25 July, 2025 01:53 PM IST | Mumbai | Morari Bapu
મોરારીબાપુ
સાધકજીવન એટલે શું? સાધકની વ્યાખ્યા શું?
અમુક વાત અને વસ્તુની સમજ બહુ સંકુચિત થઈ ગઈ છે એટલે આ વિષય પર ચર્ચા થવી જોઈએ.
આપણા હાથમાં માળા હોય, આપણે કથા કરતા હોઈએ, આપણે તિલક કરતા હોઈએ, આપણે ધ્યાન કરતા હોઈએ, આપણે સ્વાધ્યાય કરતા હોઈએ, આપણે પૂજા-પાઠ કરતા હોઈએ, આપણે મૌન રાખતા હોઈએ, આપણે એકાંતપ્રિય હોઈએ, વર્ષમાં અમુક સમય તીર્થમાં નિવાસ કરતા હોઈએ અને ધર્મધ્યાનમાં આપણો સમય પસાર કરતા હોઈએ એ આખી ગતિવિધિ સાધકકક્ષામાં જરૂર આવે; પણ એક વાત યાદ રાખજો કે સાધકની પરિભાષા આટલી ટૂંકી ન હોય, ક્યારેય નહીં.
સાધક શબ્દ કેવળ ધર્મ સંબંધી અનુષ્ઠાનોમાં ગિરફતાર નથી, એ શબ્દ જ એટલો સંકુચિત નથી.
એક ડૉક્ટર પણ સાધક હોઈ શકે, એક ઇજનેર પણ સાધક હોઈ શકે, એક પ્રોફેસર અને પ્રાઇમરી સ્કૂલના શિક્ષક પણ સાધક હોઈ શકે, સંસદસભ્ય સાધક હોઈ શકે, કોઈ મિનિસ્ટર સાધક હોઈ શકે, એક પત્રકાર સાધક હોઈ શકે. અરે, ચોથી શ્રેણીનો એક કર્મચારી પણ સાધક હોઈ શકે અને સાવરણો લઈને વાળનારો પણ સાધક હોઈ શકે. રવિશંકર મહારાજ તો કહેતા પણ ખરા કે સાવરણો લઈને કચરો વાળે તેને જ હું સવર્ણ કહું છું, બાકી તો બધા નીચ વર્ણ છે. કેટલી સાચી વાત. જોકે આપણે આ વિષય પર ફરી ક્યારેક વાત કરીશું. અત્યારે વાત કરીએ સાધકની.
સાધકને કેવળ ધાર્મિક વિધિવિધાનોમાં ન બાંધવો જોઈએ. હું ધોતી પહેરું એટલે કોઈ સાધક માને, પણ એનો અર્થ એવો થોડો છે કે પૅન્ટ પહેરે તે સાધક નથી. એવું ધારી લેવું એ તો દૃષ્ટિદોષ છે.
સૌએ સાધક બનવું જોઈએ. હું બહુ સ્પષ્ટ માનું છું કે આપણે સિદ્ધ નથી થવું. કોઈ થાય તો તેને પ્રણામ, પણ એક વાત યાદ રાખવાની છે. આપણે શુદ્ધ સાધક થવું છે. સિદ્ધની ચિંતા નથી. ઘણા સિદ્ધો આકાશમાં પણ ચમકી રહ્યા છે, હવે વધારે સિદ્ધોની દેશને જરૂર નથી. દેશને શુદ્ધોની જરૂર છે. શુદ્ધહસ્ત, શુદ્ધનેત્ર, શુદ્ધચરણની રાષ્ટ્રને જરૂર તો સાધક કોને કહેવો? સીધીસાદી વાત કહીએ તો આવી થાય. કોઈ મૌન રાખતું હોય તો ભાઈ, તે તો સાધક છે જ. સવાલ જ નહીં. એકાંતમાં રહે તે સાધક જ છે, પ્રશ્ન જ નથી; પણ એનો અર્થ એ નથી કે બીજા ક્ષેત્રમાં સાધક મૃત્યુ પામ્યો છે. રસોડામાં કામ કરતી સ્ત્રી પણ સાધક હોય, ઑફિસમાં પ્રામાણિકતાથી કામ કરતો રાષ્ટ્રનો કોઈ કર્મચારી પણ સાધક હોય.