આ છે ભારતનું સૌથી પૈસાદાર ગામ, છે શહેરને ટક્કર મારે એવી સુવિધાઓ

02 June, 2019 06:19 PM IST  |  ધર્મજ | ભાવિન રાવલ

આ છે ભારતનું સૌથી પૈસાદાર ગામ, છે શહેરને ટક્કર મારે એવી સુવિધાઓ

ધર્મજ ગામનો એરિયલ વ્યૂ (Image Courtesy : Rajesh Patel)

ગુજરાતનો વિકાસ તો દેશભરમાં પ્રખ્યાત છે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે કે નામે તો ગામડું છે પરંતુ અહીંની સુવિધાઓ એક શહેરને પણ શરમાવે તેવી છે. અહીં પાણીની તમામ સુવિધા છે એ પણ ફિલ્ટર્ડ પાણી આપે છે. પાકા રોડ રસ્તા છે, રેસ્ટોરન્ટ્સ છે. અદ્યતન હોસ્પિટલ છે, એટલું જ નહીં ગામમાં 11-11 તો બેન્કની શાખાઓ છે. કદાચ એટલે જ આ ગામને ભારતનું સૌથી પૈસાદાર ગામ કહે છે. વૈશ્વિક પાટીદારોનો વિસ્તાર ગણાતા ચરોતર પ્રદેશનું પ્રગતિશીલ ગામ એટલે ધર્મજ. ફક્ત 10 હજાર 429 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં શહેરને પણ હંફાવે તેવી સુવિધાઓ છે. જો કે ખાસ વાત એ છે કે અહીં ગામની નિર્દોષતા છે, શહેરની સુવિધા છે, પરંતુ શહેરનું પ્રદૂષણ નથી. એક આદર્શ ગામમાં હોય તેવા રોડ, રસ્તા પાણી સહિતની પાયાની જરૂરિયાતો આ ગામમાં દાયકાઓથી લોકો ભોગવી રહ્યા છે. શિક્ષણની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ છે. તો એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય વિષયની કોલેજો પણ આ ગામમાં આવેલી છે.

વી. એન. હાઈસ્કૂલ

અદ્યતન હોસ્પિટલથી સજ્જ છે ગામ

ગામના જ નાગરિક રાજેશ પટેલનું કહેવું છે કે,'આરોગ્યની પણ તમામ પ્રકારની સુવિધાઓ ધર્મજમાં મોજૂદ છે. સરકારી દવાખાના સાથે ગામમાં સેવાભાવી સંસ્થા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદ્યતન હોસ્પિટલ પણ તમામ સુવિધાઓ આપે છે. શરીરના સાંધા બદલવાની જટિલ શસ્ત્રક્રિયાઓ પણ થાય તેવી સુવિધા આ હોસ્પિટલમાં સજ્જ છે. પાણી જન્ય રોગો ન થાય તે માટે ગામમાં આરઓ ફિલ્ટર્ડ પ્લાન્ટથી પાણી મળે છે. '

ધર્મજમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજ

પડતર જમીનને બનાવી ઉપજાઉ

આ ગામનું સૌથી મોટુ આકર્ષણ અહીંની ગૌચર યોજના છે, જેને જોવા માટે દેશ-પરદેશથી લોકો આવે છે. ગામના લોકોએ પંચાયત હસ્તકની ગૌચરની પડતર જમીન સમથળ કરી પશુપાલન માટે જરૂરી ઘાસચારો અને વૃક્ષો વાવીને જમીનને નવપલ્લવિત કરી છે. એક સમયે સાવ નિર્જન પડેલી આ જમીન આજે વર્ષે અડધો કરોડ રૂપિયાની આવક કરે છે. સાથે જ ગ્રામ પંચાયત દ્વારા આ જ જગ્યા પર મનોરંજનની સુવિધા તૈયાર કરવામાં આવી છે.

ગૌચરની જમીન અને પાર્ક એરિયા

ટોબેકો ટાઉન તરીકે પ્રખ્યાત

વધુમાં રાજેશ પટેલનું કહેવું છે કે,ગામની આવકનો મુખ્ય સ્રોત ખેતી છે. જેમાં કાળી તમાકુ, કેળા, મરચા, ડાંગર જેવા પાક ખેડૂતો લે છે. અહીંની તમાકુ મહારાષ્ટ્રના જુદા જુદા ગામો સુધી પ્રખ્યાત છે. તમાકુની ખેતી અહીં મોટા પાયે થતી હોવાથી ધર્મજ ચરોતરના ટોબેકો ટાઉન ટરીકે પણ પ્રખ્યાત છે. ધર્મજ સૌથી જાણીતું તેની સુવિધાઓને કારણે છે.' આ સુવિધાઓ પાછળ અહીંના એ નાગરિકોનો હાથ છે, જેઓ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. ધર્મજ ગામના પાટીદારો 1985ની સાલથી વિદેશમાં વસ્યા છે. આજે કદાચ ખૂબ ઓછા દેશો એવા હશે જ્યાં મૂળ ધર્મજના લોકો વસતા ન હોય. ધર્મજના જે લોકો વિદેશમાં વસે છે, તેમની બચતના મોટા ભાગના વ્યવહારો આ ગામમાં આવેલી બેન્કમાં થાય છે. જેને કારણે જ ધર્મજ જેવા નાનકડા ગામમાં આજે 11 બેન્કો ધમધમે છે. કહેવાય છે કે આ શાખાઓમાં લોન લેનાર કરતા ડિપોઝિટ મૂકનાર લોકોની સંખ્યા વધુ છે. વિદેશથી મોટા ભાગના લોકો પોતાની બચત અહીં રોકે છે. એટલે જ આ ગામ આખા દેશમાં પૈસાદાર ગામ તરીકે પ્રખ્યાત છે.

જલારામ તીર્થ

ઉજવાય છે ધર્મજ ડે

દર વર્ષે એક વાર તો વિદેશમાં વસતા લોકો પોતાના વતનની મુલાકાતે આવે જ છે. જેને કારણે અહીં હોટેલ-રેસ્ટોરન્ટ પર ધમધોકાર ચાલે છે. ધર્મજની ખ્યાતિ હવે દેશમાં જ નહીં વિદેશમાં પણ ફેલાયેલી છે. ધર્મજના આ માન સન્માનમાં વધારો કરે છે દર વર્ષે ઉજવાતો ધર્મજ ડે. છેલ્લા 13 વર્ષથી એટલે કે 2007ની સાલથી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં સ્થાયી થયેલા ધર્મજના લોકો પોતાના વતનની મુલાકાતે આવે છે. ધર્મજ ડે પર જ ગામના લોકોએ ગામને ઓળખ અપાવે તેવું વિશેષ કામ કર્યું હોય તો તે માટે ધર્મજ રત્ન એવોર્ડથી સન્માન પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં આવેલી છે એક એવી હોસ્પિટલ, જ્યાં સારવાર થાય છે સાવ મફત

હવે ધર્મજની લોકપ્રિયતા એટલી વિક્સી છે કે પ્રવાસન માટે પણ લોકો અહીં આવે છે. પરિણામે ગામમાં જૂના અને કલાત્મક મકાનોની જાળવણી કરી તેને પ્રવાસીઓને રહેવા આપવાની સુવિધાનો પણ વિકાસ થઈ રહ્યો છે. બહારથી આવતા લોકો ગામનું વાતાવરણ જીવી જાણી શકે તે માટે ગામના મકાનો ભાડે આપવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે.

gujarat anand news Places to visit in gujarat