આ જિલ્લામાં આવેલો છે શ્રીફળનો પહાડ, સ્વયંભુ હનુમાનજી છે બિરાજમાન

04 June, 2019 02:15 PM IST  |  બનાસકાંઠા | ભાવિન રાવલ

આ જિલ્લામાં આવેલો છે શ્રીફળનો પહાડ, સ્વયંભુ હનુમાનજી છે બિરાજમાન

તસવીર સૌજન્ય : નરસિંહ પ્રજાપતિ

કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર. અને આપણા દેશમાં ચમત્કારોની તો કમી જ નથી. દિવસમાં એકવાર ક્યાંકને ક્યાંક તો કંઈ અચરજ જોવા મળી જ જાય. જો કે તેને ચમત્કાર માનવો કે બીજું કંઈ એ તમારા પર આધારિત છે. કહેવાય છે કે આવો જ એક ચમત્કાર બનાસકાંઠામાં પણ થાય છે. એ પણ આજકાલથી નથી, છેલ્લા 700 વર્ષથી. જી હાં, ચોંકી ગયાને !!! પરંતુ આ વાત સત્ય છે. અને એનો પુરાવો એટલો મોટો છે કે તમને ત્યાં પહોંચતા જ જોઈ શક્શો.

તસવીર સૌજન્ય : નરસિંહ પ્રજાપતિ

અહીં એક સાથે પડેલા છે લાખો શ્રીફળ

વાત છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા ગેળા ગામની. આ ગેળા ગામમાં શ્રીફળનો પહાડ બનેલો છે. આખે આખો શ્રીફળનો પહાડ. વિશ્વાસ ન આવતો હોય તો ફોટા જોઈ લો. અહીં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં શ્રીફળ પડેલા છે, અને હજી લોકો નવા શ્રીફળ ઉમેરતા જ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે શ્રીફળ 3-4 દિવસમાં સડી જાય અને પછી તેની ગંદી વાસ આવે. પરંતુ અહીં વર્ષોથી શ્રીફળો આ જ પહાડમાં સંગ્રહાયેલા પડ્યા છે, તેમ છતાંય તેમાં કોઈ વાસ નથી આવતી. સ્થાનિકોનું માનવું છે કે શ્રીફળ બગડતા નથી તે જ એક ચમત્કાર છે. અને આ ચમત્કાર કરે છે, અહીં બિરાજેલા સ્વયંભુ હનુમાનજી.

તસવીર સૌજન્ય : નરસિંહ પ્રજાપતિ

આવી છે લોકવાયકા

સ્થાનિકોના કહેવા મુજબ કથા કંઈક એવી છે કે 700 વર્ષ પહેલા ગામના ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ મૂર્તિ એક ગોવાળે જોઈ અને ગામના લોકોના કાને વાત નાખી. પછી તો કૌતુક સર્જાયું, ગામ આખું ભેગું થયું અને હનુમાનજી અહીં જ પૂજાવા લાગ્યા. કેટલાક સમય બાદ એક સંત ફરતા ફરતા અહીં પહોંચ્યા. ત્યારે હનુમાનજીના મંદિરમાં શ્રદ્ધાળુઓએ ચડાવેલા શ્રીફળનો ઢગલો હતો. સંતે વિચાર્યું આ શ્રીફળ બગડી જાય તેના કરતા બાળકોને ખવડાવી દઉ અને તેમણે પ્રસાદ વહેંચી દીધો. પરંતુ તે જ રાત્રે આ સંતને પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો. તેમણે માન્યુ કે હનુમાનજીના શ્રીફળ વહેંચ્યા એટલે જ દર્દ થયું છે. ગામના વડીલો કહે છે કે આ સંતે મનોમન હનુમાન દાદાને વિનંતી કરીકે હે હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને એના લીધે જો હું બીમાર થયો હોઉં, તો હું સવાર માં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ ચડાવીશ.

તસવીર સૌજન્ય : નરસિંહ પ્રજાપતિ

શ્રીફળ રમતુ મૂકવાની બાધા

બસ સવાર સુધીમાં તેમની તબિયત સુધરી ગઈ. અને બાધા પ્રમાણે આ સંતે ડબલ શ્રીફળ મુક્યા. સાથે જ હનુમાનજીને કહ્યું,'હનુમાન દાદા તે મારા જેવા સંત જોડે થી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળ નો પહાડ કરી બતાવજો.' લોકોની માન્યતા છે કે બસ ત્યારથી અહીં શ્રીફળ વધતા જ જઈ રહ્યા છે. આવી માન્યતાને આધારે લોકો પણ અહીં શ્રીફળ રમતું મૂકવાની બાધા રાખી રહ્યા છે. પરિણામે અહીં લાખોની સંખ્યામાં શ્રીફળ ભેગા થઈ ગયા છે. હવે તો આ હનુમાજીનું મંદિર જ શ્રીફળ મંદિર તરીકે ઓળખાય છે.

તસવીર સૌજન્ય : નરસિંહ પ્રજાપતિ

નથી બન્યું પાકુ મંદિર

આ મંદિરની વાયકા એવી ફેલાઈ છે કે શનિવારે તો અહીં મેળા જેવો માહોલ રચાય છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે અહીં પધારે છે. અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ શ્રીફળની સાથે સાથે હનુમાનજીને આકડાની માળા અને તેલ સિંદૂર પણ ચડાવે છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે અહીં હજી પણ મોટુ મંદિર બન્યું નથી. તેની પાછળ પણ એક માન્યતા છે.

આ પણ વાંચોઃ કુદરતની કરામતઃપોળોના જંગલ નજીક આવેલા મંદિરમાં અવિરત વહે છે પાણીની સરવાણી

કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિર ચણવા પરવાનગી નથી આપતા. શ્રીફળ નો પહાડ એજ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. આ મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલામાંજ બિરાજમાન હતી અને પરંતુ ગામ લોકોએ હનુમાન દાદા આગળ મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિર ની રજા ન મળી, એટલે પતરાના શેડથી જ મંદિર બનાવી દેવાયું છે.

gujarat Places to visit in gujarat news