દોસ્તી, પ્રેમ અને સપનાંને સાકાર કરતાં દેખાડતી ‘કોટા ફૅક્ટરી 2’

25 September, 2021 02:04 PM IST  |  mumbai | Harsh Desai

કોટામાં આવી ગયા બાદ રોજિંદી લાઇફની સાથે સ્ટડીમાં કેવી ચૅલેન્જિસ આવે છે અને એક્ઝામ પહેલાં કેવો માહોલ હોય છે એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે : કેટલાક મુદ્દા વિશે વાત કરવામાં આવી છે પરંતુ ઉપરછલ્લી કરી છોડી દેવામાં આવી છે

‘કોટા ફૅક્ટરી 2’નો સીન

વેબ શો : કોટા ફૅક્ટરી 2

કાસ્ટ : જિતેન્દ્ર કુમાર, મયૂર મોરે, આલમ ખાન અને અહેસાસ ચન્ના

ડિરેક્ટર : રાઘવ સુબ્બુ

રિવ્યુ : ટાઇમ પાસ

યુટ્યુબ પર અને ટીવીએફની ઍપ્લિકેશન પર આવેલી ‘કોટા ફૅક્ટરી’ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ સિરીઝની બીજી સીઝન ‘કોટા ફૅક્ટરી 2’ ને ગઈ કાલે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. બજેટ વધવાની સાથે મેકર્સ પર જવાબદારી પણ વધુ બની હતી. IIT માટે કોટાને હબ ગણવામાં આવે છે અને એના પરથી જ આ શો બનાવવામાં આવ્યો છે. JEEની એક્ઝામ માટે સ્ટુન્ટ્સ પાસે કેવી તૈયારી કરાવવામાં આવે છે અને કોટાના ઇન્સ્ટ‌િટ્યુશન કેવી રીતે કામ કરે છે એના પર આ શો બનાવવામાં આવ્યો હતો. પહેલી સીઝનમાં સ્ટુડન્ટ્સ અલગ-અલગ રાજ્યમાંથી કેવી રીતે આવે છે અને નવા આવેલા સ્ટુડન્ટ્સને કેવી મુશ્કેલીઓ પડે છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ઇન્સ્ટ‌િટ્યૂટ ઍડ્મિશન માટે શું-શું કરે છે એ વિશે પણ વાત કરવામાં આવી હતી.

બીજી સીઝનમાં રાઇટર્સ અને મેકર્સે એક સ્ટેપ આગળ વધી સ્ટુડન્ટ્સને ભણવામાં કેવી તકલીફ પડે છે અને ઇન્સ્ટ‌િટ્યૂટના પ્રોફેસર્સ કેવી રીતે બદલાતા રહે છે એ વિશે વાત કરી છે. આ સાથે જ સ્ટુડન્ટ્સની લાઇફમાં ટીનેજમાં આવતા પ્રૉબ્લેમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જોકે સ્ટુડન્ટ્સને ભણવામાં કેવી રીતે તકલીફ પડે છે એના પર ડીટેલમાં જણાવવામાં નથી આવ્યું. તેમ જ આઇઆઇટીમાં મહિલાઓ ઓછી હોય છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ એને અડધેથી છોડી દેવામાં આવ્યું હોય એવું લાગે છે. મયૂર મોરેએ વૈભવનું પાત્ર ભજવ્યું છે. જિતેન્દ્ર કુમારને બાદ કરીએ તો આ શોમાં વૈભવ સેન્ટ્રલ કૅરૅક્ટર છે. વૈભવ કેવી રીતે નાસમજથી તેના ફ્રેન્ડ્સને ટેકન-ફૉર-ગ્રાન્ટેડ લે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. સેકન્ડ સીઝનમાં દરેક પાત્રના લેયર્સ બદલાયેલા જોવા મળે છે. મયૂર પણ નવો સ્ટુડન્ટ હોય એવો વ્યવહાર નથી કરતો. તેમ જ જિતુ ભૈયા પણ પહેલી સીઝન કરતાં વધુ મૅચ્યોર છે, પરંતુ તેને કોઈ વાતનું દુઃખ હોય એવું સતત દેખાતું હોય છે. દોસ્તી અને પ્રેમની સાથે જિતુ ભૈયા તેના સપનાને પણ પૂરું કરતો હોય છે. જોકે પહેલી સીઝનની સરખામણીએ બીજી સીઝનમાં એટલી ડીટેલમાં વાત કરવામાં નથી આવી.

રાઘવ સુબ્બુ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીઝનમાં પાંચ એપિસોડ છે. પહેલા બે એપિસોડની સ્પીડ ખૂબ જ ધીમી છે, પરંતુ સ્ટોરી ત્રીજા એપિસોડથી સ્પીડ પકડે છે. બીજી સીઝનની સ્ટોરી જ્યારે શરૂ થાય ત્યારે ખૂબ જ લાંબું એક દૃશ્ય દેખાડવામાં આવ્યું છે જેમાં વૈભવ જોવા મળે છે. આ દૃશ્યમાં કોઈ ડાયલૉગ ન હોવા છતાં એ ઘણુંબધું કહી જાય છે અને એ લૉન્ગ દૃશ્ય માટે પણ ડિરેક્ટરને દાદ દેવી જોઈએ. ત્યાર બાદ મહેશ્વરી ક્લાસ‌િસનો સીન આવે છે. આ દરેક દૃશ્યને કલરમાં દેખાડવામાં આવ્યું છે, પરંતુ મહેશ્વરી સર દ્વારા જે સ્પીચ આપવામાં આવે છે અને એ સ્પીચની યુવાન મગજ પર કેવી અસર પડે છે એ વાત ડિરેક્ટર દ્વારા ખૂબ જ સારી રીતે કહેવામાં આવી છે. આ સ્પીચ બાદ વૈભવને ક્લોઝઅપમાં દેખાડવામાં આવે છે અને શોને કલરમાંથી બ્લૅક ઍન્ડ વાઇટ બનાવવામાં આવે છે. આ કલરમાંથી બ્લૅક ઍન્ડ વાઇટ કરવામાં આવે એમાં પણ એક મેસેજ છુપાયેલો લાગે છે. જોકે આ છતાં પણ રાઘવે અમુક જગ્યાએ ખૂબ જ સમય બરબાદ કર્યો હોય એવું લાગે છે. મહેશ્વરી ક્લાસિસનો વિદ્યાર્થી જ્યારે ટૉપર બને ત્યારે તેનાં જે બૅનર લગાવવામાં આવે છે એ ટૉપિક અને દૃશ્યને જરૂર કરતાં વધુ ખેંચવામાં આવ્યાં હોય એવું લાગે છે. તેમ જ અમુક દૃશ્ય પ્રેઝન્ટેશન ચાલી રહ્યું હોય એવું પણ લાગે છે.

‘કોટા ફૅક્ટરી 2’માં જિતેન્દ્ર કુમારે ખૂબ જ સારું કામ કર્યું છે. તેની એક ખૂબી હોય છે કે તે  જ્યારે કોઈ પણ વ્યક્તિને સમજાવે ત્યારે સામેવાળી વ્યક્તિને એ ફીલ થાય છે અને એ દર્શક પણ ફીલ કરી શકે છે. આ ફીલ થવું એ તેના પાત્રને મળેલો સંપૂર્ણ ન્યાય છે. મયૂર મોરેએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે આલમ ખાનનો બિન્દાસ અવતાર અને ઍન્ટિક્સ સમયે-સમયે હસવા પર મજબૂર કરી દે છે. આ સાથે જ અહેસાસ ચન્ના, રેવતી પિલ્લે, રંજન રાજ, ઉર્વી સિંહ અને સમીર સકસેનાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે.

આ સીઝનનો એક ખૂબ જ સારો પ્લસ પૉઇન્ટ એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક છે. કોઈ પણ દૃશ્યમાં આ મ્યુઝિકને કારણે એ ખૂબ જ અદ્ભુત બની ગયું છે. બીજી સીઝનનું એન્ડિંગ ખૂબ જ ટ્વિસ્ટેડ આપવામાં આવ્યું છે. આથી અંદાજો લગાવી શકાય કે ત્રીજી સીઝનમાં શેના વિશે વાત કરવામાં આવશે

harsh desai Web Series entertainment news