હિંસક પ્રાણીથી ડરીને હરણાં શા માટે હિજરત નથી કરતાં?

09 January, 2023 06:05 PM IST  |  Mumbai | Swami Satchidananda

કેટલીયે સિંહણો વ્યૂહ બનાવીને, જુદા-જુદા સ્થળે સંતાઈને, લાગની રાહ જોવા બેસી ગઈ હોય ત્યારે જ સફળતાથી શિકાર કરી શકાતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સિંહોમાં મોટા ભાગે સિંહણો જ શિકાર કરે છે. ભારે શરીરવાળો સિંહ બહુ દોડી શકતો નથી. હા, શિકાર થઈ ગયા પછી પહેલો જમવા તે પહોંચી જાય છે. અરે, સિંહણો એના સર્વોપરી હકનો સ્વીકાર કરે છે. 

જે જંગલથી વાકેફ છે, જંગલનાં હિંસક પ્રાણીઓના જીવનના જાણકાર છે એ લોકોનું કહેવું છે કે સામાન્ય રીતે ત્રીસેક વાર ધાવો (એટલે કે હુમલો) બોલ્યા પછી હિંસક પ્રાણીને એકાદ વાર જ શિકાર કરવામાં સફળતા મળે છે અને એ પણ કેટલીયે સિંહણો વ્યૂહ બનાવીને, જુદા-જુદા સ્થળે સંતાઈને, લાગની રાહ જોવા બેસી ગઈ હોય ત્યારે જ સફળતાથી શિકાર કરી શકાતો હોય છે. અચરજની વાત તો હવે આવે છે. સિંહણ શિકાર કરી લે અને હરણ એના હાથમાં આવી જાય એ પછી બાકીનાં હરણો ભાગતાં અટકી જાય છે અને સિંહ જ્યાં ભોજન કરતા હોય ત્યાં નજીકમાં જ નિર્ભય થઈને ઘાસ ચરવામાં લાગી જાય છે. એમને ખબર છે કે હવે સિંહણો શિકાર કરશે નહીં. ખાસ કરીને હિંસક પ્રાણીઓના શારીરિક દેખાવ તથા માનસિક ભાવો પરથી હરણાંને ખબર પડી જાય છે કે અત્યારે તેઓ શિકાર કરવાના છે કે નહીં.

હિંસક પ્રાણીઓના ભય કે ત્રાસથી ઘાસાહારી પ્રાણીઓ જંગલ છોડીને ભાગી જતાં નથી. તમે ક્યારેય એવું સાંભળ્યું નહીં હોય કે જંગલોમાંથી હરણોએ હિજરત કરી! અરે, તેઓ ઝૂમાંથી ભાગશે, પાંજરામાંથી નીકળવાનાં હવાતિયાં મારશે; પણ એ બધું કરી લીધા પછીયે તેઓ જઈને રહેશે તો જંગલમાં જ, પેલાં હિંસક પ્રાણીઓની વચ્ચે. એમણે મનોમન સ્વીકારી લીધું હશે કે આપણું અસ્તિત્વ આ હિંસક પ્રાણીઓના આહાર માટે જ થયું હશે એટલે પ્રતિદિન પચીસ-પચાસ હરણાં એમનો આહાર થઈ જાય તો પણ એમના ચહેરા પર ખાસ કંઈ શોક દેખાતો નથી. થોડી જ વારમાં તેઓ નાચવા-કૂદવા અને પરસ્પરમાં લડવા-ઝઘડવા લાગે છે. 

આ જે વ્યવસ્થા છે એ સહજ બની ગઈ લાગે છે. આ જ જંગલનો કિસ્સો કહું તમને. મારું તો ધ્યાન પણ નહોતું અને ઓચિંતાનું મારું ધ્યાન બીજી દિશામાં ગયું. એક હરણીની પાછળ એક સિંહણ પડી ગઈ હતી. 

હરણી જાન બચાવીને પૂરી તાકાતથી બચવા માટે દોડી રહી છે. જોતજોતામાં સિંહણ નજીક પહોંચી ગઈ અને હરણીને ગબડાવી દઈને એના ગળા પર પોતાનું મજબૂત જડબું જોરથી દબાવી દીધું. માત્ર પાંચ જ મિનિટમાં હરણી શાંત થઈ ગઈ. એ પછીની વાત આપણે કરીશું આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style swami sachchidananda