સોમનાથમાં શિવ સાથે કૃષ્ણની પણ છે હાજરી, અહીં કરો દર્શન

07 August, 2019 11:14 AM IST  |  સોમનાથ

સોમનાથમાં શિવ સાથે કૃષ્ણની પણ છે હાજરી, અહીં કરો દર્શન

Image Coutesy:Somnath.org

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો મથુરામાં, તેમનું બાળપણ વીત્યું ગોકુળમાં. પણ કૃષ્ણએ નિવાસ માટે પસંદ કરી આ બંને જગ્યાથી હજાર કિલોમીટર દૂર આવેલા ગુજરાતના દ્વારકાની જમીન. કદાચ ગુજરાતની ધરતીનું મહત્વ હતું, કે પછી ગુજરાતની ધરતીનું સત કે સાક્ષાત શ્રી કૃષ્ણે અહીં પોતાનું સ્થાન બનાવ્યું. દ્વારકાથી પોરબંદર અને સોમનાથ વચ્ચે સંખ્યાબંધ એવી જગ્યાઓ છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની હાજરી નોંધાઈ છે.

જો કે દ્વારકા નગરી બાદ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી સૌથી જાણીતી જગ્યા છે ભાલકાતીર્થ, જ્યાં શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની કથા તો લગભગ બધા જ લોકો જાણે છે. મહાભારતનું યુદ્ધ પુરુ થયું ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા આવી ગયા હતા, અને દ્વારકામાં યાદવકુળના લોકો રહેતા હતા. જો કે ગાંધારીના શ્રાપની અસર થઈ અને યાદવોમાં અંદર અંદર મતભેદ થયા. આ મતભેદ એટલા વધ્યા કે યાદવ કુળના લોકો અંદરો અંદર ઝઘડવા લાગ્યા.

દ્વારકામાં ઉભી થયેલી આ પરિસ્થિતિથી કંટાળેલા ભગવાન કૃષ્ણ એકાંત શોધતા શોધતા સોમનાથ પહોંચ્યા. સોમનાથથી પાંચ કિલોમીટર દૂર આવેલા ભાલકાતીર્થના વનમાં તેઓ આરામ કરી રહ્યા હતા. ત્યારે જ જરા નામનો પારધી શિકાર કરવા વનમાં પહોંચ્યો. અને કૃષ્ણની ચમકતી પાનીને હરણની આંખ સમજી તેણે તીર ચલાવી દીધું. બાદમાં જ્યારે તે શિકારને જોવા પહોંચ્યો તો કૃષ્ણના પગમાં વાગેલું તીર જોઈ ચોંકી ગયો. ગભરાયેલા પારધીએ કૃષ્ણની માફી માગી. પરંતુ કૃષ્ણએ તેને કહ્યું આ તો નક્કી જ હતું. બાણને સંસ્કૃતમાં ભલ્લ કહેવાય છે, એટલે જ આજે આ જગ્યા ભાલકાતીર્થ તરીકે ઓળખાય છે. જો કે કૃષ્ણે જંગલમાં આ જ જગ્યાએ પ્રાણ નહોતા ત્યાગ્યા.

પગમાં બાણની ઈજા સાથે કૃષ્ણ ભાલકાથી થોડે દૂર હિરણ નદીના કાંઠે પહોંચ્યા હતા. અને ત્યાં જ તેમણે મનુષ્ય દેહનો ત્યાગ કર્યો. હિરણ નદી સોમનાથથી દોઢ કિલોમીટર દૂર આવેલી છે. કહેવાય છે કે આજે પણ અહીં ભગવાન શ્રીકૃષ્ણના નિશાન છે. આ જગ્યા દેહોત્સર્ગ નામે જાણીતી છે. દર વર્ષે સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓ ભાલકાતીર્થ અને દેહોત્સર્ગની મુલાકાત લે છે. એક માન્યતા એવી છે કે જે ઝાડ નીચે કૃષ્ણને તીર વાગ્યું હતું, તે હજીય લીલુંછમ છે. આ વૃક્ષ 5 હજાર વર્ષ જુનું હોવાનું કહેવાય છે. અને શ્રદ્ધાળુઓ તેની પૂજા પણ કરે છે.

આ હતો ગાંધારીનો શ્રાપ

મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ પાંડવોના પક્ષે હતા, અર્જુનના સારથિ હતા. મહાભારતનું યુદ્ધ પુરુ થયા બાદ જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવોના અને અન્ય યોદ્ધાઓના શબ પડ્યા હતા ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ત્યાં પહોંચ્યા હતા. પોતાના બાળકોના શબ જોઈને રોષે ભરાયેલા ગાંધારીએ કૃષ્ણને જવાબદાર ઠેરવીને શ્રાપ આપ્યો હતો કે જે રીતે અમારા કુળનો નાશ થયો તેવી જ રીતે અંદરોઅંદર ઝઘડીને તારા કુળનો પણ નાશ થશે. માન્યતા છે કે આ જ શ્રાપને કારણે યાદવો અંદરોઅંદર ઝઘડ્યા અને દ્વારકાનો અંત આવ્યો.

કેવી રીતે પહોંચશો

પ્લેન દ્વારા

ભાલકા જવા માટેની મોટા શહેરોથી કોઈ રેગ્યુલર ફ્લાઈટ નથી. અહીનું સૌથી નજીકનું એરપોર્ટ દીવ છે. ભાલકા તીર્થ દીવથી ૬૩ કિમી દૂર આવેલું છે, જ્યારે પોરબંદરથી તે 114 કિલોમીટર દૂર છે.

ટ્રેન દ્વારા

ભાલકા તીર્થ નિયમિત ટ્રેનો મારફતે દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. જો કે ભાલકાતીર્થનું પોતાનું રેલવેસ્ટેશન નથી. પરંતુ તમે સોમનાથ કે વેરાવળ સ્ટેશન પહોંચી ત્યાંથી અન્ય વાહન દ્વારા અહીં પહોંચી શકો છો.

આ પણ વાંચોઃ નર્મદા નદી કિનારે કુદરત-આધ્યાત્મનો અનુભવ કરાવે છે પોઈચાનું નીલકંઠ ધામ,જુઓ ફોટોઝ

રોડ માર્ગે

દેશના કોઈ મોટા શહેરોમાંથી તમે સરળતાથી ભાલકા તીર્થ માટેની નિયમિત બસો મેળવી શકો છો. જે તમને સોમનાથ પહોંચાડશે. આ ઉપરાંત તમારા પોતાના વાહન દ્વારા પણ તમે સોમનાથ પહોંચી ત્યાંથી ભાલકા જઈ શકો છો.

gujarat Places to visit in gujarat