ભેડ માતાજીના મંદિરે શીશ ઝુકાવવા આવશે ઊંટોના ધાડા

10 September, 2019 04:57 PM IST  |  | ઉત્સવ વૈદ્ય

ભેડ માતાજીના મંદિરે શીશ ઝુકાવવા આવશે ઊંટોના ધાડા

રણપ્રદેશ કચ્છમાં આ વર્ષે શ્રીકાર વરસાદ થતાં કચ્છના લોકોમાં, ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ ફેલાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને પગલે ઠેર-ઠેર મેળા-મલા ખડા પણ યોજાઈ રહ્યા છે. માણસો જો મેળા ઊજવે તો પશુઓ કેમ નહીં? આવી ભાવના કચ્છના રબારી સમાજમાં છે અને એથી જ કોઈ માને કે ન માને, કચ્છમાં એક મેળો એવો છે જે મેળો રણના વાહન સમા ઊંટ મહાશયોને સમર્પિત કરાયો છે.

ભુજ તાલુકાના કોટડા (ચકાર) ગામની મુન્દ્રા પટ્ટીમાં આવેલા મોટા બંદરા નજીકના ભેડિયા ડુંગર પર બિરાજતાં મોમાય માતાજી જેને લાડમાં માલધારીઓ ભેડ માતાજી તરીકે ઓળખે છે અને આ સ્થળે યોજાતો મેળો ઊંટો માટે સમર્પિત છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચૌદશ અને અમાસ એમ બે દિવસ દરમ્યાન ભેડ માતાજીના સ્થાનકે આ ઊંટોનો મેળો યોજવામાં આવે છે. આ વર્ષે ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે આ મેળો યોજાશે.
આ મેળાની વિશિષ્ટતા એ છે કે આખું વર્ષ વફાદારીપૂર્વક પોતાના માલિક સાથે રહેતાં ઊંટ-ઊંટડીને પશુપાલકો ખાસ કરીને રબારીઓ પોતાનાં ઊંટ-ઊંટડીને ભેડ માતાજી સમક્ષ શીશ નમાવવા માતાજીના સ્થાનકે લઈ આવે છે. ઊંટને મંદિરમાં બિરાજમાન મોમાય માતાજીની મૂર્તિ સામે લઈ જવાય છે જ્યાં ખાસ બનાવાયેલા પ્લૅટફૉર્મ પર ઊંટ પોતાનું શીશ નમાવે છે. આ ઊંટોને કુમકુમ ચોખાના તિલક પણ કરાય છે અને તેમને નાળિયેરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. એક માન્યતા એવી છે કે ઊંટોને મોમાય માતાજીનાં દર્શન કરાવવાથી તેઓ આખું વર્ષ તંદુરસ્ત રહે છે. દુષ્કાળના એ દોહલા દિવસોમાં કચ્છમાંથી હિજરત કરી ગયેલા સેંકડો રબારી પરિવારો, હવે કચ્છમાં સારો વરસાદ થઈ જતાં પરત ફર્યા છે. આ રબારી પરિવારો જ્યારે હિજરત કરે છે ત્યારે કુટુંબના સભ્યો અને માલસામાનના ટ્રાન્સપોર્ટરો તરીકે આ ઊંટો જ ફરજ બજાવે છે. આ વર્ષે મેળામાં મહાલવા ઊંટોના ધણ અત્યારથી જ ભેડ માતાજીના મંદિરની આસપાસ જોવા મળી રહ્યા છે.

આનંદની વાત એ છે કે હવે ઊંટડીના દૂધની લોકપ્રિયતા વધવા પામી છે અને એનું સારું માર્કેટિંગ શક્ય બન્યું છે એથી અગાઉ માત્ર ઊંટો જ પાળતા પશુપાલકો હવે ઊંટડીઓને પણ પાળતાં થયાં છે. એથી આ વર્ષે કોટડા (ચકાર) ખાતેના આ ઊંટોના મેળામાં ઊંટ જાણે સપરિવાર મહાલશે. ઊંટો ઉપરાંત ઘેટાં-બકરાં અને ગાયો પણ દર્શનાર્થે મહાલશે. 

આ પણ વાંચો: અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે આવેલું છે 1200 વર્ષ જૂનું ગણપતિ મંદિર

ભુજ ઉપરાંત મુન્દ્રા તેમ જ અંજાર તાલુકાઓના છેક ચુનડી, તુમ્બડી,લફરા, બંદરા, ચંદિયા, વરલી, જાંબુડી, રેહા, સણોસરા સહિત ૭૦ જેટલાં ગામોના રબારીઓ પોતાનાં પશુઓ સાથે હાજરી આપશે.આમ તો આ વાત પંચતંત્રની વાર્તા સમાન લાગે, પણ વાસ્તવમાં યોજાતો આ મેળો રણપ્રદેશ કચ્છના લોકોની મૂંગાં પશુઓ સાથેની આત્મિયતાનું પ્રેરક ઉદાહરણ છે. 

travel news rann of kutch gujarati mid-day