`હ્યુમન` રિવ્યુ : સફેદ કોટ પાછળની કાળી દુનિયા

16 January, 2022 12:53 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરી ટુ ધ પૉઇન્ટ અને પર્ફોર્મન્સ ધારદાર છે : શેફાલી શાહ, વિશાલ જેઠવાએ ખૂબ સારું કામ કર્યું છે

`હ્યુમન`નો સીન

વેબ શૉ રિવ્યુ

વેબ શૉ : હ્યુમન

કાસ્ટ : શેફાલી શાહ, કીર્તિ કુલ્હારી, રામ કપૂર, વિશાલ જેઠવા અને આદિત્ય શ્રીવાસ્તવ

ડિરેક્ટર : વિપુલ અમૃતલાલ શાહ, મોઝેઝ સિંહ

રિવ્યુ : સાડા ત્રણ સ્ટાર

ડિઝની+હૉટસ્ટાર પર વિપુલ અમૃતલાલ શાહ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી ‘હ્યુમન’ વેબ વર્લ્ડ માટે એક નવા જ પ્રકારની સ્ટોરી છે. વૅક્સિનની ટ્રાયલ વગેરે જેવા મેડિકલ ટર્મથી આપણે બધા હવે જાણીતા છીએ. કોવિડને કારણે સામાન્ય વ્યક્તિ પણ એનાથી પરિચિત છે. ‘હ્યુમન’ને વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહે ડિરેક્ટ કરી છે. આ શોમાં શેફાલી શાહ, કીર્તિ કુલ્હારી, રામ કપૂર, વિશાલ જેઠવા અને આદિત્ય શ્રીવાસ્તવ જેવા ઘણા ઍક્ટર્સ છે.
સ્ટોરી-ટાઇમ
ઇન્ડિયન વેબ-શોમાં ઘણા એવા ઓછા શો છે જેની સ્ટોરી ખૂબ સમજી-વિચારીને લખવામાં આવી હોય. સ્ટોરી ભોપાલની છે. ભોપાલની હોવાથી વર્ષો પહેલાં થયેલી ગૅસ-દુર્ઘટનાનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો હોય એ સ્વાભાવિક છે. સ્ટોરી એક મલ્ટિ સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલ મંથન અને ડ્રગ બનાવતી કંપની વાયુ ફાર્માની છે. વાયુ ફાર્મા ડ્રગ બનાવે છે અને એનું ટેસ્ટિંગ હ્યુમન પર કરે છે. પહેલાં ફેસનું ટેસ્ટિંગ બાદનું ક્લિયરન્સ ન મળ્યું હોવા છતાં તેઓ બીજા ફેઝનું ટેસ્ટિંગ કરે છે. આ દરમ્યાન ઘણી વ્યક્તિઓનાં મૃત્યુ થાય છે અને એને ફાર્મા કંપની અને મંથન દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે. કોવિડ બાદ વાયુ ફાર્મા બૅન્કરપ્ટ થવાની તૈયારીમાં હોય છે એથી એ એ એવું ડ્રગ બનાવીને દુનિયામાં હાહાકાર મચાવવા માગતું હોય છે અને એનાથી પૈસા કમાવા માગતું હોય છે. આ માટે ઘણા ગરીબ લોકોના જીવ લેવામાં આવે છે અને આની વચ્ચે જે પણ તેમને એક્સપોઝ કરવાની કોશિશ કરે છે તેમણે પણ જીવ ગુમાવવા પડે છે. સફેદ કોટ પાછળની કાળી દુનિયાની આ શોમાં વાત કરવામાં આવી છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન 
મોઝેઝ સિંહ અને ઈશાની બૅનરજી સાથે મળીને ઘણા અન્ય રાઇટર્સે આ શોની સ્ટોરી લખી છે. સ્ક્રીનપ્લેને ટુ ધ પૉઇન્ટ બનાવવામાં આવ્યો છે. સ્ટોરી શેના વિશે છે એ લોકો સુધી રજૂ કરવામાં જરા પણ સમય નથી વેડફવામાં આવ્યો. પહેલી ફ્રેમથી એ એસ્ટૅબ્લિશ કરી દેવામાં આવ્યુ છે અને સ્ટોરી જેમ-જેમ આગળ વધે છે એમ આ કાળી દુનિયામાં કોણ-કોણ સંડોવાયેલું હોય છે એ તમામ પાત્રને પહેલા શોમાં જ એન્ટર કરી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ કોણ, ક્યાંથી, કેવી રીતે રમત રમે છે એને પણ રાઇટર્સે ખૂબ ડિટેઇલમાં દેખાડ્યું છે. શેફાલી શાહનું પાત્ર ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે. લોકોના જીવ બચાવવા માગતી વ્યક્તિ પોતાના ટ્રૉમાથી દૂર થવા માટે ૧૧ છોકરીઓના જીવને દાવ પર લગાવી દે છે એ તમામ લેયર્સ માટે રાઇટર્સને દાદ આપવી પડે. રાઇટર્સની મહેનતને ડિરેક્ટર્સ એટલે કે વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહે એટલી જ સારી રીતે રજૂ કરી છે. કેટલાક શૉટ્સ અને કલર-મૅનેજમેન્ટને નજરઅંદાજ કરવામાં આવે તો તેમણે એક જોરદાર પ્રોડક્ટ લોકો સમક્ષ રજૂ કરી છે. સ્ટોરી વચ્ચે થોડી ધીમી થતી લાગે છે, પરંતુ એટલી જ જોરમાં એ લાઇન પર પણ આવે છે. મેડિકલ ડ્રામામાં પણ પૈસા, લાલચ, પાવર, પૉલિટિક્સ અને રિલેશનશિપનો કેવી રીતે સમાવેશ થાય છે અને કેવી રીતે એનો જરૂર પડ્યે ઉપયોગ કરવામાં આવે છે એને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે.
પર્ફોર્મન્સ
શેફાલી શાહે આ શોમાં બેસ્ટ ન્યુરોસર્જ્યન ગૌરીનાથનું પાત્ર ભજવ્યું છે. લોકોના જીવ બચાવવાનું તેનું સપનું હોય છે. જોકે તેનું સપનું કેવી રીતે લોકોનો જીવ લે છે એને તે નજરઅંદાજ કરે છે. એમ્બિશન અને પાવરની લાયમાં તે કોઈ પણ હદ પાર કરી દે છે. તેનાં રામ કપૂર સાથેનાં ઓપન મૅરેજ હોય છે, પરંતુ રાઇટર્સે આ પાત્રને ખૂબ સારી રીતે લખ્યાં છે તેમ જ ડિરેક્શન પણ એટલું સારું છે કે દર્શકો તેમને જજ નથી કરી શકતા અને કરે એ પહેલાં નવો ટ્વિસ્ટ આવીને ઊભો રહી જાય છે. રામ કપૂરે પણ લિમિટેડ ટાઇમમાં સારું કામ કર્યું છે. શેફાલી શાહ અને વિશાલ જેઠવાની ઍક્ટિંગ ખૂબ ધારદાર છે. વિશાલ જેઠવાએ એક ગરીબ ઘરના છોકરાનું પાત્ર ભજવ્યું છે જે ઝડપથી પૈસા કમાવા માટે કંઈ પણ કરતો હોય છે. એક લાચાર અને ગરીબ છોકરાનું પાત્ર તેણે ખૂબ સારી રીતે ભજવ્યું છે. તેની મમ્મી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના ચહેરા પર દુઃખ અને ગુસ્સાના હાવભાવ જે બદલાતા રહે છે એ પણ ખૂબ સારા છે. કીર્તિ કુલ્હારી તેની પર્સનલ લાઇફમાં તેની રિયલિટી તેના પતિથી છુપાવી રાખે છે. તે એક સારી ડૉક્ટર હોય છે, પરંતુ તે પણ મેન્યુપ્યુલેટ થતી રહે છે. જોકે કોઈ પણ વાતની જડ સુધી જવું એ તેની આદાત છે અને એ પાત્રને તેણે સારી રીતે ભજવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવ સહિતના ઘણા ઍક્ટર્સ લિમિટેડ ટાઇમ માટે છે અને તેમણે પણ તેમનુ યોગદાન પૂરેપૂરી રીતે આપવાની કોશિશ કરી છે.
આખરી સલામ
આ શોમાં દરેક પાત્ર વિચિત્ર વ્યવહાર કરતાં હોય છે અને એ પહેલી વાર જોવામાં થોડું અજુગતું લાગે છે, જેમાં શેફાલી શાહનો પણ સમાવેશ છે. જેમ-જેમ શો આગળ વધે છે એમ તમામ સવાલો અને જે પણ વિચિત્ર લાગે એના જવાબ મળતા જશે. 

entertainment news Web Series web series harsh desai shefali shah ram kapoor