ધર્મના નામે છૂટા પડ્યા પછી તેઓ સુખી કે દુખી?

29 May, 2023 05:59 PM IST  |  Mumbai | Swami Satchidananda

લશ્કર-એ-તય્યબ્બા અને બીજી આતંકવાદી સંસ્થાઓનો એક પગ પાકિસ્તાનમાં જ હોય છે અને પાકિસ્તાન એને રાજકીય ઓથ વચ્ચે સાચવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પાકિસ્તાનને જોતાં મનમાં પ્રશ્ન એ થાય છે કે ધર્મના નામે ભાગલા કરીને એ લોકો સુખી થયા કે દુ:ખી થયા? આખી દુનિયા જાણે છે કે અડધા પાકિસ્તાનમાં જે આતંકવાદી કાર્યો થાય છે એમાં પાકિસ્તાનની મદરેસાઓ અને મૌલવીઓ સ્પષ્ટ રીતે સંડાવાયેલાં છે. પોતાના હસ્તકના જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને આતંકવાદી પ્રશિક્ષણના કૅમ્પો બનાવ્યા છે અને એ કૅમ્પોને આ પાકિસ્તાની સરકાર અને ધર્મસંસ્થા આર્થિક અને બીજી મદદ પણ આપે છે. લશ્કર-એ-તય્યબ્બા અને બીજી આતંકવાદી સંસ્થાઓનો એક પગ પાકિસ્તાનમાં જ હોય છે અને પાકિસ્તાન એને રાજકીય ઓથ વચ્ચે સાચવે છે. ઓસામા બિન લાદેન દુનિયામાં ક્યાંય ન મળ્યો અને અમેરિકાને તે છેવટે પાકિસ્તાનમાંથી જ મળ્યો. જરા યાદ કરો, ઓસામા માટે જ્યારે પણ પાકિસ્તાનને પૂછવામાં આવ્યું ત્યારે એણે એક જ જવાબ આપ્યો હતો : અમને કંઈ ખબર નથી અને એ જ માણસ તેમના દેશમાં હતો! વિશ્વભરમાં પથરાયેલા આતંકવાદીઓમાં મોટા ભાગના પાકિસ્તાન સાથે જોડાયેલા હોય છે અને પાકિસ્તાન એ બધાને સાચવવાનું અને રાજી રાખવાનું કામ કરે છે. 

મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુ જેવા નેતાઓ તો પાકિસ્તાનને સમજી શક્યા નહોતા, પણ અટલ બિહારી બાજપેયી પણ પાકિસ્તાનને સમજી શક્યા નહોતા. બસ લઈને પાકિસ્તાન જવું, કારગિલમાં માર ખાવો, વિમાનનું અપહરણ અને લજ્જાજનક રીતે એને છોડાવવું, ફરી પાછું આગરામાં હરખ દેખાડવો - આ બધું બતાવે છે કે દિલ્હીમાં બેઠા પછી ભાગ્યે જ કોઈ પાકિસ્તાનને સમજી શકે છે. સમજી શકતા નથી એટલે દિલ્હી સતત માર ખાતું રહે છે અને પ્રશ્નો ઉકેલાતા નથી. દિલ્હીની વારંવારની નિષ્ફળતાથી લોકો તથા સેના પર વિપરીત અસર થવા લાગી હતી. જોકે આપણે સૌએ સ્વીકારવું રહ્યું કે છેલ્લાં થોડાં વર્ષોથી વાત બદલાઈ છે. હવે સમજણ પણ દેખાય છે અને અર્થહીન હરખ દેખાડવાની માનસિકતા પણ રહી નથી. આ આપણી આજ છે. જો આ જ આજ ભૂતકાળમાં પણ રહી હોત તો આપણા દેશ અને દેશવાસીઓએ જે ઘા સહન કર્યા એ સહન કરવા પડ્યા ન હોત. ભૂતકાળના નેતાઓની માનસિકતાને લીધે જ લોકોમાં ભારે નિરાશા અને પોતાના જ નેતા પ્રત્યે ગ્લાનિની ભાવના વધવા માંડી હતી. જોકે કહ્યું એમ ભલું થજો કે ૨૦૧૪ પછી આખી વાત બદલાઈ ગઈ. અગાઉ કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે મર્દાનગી એ કંઈ શોકેસમાં સજાવીને રાખવાનો ગુણ નથી. આવશ્યકતા ઊભી થાય એટલે એને બહાર લાવવી પડે. આજની સરકાર એ કામ કરે છે અને એટલે તો અભિનંદનને કોઈ જાતની માગ વિના સામે ચાલીને પાછો આપવા એ લોકોએ આવવું પડ્યું હતું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists astrology swami sachchidananda