ભગવાનના નામરૂપી ઔષધિ જેને પ્રાપ્ત થાય તે ખરા અર્થમાં ધનવાન થઈ જાય

31 December, 2025 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણે આપણી લાગણીઓમાં જીવીએ છીએ. આપણી ભાવનાઓમાં જીવીએ છીએ. અને જો ભાવના ન હોય, લાગણી ન હોય તો માણસનું જીવન સફેદ કાગળ પર દોરેલા રેખાચિત્ર જેવું હોય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણી સૃષ્ટિ આપણા વિચારોથી બનેલી છે. જેના વિચાર નબળા તેનો સંસાર નબળો. પૉઝિટિવ વિચાર, તેની સૃષ્ટિ પણ પૉઝિટિવ. જેના વિચાર પૉઝિટિવ હોય. તેની ભાવના પૉઝિટિવ હોય, તેના માટે વિશ્વ મિત્ર બને. ‘યુ આર વૉટ યુ થિન્ક.’ એટલે આ થૉટ પ્રોસેસ બહુ મહત્ત્વની છે. આ પિંડ ભાવનાત્મક પિંડ છે. ‘વી લિવ ઇન અવર ઇમોશન્સ.’

આપણે આપણી લાગણીઓમાં જીવીએ છીએ. આપણી ભાવનાઓમાં જીવીએ છીએ. અને જો ભાવના ન હોય, લાગણી ન હોય તો માણસનું જીવન સફેદ કાગળ પર દોરેલા રેખાચિત્ર જેવું હોય. લાગણીઓ છે તેથી જીવન કલરફુલ છે. મન કે હૃદય સાથે જોડાયેલી લાગણીઓ, ભાવનાઓ, બુદ્ધિ સાથે જોડાયેલા વિચારો અને આ પંચભૌતિક શરીરના ત્રણેય પિંડની આપણે પૂજા કરવાની છે.
આ દેહ છે એની પૂજા શું? સવારે ઊઠીએ. પ્રાતઃસ્મરણ કરતા હોઈએ તો કરીએ. પછી બ્રશ કરી દાંત સાફ કરીએ. ત્યાંથી પહેલા પિંડની પૂજા શરૂ થાય. વ્યવસ્થિત રીતે એક્સરસાઇઝ થાય. જૉગિંગ કરતા હોઈએ તો એ થાય. જૉગિંગ કરતાં વૉકિંગ બેટર એક્સરસાઇઝ છે એવું મેં ક્યાંક વાંચ્યું. એમાં જલદી થાકી જાઓ એટલે બેસી જાઓ. વૉક કરતા હો અને જરા ફાસ્ટ કરતા હો તો તમે કલાક સુધી કરી શકો. હું ઘણી વાર વૉકિંગ કરતો હોઉ તો સાથે-સાથે ફોનમાં વાત પણ કરતો જાઉં. કલાક ક્યાં નીકળી જાય ખબર ન પડે. એ પણ આ ભૌતિક પિંડની પૂજા છે. પછી સ્નાન કરીએ. સ્વચ્છ વસ્ત્રો પહેરીએ. ભૂખ લાગે ત્યારે શરીરને ફાવે એવું ભોજન લઈએ. માત્ર રુચિકર નહીં, હિતકર એવો આહાર લઈએ. વધારે પડતા ઉજાગરા કરવાના બદલે રાત્રે શરીરને આરામની જરૂર હોય ત્યારે સૂઈ જઈએ. આ બધી જ ભૌતિક પિંડની પૂજા છે.

માંદા પડીએ તો ઔષધિ લઈએ એ પણ દેવીમાની પૂજા છે. આરોગ્યરૂપી ધન જો સારું રહ્યું તો જીવનનાં બધાં જ ધન આપોઆપ પ્રાપ્ત કરવા માટેનું બળ પ્રાપ્ત થઈ શકશે. પરંતુ જો આરોગ્ય નબળું હશે, એમાં ખોટ અથવા કચાશ રહી જશે તો જે તમારી પાસે પ્રાપ્ત છે એમાં સોના-ચાંદી, ઝવેરાત હશે પરંતુ તમને આનંદ નહીં આવે.

કદાચ તમારી પાસે ઉત્તમ બંગલો, કાર, નોકર-ચાકર પણ હશે પરંતુ આરોગ્યરૂપી ધનની ખામી હશે. તો આ બધું હોવા છતાં એનો આનંદ તમે નહીં લઈ શકો. આ માટે જ સંસાર છે તો અનેક પ્રકારના પદાર્થો પણ છે. એવા જ એક પદાર્થનું નામ ઔષધિ પણ છે. જોકે આયુર્વેદિક ઔષધિ તમારા ભૌતિક શરીરને સ્વસ્થ કરવા માટે છે. ભૌતિક ધનની સ્વસ્થતા માટે કહી શકાય. એ જ રીતે ભગવદ્ નામરૂપી રસાયણ એટલે કે ભગવાનના નામરૂપી ઔષધિ જેને પ્રાપ્ત થઈ જાય છે તે ખરા અર્થમાં ધનવાન થઈ જાય છે. તેને મોક્ષ સુધીના ગંતવ્ય સુધી પહોંચવા માટે અધિકાર પ્રાપ્ત થઈ જાય છે એટલે કે માત્ર દૈહિક કે સ્થૂળ શરીરની સ્વસ્થતા સાથે આપણે આધ્યાત્મિક પ્રગતિ સુધીની યાત્રા કરવાની છે.

culture news life and style columnists exclusive gujarati mid day