ પોતાની કુંડળીમાં બેઠેલા ગ્રહોથી ડરે છે. તેમ જ જન્માક્ષરના ચોકઠામાં ચોક્કસ સ્થાનમાં બેઠેલા પાપગ્રહો કે શુભ ગ્રહોની દૃષ્ટિ, ચાલ, યુતિ-પ્રતિયુતિ જ જાતકનું જીવન નક્કી કરે છે એમ અચૂક માને છે. એ જ રીતે ‘ઈશ્વર દેખાતો નથી, આથી તેનું અસ્તિત્વ જ નથી; એ કહેવાતા પરમાત્માની કલ્પનાથી કંડારેલી મૂર્તિની પૂજા શેની?’ એ ફિલોસૉફી ફૉલો કરનારા અજ્ઞેયવાદીઓ પણ નવગ્રહની, નવે ગ્રહોના સ્વામીની ઇમૅજિનરી છબી કે પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે.
ઇન શૉર્ટ, દરેક નાસ્તિક, આસ્તિક વ્યક્તિ પણ નવ ગ્રહોની મહત્તાને માને છે અને એનો આદર કરે છે.
ખેર, આપણે એ નાસ્તિકતા કે ઍગ્નોસ્ટિસિઝમ વાત નથી કરવી. આપણે તો જવું છે દક્ષિણ ભારતનાં એ અમૂલ્ય ખજાનારૂપ મંદિરોમાં જે સૂર્યમાળાના નવે ગ્રહોને સમર્પિત અલાયદાં તથા વિશાળ મંદિરો છે.
કોઈ એક ક્ષેત્રમાં કે પ્રદેશમાં જે-તે ગ્રહને સમર્પિત મંદિરો હોય એવું આપણે જોયું છે. જેમ કે મહારાષ્ટ્રના શિંગણાપુરમાં શનિનું ધામ છે તો ઓડિશાના કોણાર્કમાં રવિને સમર્પિત સૂર્ય મંદિર છે; પરંતુ તામિલનાડુ સ્ટેટના તંજાવુર જિલ્લામાં ૨૪૦ કિલોમીટરના પરિઘમાં સોલર સિસ્ટમના નવે ગ્રહોની પૂજા-દર્શન માટે સ્પેશ્યલ મંદિરો છે અને એ પણ પ્રાચીન. એવું કેમ?
આવો, એની કથા જાણીએ.
પૌરાણિક કાળમાં કલાવ ઋષિ નામક એક અતિ તપસ્વી ઋષિ હતા. પાપોદયને કારણે તેમને કુષ્ઠ રોગ થયો. અનેક ઉપાયો કરવા છતાં રક્તપિત્તે તેમનો પીછો ન છોડ્યો. આથી અંતિમ ઉપાય તરીકે કલાવ ઋષિએ નવે ગ્રહોને પ્રાર્થના કરી અને ઋષિની સાધના તેમ જ જ્ઞાનના પ્રભાવે દરેક ગ્રહ તેમની સમક્ષ ઉપસ્થિત થયા. ઋષિએ તેમનો યોગ્ય આદરસત્કાર કર્યો અને સૂર્ય સહિતના દરેક ગ્રહે પ્રસન્ન થઈ કલાવ દેવર્ષિને વર માગવાનું કહ્યું. એ પ્લૅનેટ્સ પાસેથી ઋષિએ પોતાના રોગથી મુક્તિ મેળવવાનું વરદાન માગ્યું ને ગ્રહોએ કબૂલ રાખ્યું.
એ વાતથી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખૂબ ક્રોધિત થયા. સૃષ્ટિના નિયમ પ્રમાણે ગ્રહો કોઈ મનુષ્યોને વરદાન ન આપી શકે છતાં ગ્રહોએ એમ કર્યું એટલે કોપાયમાન બ્રહ્માજીએ નવે ગ્રહોને કુષ્ઠ રોગથી પીડિત થવાનો શ્રાપ આપ્યો અને તેમને પૃથ્વીના આ વિસ્તારમાં ફેંકી દીધા. સફેદ જંગલી ફૂલો ધરાવતો આ વિસ્તાર વેલ્લુરક્કુ વન નામે ઓળખાતો. આ વનમાં રહી સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર, બુધ, મંગળ, શનિ, રાહુ, કેતુએ શિવજીની કઠોર તપસ્યા કરી અને શિવજી અહીં પ્રગટ થયા. ગ્રહોએ ભૂતનાથની સમક્ષ પરત દેવલોકમાં જવાની માગ કરી. ત્યારે ભોલેનાથે નવે ગ્રહો પાસે વચન માગ્યું કે બ્રહ્માજીએ આપેલાં આ સ્થાનો હવે તમારાં છે, કોઈ પણ યુગમાં અહીં આવી ભક્તો તમારી પૂજા કરે તો તમારે એ ભક્તોની પીડા હરવાની અને તેમને શક્તિ પ્રદાન કરવાની. ગ્રહોએ બાબાની એ શરત માન્ય રાખી. બસ, ત્યારથી આ વિસ્તારમાં નવે ગ્રહો જ્યાં પડ્યા હતા ત્યાં તેમનાં અલગ-અલગ મંદિરો બનાવાયાં છે. દરેક મંદિરની સાથે એ ગ્રહોના તારણહાર શિવજીનું પણ સુંદર મંદિર છે. ઇન ફૅક્ટ, મહાદેવના ગર્ભગૃહની બહારની બાજુ કે એને સંલગ્ન જ જે-તે ગ્રહની મૂર્તિ છે પરંતુ અહીં ગ્રહનો પ્રભાવ જ એવો પાવરફુલ છે કે એ મંદિર, એ પ્રદેશ પર્ટિક્યુલર એ ગ્રહના નામે જ ઓળખાય છે.
સાઉથ ઇન્ડિયન રાજ્યોના ભક્તો તો નવે ગ્રહની સર્કિટ કહેવાતાં આ મંદિરોની યાત્રા અવારનવાર કરે છે. ઈવન ફૉરેનર્સ પણ આ નવે ગ્રહોને ભક્તિભાવથી મત્થા ટેકવા આવે છે અને મંદિરોની પ્રાચીનતા, ભવ્યતા જોઈ અચંબિત થાય છે પરંતુ આપણા માટે આ યાત્રા નવી છે, અજાણી છે.
સો વહાલા વાચકો, આપણે આપણી તીર્થાટન એક્સપ્રેસ થોડાં અઠવાડિયાં માટે તંજૌર જિલ્લામાં ફેરવીશું અને આવાં અવનવાં અનોખાં મંદિરની યાત્રા કરીશું.
આ સિરીઝનું મંગલાચરણ કરીએ ઑલમાઇટી સૂર્ય અને બ્યુટિફુલ શુક્રનાં દેવાલયોથી, કારણ કે સૂર્યમાળામાં એ બે ગ્રહ વચ્ચે ભલે લાખો કિલોમીટરનું અંતર હોય પણ કુંભકોણમથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ભાનુદેવને સમર્પિત સૂર્યનાર કોવિલથી લૉર્ડ શુક્ર ટેમ્પલ ઓન્લી સાડાત્રણ કિલોમીટર દૂર છે.
સૂર્યનાર કોવિલ
સૂર્યનાર કોવિલ : આદુથુરાઈ ગામમાં સ્થિત સૂર્યદેવને સમર્પિત પ્રભાવશાળી કોવિલ (મંદિર) છે. આ મંદિરના પૂજારીઓનું કહેવું છે કે ભારતનું આ એકમાત્ર પ્રાચીન મંદિર છે જેમાં સૂરજદાદાની પૂજા થાય છે. ઍન્ડ આ વાત શક્ય હોઈ શકે, કારણ કે મંદિરની એક શિલા ઉપર તમિલ ભાષામાં આલેખાયેલું ચોખ્ખું વંચાય છે કે ‘આ મંદિર કુલોતુંગ ચોલદેવે ઈ. સ. ૧૦૬૦થી ૧૧૧૮ દરમિયાન બનાવડાવ્યું હતું.’ એ પછી વિજયનગર સામ્રાજ્ય દરમિયાન એનું વિસ્તરણ થયું અને સમયાંતરે એનું રિસ્ટોરેશન પણ થયું પણ ગર્ભગૃહમાં રાખેલી કાળા પાષાણમાંથી નિર્મિત સૂર્યદેવની તેમ જ તેમની બાજુમાં હાથમાં કમળનું ફૂલ લઈ ઊભેલી તેમની બે પત્નીઓ ઉષા (અદિતિ) અને પ્રત્યુષા (છાયા) તેમ જ ગર્ભગૃહની બહાર સૂર્યદેવની બિલકુલ સામે રખાયેલી ગુરુ ગ્રહની મૂર્તિ ક્યારેય નથી બદલાઈ કે ક્યારેય નથી વિસ્થાપિત કરાઈ.
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનાં રંગીન સ્થાપત્યો ધરાવતાં પાંચ સ્તરીય ગોપુરમમાંથી મંદિરમાં પ્રવેશો એટલે પરિસરના કેન્દ્રમાં જ સૂર્ય મંદિર મળે છે અને એની સામે અન્ય આઠ ગ્રહોનાં નાનાં મંદિરો જોવા મળે. જોકે હાલ એ ગ્રહોની દેરીઓનું સમારકામ થતું હોવાથી ગ્રહોની ધાતુની મૂર્તિઓ મંદિર પરિસરની ફરતે આવેલી વિશાળ પરસાળમાં એકસાથે રખાઈ છે, પરંતુ બે-ત્રણ વર્ષમાં તેમની દેરીઓ પુનઃ તૈયાર થઈ જતાં ફરી એમાં સ્થાપિત થઈ જશે.
હા, એક વાત ઉલ્લેખનીય છે કે અન્ય ગ્રહોનાં મંદિરોની જેમ અહીં શિવજીનાં બેસણાં નથી, ફક્ત સૂરજદાદા જ બિરાજમાન છે અને સૂર્ય પ્રધાન ગ્રહ હોવા છતાં તેના મંદિરનું ક્ષેત્રફળ અન્ય ગ્રહોના મંદિરના પ્રમાણમાં નાનું છે. જોકે અહીં ભક્તોની શ્રદ્ધાની સાઇઝ ઘણી મોટી છે. વર્ષના બારેય મહિના, એમાંય ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સેંકડો ભાવિકો સૂર્યદેવની ભક્તિ કરવા અહીં આવે છે. સૂર્યદેવનો વાર કહેવાતા રવિવારે તેમ જ અમાસ, પૂનમે તો અહીં હજારો ભક્તો સૂર્યનાં દર્શનાર્થે આવે છે. દર્શન ઉપરાંત અનેક ભક્તો પોતાની કુંડળી અનુસાર વિશિષ્ટ પૂજા પણ કરાવે છે. તથા સૂર્ય ગ્રહદેવતાને અનુલક્ષી કેસરી રંગનાં વસ્ત્રો, ઘઉં, પીળાં પુષ્પો, પીળાં ફળો, સુવર્ણરંગી આભૂષણો સમર્પિત કરી સૂર્યદેવની ઉપચારાત્મક પૂજા કરાવી ઊર્જા પ્રાપ્ત કરે છે.
શૈવ પરંપરા અનુસાર સૂર્યને દિવસમાં ૬ વખત વિવિધ અનુષ્ઠાન પ્રદાન કરાય છે જેમાં સ્નાન, ભોગ, શણગાર, આરતી વગેરે રહે છે. એ દરેક અનુષ્ઠાન દરમ્યાન લાંબી શરણાઈ જેવા વાદ્ય નાદ સ્વરમ અને ઢોલકથી સંગીત વગાડાય છે અને એના મધુર સૂર ભક્તોને ખરેખર શાતા પ્રદાન કરે છે.
lll
સુકરન સ્થલમ્ : કંજાનુર ગામે આવેલા શુક્ર મંદિરનું ઓરિજિનલ તીર્થ નામ અગ્નિશ્વર તીર્થમ છે, પરંતુ ભક્તો સુકરન સ્થલ તરીકે જ સંબોધે છે. જોકે કંજાનુર નાનકડા ટાઉન જેવું છે અને અદુથુરાઈ ગામથી થોડું મોટું છે. એ જ રીતે મંદિર પણ સૂર્ય મંદિરના પ્રમાણમાં અનેકગણું મોટું છે. એના નિર્માણની ચોક્કસ સાલ તો વિદિત નથી પરંતુ વાસ્તુકલા અનુસાર એ મધ્ય કાળમાં ચૌલ રાજવીઓના શાસનકાળ દરમ્યાન બન્યું હોવાનો અંદાજ છે. વિજયનગરના રાજાઓએ પણ આ દેવળનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે.
છઠ્ઠીથી નવમી સદીમાં બનેલા આ મંદિરના શિવલિંગને અગ્નિશ્વર કહેવાય છે. કિંવદંતી છે કે ખુદ મહાદેવજી શુક્ર દોષથી મુક્ત થવા અહીં શુક્રના રૂપે પ્રગટ થયા હતા અને પરાશર મુનિને ભક્તિ નૃત્યના આશીર્વાદ આપ્યા હતા. એમ પણ કહે છે કે ખુદ અગ્નિદેવે અહીં ઉમાપતિની પૂજા કરી હતી, આથી જ અહીંનું લિંગમ્ અગ્નિશ્વર કહેવાય છે. તામિલ ધર્મશાસ્ત્ર અનુસાર ઇન્દ્રદેવ, ચંદ્ર, સૂર્ય તેમ જ અનેક દેવી-દેવતાઓએ આ શિવલિંગની પૂજા કરી છે અને સુંદરતા, રોગમુક્તિ, કરજમુક્તિ જેવાં વિવિધ વરદાન મેળવ્યાં છે. તામિલ ધર્મ અનુસાર અહીં શુક્ર ગ્રહ શંકરના પેટમાં સમાઈ ગયો છે. જોકે ગર્ભગૃહની પછીતે પ્રદક્ષિણાપથમાં શુક્રદેવની સુંદર મૂર્તિ બિરાજમાન છે જેનાં દર્શન સારુ ભક્તો સફેદ વસ્ત્ર, સફેદ મીઠાઈ, ધવલ પુષ્પ, અંજીર વગેરે લઈ લાંબી કતારોમાં ઊભા રહે છે.
વેદિક પુરાણ અનુસાર વિષ્ણુજીએ વામન અવતાર વખતે બલિરાજા પાસેથી ત્રણ ડગલાં ભૂમિ માગી ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યને એ બાળકની નીયત પર શંકા ગઈ. તેમણે બલિરાજાને એ બાળકની વાતમાં ન ફસાવા ચેતવ્યા પરંતુ દાનવીર બલિ તો વચનના પાક્કા હતા. તેમણે તેમના ગુરુ શુક્રાચાર્યની વાત માનવાનો ઇનકાર કરી દીધો. આથી શુક્રાચાર્ય એક જળચરનું રૂપ ધારણ કરી નાના કમંડળના મુખમાં છુપાઈ ગયા. વામનજીએ પૃથ્વીની જળશુદ્ધિ સારુ કમંડળ નમાવ્યું પણ એમાંથી પાણી ન નીકળતાં વામને ઘાસના તણખલાથી કમંડળનું નાળચું સાફ કર્યું ત્યારે એ ધર્મના તણખલાથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. આથી શુક્રાચાર્યે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો અને વિષ્ણુએ અહીં રહી મહાદેવની આરાધના કરી શ્રાપમાંથી મુક્તિ મેળવી. કહે છે ત્યારથી શિવજી અહીં વસે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. લગ્ન ન થતાં હોય, લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલતા હોય તથા ડિવૉર્સની સમસ્યા ધરાવતા અનેક જાતકો અહીં આવી સુકરન (શુક્ર) દેવની પૂજા કરે છે અને ગ્રહદોષનું નિવારણ કરે છે.
મંદિરનો પરિસર અતિ વિશાળ છે. મુખ્ય ગોપુરમથી પ્રવેશ કરતાં એક બાજુ મોટું જળાશય અને બીજી બાજુ પાર્વતીમાતાનું અર્વાચીન મંદિર આવેલું છે. મહિલા ભક્તો મા પાર્વતીની પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ મેળવે છે. માતા સુધી પહોંચવાનો આખો પથ રંગબેરંગી ધાર્મિક કથાઓનાં પટ્ટચિત્રોથી શોભે છે.
હવે મંદિરની વાત કરીએ તો ત્રણ રંગમંડપ, સેંકડો થાંભલાઓ ધરાવતા મંદિરમાં બે પ્રદક્ષિણાપથ છે અને મંદિરની મધ્યમાં લિંગમનું ગર્ભગૃહ છે. અહીં પણ સમયે-સમયે શિવલિંગની પૂજા-અર્ચના, આરતી, શણગાર, ભોગસેવા થાય છે અને આગળ કહ્યું એમ બહારની બાજુએ શુક્રદેવની ધાતુની પ્રતિમા છે. તેમ જ આ પ્રદક્ષિણાપથ પર નટરાજ, અનેક ઋષિ, દેવી, ભગવાન, માતા વગેરેની અલભ્ય અને સુંદર ધાતુની પ્રતિમાઓ છે.
નવગ્રહ સર્કિટની જાત્રા કરવા પવિત્ર નગરી કુંભકોણમ સેન્ટર સ્થળ છે. અહીં રહેવા માટે ધર્મશાળાથી લઈ હોટેલ્સની સુવિધાઓ છે. તો જમવામાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશિઝથી લઈ કરી અને પરાઠા જેવી ઉત્તર ભારતીય વાનગીઓ પણ મળી જાય છે. મુંબઈથી કુંભકોણમ જવા ટ્રેન સર્વિસ તો છે પણ હવાઈ માર્ગે ત્રિચી ઍરપોર્ટ વધુ સુગમ પડે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
દરેક મંદિર સવારે ૬થી ૧૨ અને સાંજે ૪થી ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. બપોરના સમયે બંધ રહે છે. જોકે રવિવારે અથવા જે-તે ગ્રહોના સમર્પિત વારે ભક્તોની અવરજવરના હિસાબે મંદિરો બપોરે પણ ખુલ્લાં રહે છે અને રાત્રે પણ મોડે સુધી ઓપન રહે છે.
દરેક મંદિરમાં બધી જ સૂચનાઓ, વિગતો તામિલ ભાષામાં લખાયેલી હોય છે. અમુક પૂજા વગેરે ઇંગ્લિશમાં હોય, પરંતુ એ શબ્દો પણ તામિલ ભાષાના હોવાથી એ પૂજા શેના વિશે છે એનો અંદેશો આવતો નથી. વળી ખાટલે મોટી ખોડ કે મંદિરની ઑફિસમાં પણ સારી અંગ્રેજી કે રાષ્ટ્રભાષા હિન્દી જાણતી વ્યક્તિઓ નથી હોતી કે નથી હોતું કાંઈ સાહિત્ય. આથી અન્ય ભાષી દર્શનાર્થીઓને ફક્ત ભગવાનનાં દર્શન કરી સંતોષ માનવાનો રહે છે. એ મંદિરની કથા, વિશેષતા, પૌરાણિક મહત્ત્વ વિશે કોઈ રીતે જાણવા મળતું નથી.
મથુરા, હરિદ્વારની જેમ અહીં પણ મંદિરની અંદર-બહાર પંડાઓની જેમ પંડિતો ફરતા રહેતા હોય છે જે દક્ષિણા લઈ સાચી-ખોટી ભાષામાં સાચી-ખોટી માહિતીઓ આપે છે. જોકે તેઓ જાતકને જે-તે દોષ બતાવી પૂજા કરાવવા માટે કન્વિન્સ કરવામાં માહેર હોય છે. ભક્તોને પૂજા કરાવવી હોય તો તેમની વાતોમાં આવવું અન્યથા તેમનાથી બચીને ચાલવું.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવા હાલતા-ચાલતા પંડિતોની દક્ષિણા, મંદિરોની બહાર વેચાતી પુજાપાની સામગ્રીના ભાવ તબલાતોડ હોય છે.
કુંભકોણમ શહેરથી આ મંદિરોમાં જવા ખાનગી રિક્ષા કે ગાડી કરી લેવી બહેતર છે કારણ કે આ વિસ્તારમાં સરકારી બસોની સર્વિસ સાવ ઓછી છે. સૂર્ય અને શુક્ર મંદિરો નજીકમાં આવેલાં હોવાથી મોટા ભાગના ભાવિકો બેઉનાં દર્શન સાથે જ કરે છે.