આ દાદાજી એક કિડની સાથે બમણા જોશથી નૃત્ય કરે છે

09 April, 2026 08:52 PM IST  |  Mumbai | Varsha Chitaliya

૧૮ વર્ષથી એક કિડની સાથે નીરોગી જીવન જીવતા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિત પારેખ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત રાસગરબા અને લોકનૃત્ય રજૂ કરે છે તથા છંદ, દુહાઓ અને ગુજરાતી લોકગીતો ગાઈને લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે...

રોહિતકુમાર પારેખ

એક કિડની સાથે જીવવું એ મર્યાદા નથી. વ્યક્તિ ધારે તો નૃત્યના શોખને પણ જીવંત રાખી શકે છે. એક કિડની સાથે ઊંચા સ્વરે ગીતો ગાવાં અને રાસગરબા રમવા એ મજબૂત મનોબળની નિશાની છે. ૨૦૦૭માં પત્નીને કિડની ડોનેટ કરનારા ઘાટકોપરના ૭૫ વર્ષના રોહિતકુમાર પારેખ આત્મવિશ્વાસ સાથે કહે છે, ‘એક કિડની સાથે સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. આત્મવિશ્વાસના તાલે નૃત્ય કરું છું અને ઉત્સાહથી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઉં છું. શરીરથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવા સૌથી પહેલાં માનસિક કસોટીમાંથી પાર થવું પડે. શારીરિક મર્યાદાઓને પૅશનમાં બદલીને જીવનને ભરપૂર માણું છું.’

કિડની ડોનેટ કરી 
પત્નીની બીમારી વિશે વાત કરતાં રોહિતભાઈ કહે છે, ‘૧૯૯૯માં પત્ની મનીષાની તબિયત લથડી હતી. બન્ને કિડની ફેલ થઈ ગઈ હોવાનું નિદાન થયું. ડૉ. ભરત શાહની નિગરાનીમાં લીલાવતી હૉસ્પિટલમાં સારવાર અને ડાયાલિસિસ ચાલુ હતાં. ૨૦૦૭માં તબીબી પરીક્ષણોમાં મારી કિડની મૅચ થતાં શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી. શરૂઆતમાં લાગતું હતું કે મનીષાને કિડની માફક આવી ગઈ છે પરંતુ અન્ય શારીરિક સમસ્યા ઊભી થઈ. ઑપરેશન કરાવ્યાનાં અઢી વર્ષ પછી તે અવસાન પામી. આટલાં વર્ષ થયાં મને કોઈ તકલીફ નથી. જોકે ટ્રાન્સપ્લાન્ટ બાદ ડૉક્ટરે લખી આપેલી કેટલીક દવાઓ આજીવન ચાલુ રાખવી પડે છે. મને આયુર્વેદની સારવાર પર વધુ ભરોસો છે. શારીરિક શુદ્ધીકરણ માટે વર્ષમાં ૭ દિવસ રાજકોટ નજીક ગ્લોબલ આયુર્વેદિક ઍન્ડ મેડિકલ હૉસ્પિટલમાં પંચકર્મ કરાવવા જાઉં છું. રીચાર્જ થઈને આવ્યા પછી બમણા જોશથી નૃત્ય કરી શકું છું. હરિ મારું ગાડું હળવે-હળવે હંકારે છે.’
 
રોહિતભાઈ બાળપણમાં ભુલેશ્વરમાં રહેતા હતા. કોલભાટ લેનમાં આવેલી ગિરગામ સાર્વજનિક સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો છે. KC કૉલેજથી BScની ડિગ્રી લીધી. આર્થિક પરિસ્થિતિ ઠીકઠાક હતી. બૅન્કમાં વેકેશન-જૉબ કરી અભ્યાસનો ખર્ચ કાઢતા. રોહિતભાઈમાં લીડરશિપના ગુણ ઠાંસી-ઠાંસીને ભર્યા છે. તેમણે જયવંતીબહેન મહેતાના જનસંઘ કાર્યાલય સાથે કામ કર્યું છે. શિવસેનાના પ્રમોદ નવલકર સાથે મળીને નોકરિયાત વર્ગમાં ઠાકુરદ્વારથી બૅલાર્ડ પિયર ૧૩૮ નંબરની બસ શરૂ કરાવી. એ જમાનામાં મુંબાદેવી મંદિરમાં માત્ર પુરુષો જ રાસગરબા રમી શકતા. ગુલાલવાડી ખાતેની સ્કૂલના પ્રિન્સિપાલ જાનીસાહેબના પહાડી અવાજના તાલે ગરબાની રમઝટ બોલાવતા. તેમને સાંભળીને લોકસંસ્કૃતિનાં બીજ રોપાયાં. હેમુ ગઢવીનો ડાયરો સાંભળવા આખી રાત જાગતા. ૧૯૭૧ના ઑક્ટોબરમાં એક દિવસ અડધી રાતે તેમનું મકાન ધરાશાયી થઈ ગયું. જીવ બચાવવા બધા દોડ્યા. ત્યારથી ઘાટકોપરમાં રહે છે.

શોખ જાળવી રાખ્યો
રોહિતભાઈ કહે છે, ‘જયવંતીબહેન મહેતાની મદદથી દિવ્યદર્શન ઇમારત ફરીથી ઊભી થઈ ગઈ, પણ અમને ઘાટકોપરની હવા માફક આવી જતાં ત્યાં જ સ્થાયી થઈ ગયા. એ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ. માતાજીની કૃપા છે એવો વિશ્વાસ પ્રબળ થતાં સૌએ મળીને ૩૨ કિલો ચાંદીની માતાજીની મૂર્તિની સ્થાપના કરી. આજે પણ સુરતી હોટેલની બાજુની ગલીમાં ફોફલવાડી ખાતે માતાજીનું મંદિર છે. સમય જતાં મુંબાદેવીના ગરબા છૂટી ગયા, પણ પરંપરાગત રીતે રમાતા વિવિધ શૈલીના રાસગરબા અને લોકગીતોનો શોખ આજ પર્યંત બરકરાર છે. લોકગીતો અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે અતિશય લગાવ છે. ડાયરો જોવાનો પણ શોખ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતી ગીતો, છંદ અને દુહા ગાઈને લોકોનું મનોરંજન કરું છું. લોકોને સાંભળવાની અને મને ગાવાની મજા આવે છે.’

ભાષાનો પ્રચાર અને સમાજસેવા
મૂળ રાજકોટના હલેંડા ગામના સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન રોહિતભાઈએ ૪૦ વર્ષ બૅન્ક ઑફ બરોડામાં નોકરી કરી છે. પત્નીને પણ ગરબાનો શોખ હતો. દંપતી ઘણાં કપલ-પ્રાઇઝ જીત્યું હતું. તેમને સમીર, હર્નિશ અને પ્રતીક નામના ત્રણ દીકરા છે. એમાંથી બે દીકરાનાં લગ્ન પત્નીની હાજરીમાં થઈ ગયાં હતાં. ૨૦૧૦માં નિવૃત્તિ પહેલાં પત્નીને ગુમાવી દેતાં કેટલાંક પ્લાનિંગ અધૂરાં રહી ગયાં. આઘાતને જીરવી જીવનને આગળ ધપાવ્યું. ત્રીજા દીકરાનાં લગ્નની જવાબદારી નિભાવી. શોખ જાળવી રાખવાની સાથે સામાજિક અને ધાર્મિક સેવામાં પણ મોખરે રહે. સમસ્ત ભારતમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો ધરાવતા બૅન્ક ઑફ બરોડાના રિટાયર્ડ ઑફિસર્સ અસોસિએશનમાં કમિટી-મેમ્બર અને બૃહદ મુંબઈના ગુજરાતી કર્મચારીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી સંસ્થા ‘ગૌરવ ગુર્જરી’માં જૉઇન્ટ સેક્રેટરી છે. નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહના નર્મદા ફાઉન્ડેશન સાથે પણ તેઓ જોડાયેલા છે. પારસધામની ટીમ સાથે મળીને જૈન ધર્મને લગતી પ્રવૃત્તિઓ પણ કરે છે. છાશ-કેન્દ્રમાં સેવા આપવા જાય. ઑર્ગન-ડોનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. ઘાટકોપર સિનિયર સિટિઝન ફોરમના સભ્ય છે. ફોરમના માધ્યમથી ગુજરાતી ભાષાને ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. તેમની ટીમ પાંચ સ્કૂલ માટે કામ કરે છે. ઘાટકોપરની આ સ્કૂલોની આર્થિક રીતે પછાત વર્ગની છોકરીઓને દત્તક લીધી છે. 

healthy living health tips culture news gujarati community news gujaratis of mumbai