કલાકમાં સો કિલોમીટર કાપતો ચિત્તો એકાદ મિનિટ જ દોડી શકે

03 January, 2023 05:55 PM IST  |  Mumbai | Swami Satchidananda

ભારે શરીરવાળો સિંહ બહુ દોડી શકતો નથી. હા, શિકાર થઈ ગયા પછી પહેલો જમવા તે પહોંચી જાય છે.

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)

માનવસમાજ પાસે બે સૂત્રો છે. એક, જીવો જીવસ્ય ભક્ષણં અને બીજું, જીવો અને જીવવા દો. આ બે સૂત્રો પૈકીનું પ્રથમ સૂત્ર કુદરતી પ્રક્રિયાનું છે, જ્યારે બીજું સૂત્ર પરાકાષ્ઠાના અહિંસાવાદમાંથી ઉત્પન્ન થયેલું છે. 

આપણી ચારે તરફ અસંખ્ય પશુઓ અને પક્ષીઓ વસે છે. એમાંથી કેટલાંકને આપણે પાલતુ બનાવ્યાં છે તો કેટલાંક હજી એમના મૂળ સ્વરૂપમાં જંગલી રહ્યાં છે. આ પશુ-પક્ષીઓમાં મુખ્યત: બે ભેદ છે. એક, ઘાસાહારી અને બીજા, માંસાહારી. લાખ પ્રયત્નો પછી પણ માંસાહારીઓ ઘાસ ખાઈને જીવી શકતાં નથી તો બીજી તરફ ઘાસાહારીઓ મોટા ભાગે માંસાહારી થઈ શકતાં નથી. આ બંનેની સંખ્યાનો અનુપાત પણ સમજવા જેવો છે. એક બરાબર સો જેવો. અર્થાત્ એક માંસાહારી પ્રાણી હોય તો આશરે સો જેટલાં ઘાસાહારી પ્રાણીઓ હોય છે. મારા અનુભવનો એક પ્રસંગ કહું.
ટાન્ઝાનિયાના પ્રવાસ દરમ્યાન અમે ગોરંગોરોક્રેટર અને શરંગેટી જોવા ગયા. પચાસથી સો ફુટ ઊંડા વિશાળ ખાડામાં અહીં લાખ્ખો પ્રાણીઓ સદીઓથી વસે છે. એમાં જુદા-જુદા પ્રકારનાં ઘાસ ખાનારાં ત્રીસ લાખ જેટલાં હરણો છે. એમાં વીલ્ડરબીસ્ટ સૌથી વધારે છે તો બીજી તરફ માંસ ખાનારાં પ્રાણીઓમાં સાતસો સિંહ છે અને દીપડા-ચિત્તા-હાઇના કૂતરા જેવાં બીજાં હિંસક માંસાહારી પ્રાણીઓ છે જેમની કુલ સંખ્યા પાંચ હજારથી વધારે નહીં હોય. માઇલો સુધીનું વૃક્ષો વિનાનું મેદાન છે, જેમાં ચોમાસામાં પુષ્કળ ઘાસ ઊગે છે. 

ગીરના જંગલમાં મેદાન નથી એટલે આફ્રિકામાં જે રીતે હિંસક પ્રાણીઓ ઘાસાહારીઓનો શિકાર કરે છે એવો ગીરમાં નથી થઈ શકતો. ગીરમાં મોટા ભાગે પાણીનાં તળાવોમાં પાણી પીવા આવતાં ઘાસાહારી પ્રાણીઓનો શિકાર હિંસક પ્રાણીઓ વૃક્ષોના ઝુંડમાં લપાઈ-સંતાઈને કરે છે, જ્યારે અહીં આફ્રિકામાં માઇલો સુધી વૃક્ષો ન હોવાથી હિંસક પ્રાણીઓ લાંબું દોડીને શિકાર કરે છે.

કલાકમાં સો કિલોમીટરની ઝડપે એટલે કે સૌથી વધારે ઝડપે ચિત્તો દોડે છે, પણ કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે એ વધુમાં વધુ એકથી દોઢ મિનિટ જ દોડી શકે. પછી હાંફી જાય અને અટકી જાય. આવું જ સિંહોનું પણ છે. સિંહોમાં મોટા ભાગે સિંહણો જ શિકાર કરે છે. ભારે શરીરવાળો સિંહ બહુ દોડી શકતો નથી. હા, શિકાર થઈ ગયા પછી પહેલો જમવા તે પહોંચી જાય છે. અરે, સિંહણો એના સર્વોપરી હકનો સ્વીકાર કરે છે. 

આ વાતનો મૂળ ભાવ શું છે એની વાત હવે આપણે આવતા વીકમાં કરીશું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda wildlife