ભીમનાથ મહાદેવઃફક્ત શિખર જ નહીં, બીજી બાબતોને કારણે પણ ખાસ છે આ મંદિર

22 July, 2019 01:02 PM IST  |  બોટાદ

ભીમનાથ મહાદેવઃફક્ત શિખર જ નહીં, બીજી બાબતોને કારણે પણ ખાસ છે આ મંદિર

ભીમનાથ મહાદેવ

શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શંકરના મહિના એવા શ્રાવણમાં શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગૂંજવા લાગશે. ત્યારે આજે વાત કરીએ એક એવા શિવલાયની જે પૌરાણિક રીતે તો મહત્વનું છે જ, પરંતુ અન્ય કેટલીક બાબતોને લઈને પણ ખાસ છે. આ શિવાલયની પોતાની આગવી વિશેષતા છે. સૌથી મહત્વની વાત એ છે કે કહેવાય છે કે આ મહાદેવની સ્થાપના ખુદ પાંચ પાંડવમાંના એક એવા મહાબલી ભીમે કરી હતી.

શિખર વગરનું એક માત્ર મંદિર

બરવાળામાં આવેલું આ મંદિર એટલા માટે પણ ખાસ છે કે આ મંદિરને શિખર એટલે કે ગુંબજ જ નથી. હિન્દુ મંદિરોમાં ગુંબજનું ખાસ મહત્વ દર્શાવાયું છે. પરંતુ ભીમનાથ મહાદેવમાં ગુંબજ બનાવાયો જ નથી. કદાચ આ ગુંબજ નહીં બનવાનું કારણ અહીં આવેલું વરખડીનું વૃક્ષ છે. આ વૃક્ષ પણ મંદિર જેટલુંજ ધાર્મિક મનાયું છે. માન્યતા છે કે આ વરખડીનું વૃક્ષ પણ 5,500 વર્ષ જુનુ છે. એટલે જ તેને કાપીને મંદિરનો ગુંબજ નથી બનાવાયો. આ વરખડીના વૃક્ષના દર્શનને પણ ધાર્મિક મનાયા છે. અનેકવાર પ્રયત્ન છતાંય વૃક્ષને કાપી શકાયું નથી.

મહાભારત અંગેની માન્યતા

પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.

ચેત્ર માસમા થાય છે ખાંડનો વરસાદ

એક માન્યતા એવી પણ છે કે આ વરખડીના ઝાડ પરથી ચૈત્ર મહિનામાં ખાંડનો વરસાદ થાય છે. અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલ પણ આ મંદિરમં મહાપ્રસાદ સ્વરૂપે ફંડારો ચાલે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી આ ભંડારો ચાલ્યો આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

કેવી રીતે પહોંચશો

ભીમનાથ મહાદેવ એ અમદાવાદથી 125 કિલોમીટર અને ધંધુકાથી 15 કિલોમીટર દૂર છે. તેની નજીકનું સૌથી મોટું શહેર બોટાદ છે. બોટાદ સુધી તમે ટ્રેનથી કે બસથી પહોંચી શકો છો, અને ત્યાંથી લોકલ વાહનો દ્વારા ભીમનાથ મહાદેવ સુધી પહોંચી શકો છો.

Places to visit in gujarat gujarat news