‘આર્યા 2’ Review : શેરનીની દહાડ

14 December, 2021 08:41 AM IST  |  Mumbai | Harsh Desai

સુસ્મિતા સેને ગજબનું કામ કર્યું છે અને તે શોને એકલા હાથે આગળ લઈ ગઈ છે : સ્ટોરી અને ડિરેક્શનમાં થોડા લૂપહોલ્સ છે, પરંતુ યોગ્ય ટ્વિસ્ટ ઍન્ડ ટર્નને કારણે નજરઅંદાજ કરી શકાય

‘આર્યા 2’નો સીન

વેબ સિરિઝ : આર્યા 2

કાસ્ટ : સુસ્મિતા સેન, સિકંદર ખેર, વિકાસ કુમાર

ડિરેક્ટર : રામ માધવાની, કપિલ શર્મા અને વિનોદ રાવત

રિવ્યુ :  ટાઇમ પાસ

સુસ્મિતા સેનની ‘આર્યા 2’ હાલમાં ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. રામ માધવાની દ્વારા ક્રીએટ કરવામાં આવેલા આ શોને ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સની બેસ્ટ ડ્રામા સિરીઝમાં નૉમિનેટ કરવામાં આવી હતી. આ નૉમિનેશન બાદ એની બીજી સીઝન રિલીઝ કરવામાં આવી છે જેને લોકોની અપેક્ષામાં ખરી ઊતરે એ માટેની તમામ કાળજી રાખવામાં આવી છે.
સ્ટોરી
આ સીઝનની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં પહેલી સીઝનનો અંત કરવામાં આવ્યો હતો. આર્યા બધું છોડીને દેશની બહાર જતી રહે છે. તે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ભાગમભાગ કરતી રહે છે. કહેવાય છેને કે ભૂતકાળ ક્યારેય પીછો નથી છોડતો. એમ જ તેનો ભૂતકાળ ફરી તેની સામે આવીને ઊભો રહે છે અને એસીપી ખાન તેને ઇન્ડિયા બોલાવે છે. આર્યાએ તેના પિતા, ભાઈ અને ઉદયવીર શેખાવત વિરુદ્ધ સબૂત ધરાવતું એક પેનડ્રાઇવ એસીપી ખાનને આપ્યું છે. આ પેનડ્રાઇવની તમામ માહિતી સાચી છે એ વિટનેસ તરીકે જાહેર કરવા માટે તેને કોર્ટમાં બોલાવવામાં આવે છે. તે જ્યારે ઇન્ડિયા આવે છે ત્યારે તેના પર હુમલો થાય છે. ત્યાર બાદ તેને પોલીસ-પ્રોટેક્શન નથી મળતું અને તેની સ્ટોરી શરૂ થાય છે. આર્યા સાથે તેની આસપાસનાં દરેક પાત્રની સ્ટોરી આગળ વધે છે. આર્યાની સામે એક પત્ની, એક મમ્મી અને એક મહિલા તરીકે ઘણી પરિસ્થિતિ ઊભી હોય છે જેનો તેણે સામનો કરવો પડે છે. જોકે તેના સપોર્ટમાં હંમેશાં તેની ખાસ મિત્ર માયા હોય છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
સંયુક્તા ચાવલા શેખ અને અનુ સિંહ ચૌધરી દ્વારા લખવામાં આવેલી આ સીઝનનો સ્ક્રીનપ્લે એટલો અદ્ભુત નથી, પરંતુ એમ છતાં એને સ્ક્રીન પર સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. બીજી સીઝનમાં એક પણ પાત્ર પાછળ તેને ઇન્ટ્રોડ્યુસ કરવા વધુ સમય ફાળવવામાં નથી આવ્યો, કારણ કે મેકર્સે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે પહેલી સીઝનને કારણે દર્શકોને આ દુનિયા વિશે માહિતી છે છતાં સ્ટોરી ઘણી વખત નબળી પડતી જોવા મળી છે, પરંતુ ટ્વિસ્ટ દ્વારા એને ફરી ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવી છે. ૮ એપિસોડની આ સીઝનમાં દરેક એપિસોડ ઓછામાં ઓછી ૪૦ મિનિટના છે. રામ માધવાની, વિનોદ રાવત અને કપિલ શર્માએ બીજી સીઝન ડિરેક્ટ કરી છે. આ તમામ એપિસોડમાં તેમણે સ્ટોરીને ખૂબ સારી રીતે સ્ક્રીન પર ઉતારવાની કોશિશ કરી છે. જોકે તેઓ રાજસ્થાન અને એના કલ્ચરની સુંદરતાને કવર કરવામાં નિષ્ફળ રહ્યા છે છતાં તેમણે ઇમોશન્સ અને બદલાની ભાવનાને ખૂબ સારી રીતે દેખાડી છે. એક તરવૈયો હંમેશાં નવી જગ્યાએ તરવાનું ટાળે છે, કારણ કે તેને ખબર નથી હોતી કે અહીંના પાણીની ઊંડાઈ કેટલી છે. આથી મેકર્સ દ્વારા પણ એ વાતની કાળજી રાખવામાં આવી હતી કે આર્યા એક નવી દુનિયામાં પ્રવેશી રહી છે જેની તેને કશી જાણ હોતી નથી.
પર્ફોર્મન્સજ
આર્યાનું પાત્ર સુસ્મિતા સેને ભવ્યું છે. તેણે સૌપ્રથમ એક મમ્મી, ત્યાર બાદ એક પત્ની અને એક મહિલાના પાત્રને જુદાં-જુદાં ઇમોશન્સ દ્વારા દેખાડ્યું છે. તેણે દરેક પરિસ્થિતિમાં જે-તે સિચુએશન મુજબની તેની બૉડી-લૅન્ગ્વેજ દેખાડી છે. આ શોમાં એક ડાયલૉગ છે ‘સિંહ ઘણી વાર ગ્રુપમાં શિકાર કરે છે, પરંતુ એક શેરની જ્યારે તેનાં બાળકોને બચાવવા માટે શિકાર કરે છે ત્યારે તે એકલી હોય છે અને તે સૌથી ખૂનખાર હોય છે.’ સુસ્મિતા એ ડાયલૉગમાં ખરી ઊતરી છે. તે જ્યારે પરિસ્થિતિથી દૂર ભાગવા કરતાં પોતાના હાથમાં બાગડોર સંભાળે છે ત્યારે તેનામાં એક નવું જ રૂપ જોવા મળે છે. આર્યાની સાથે એસીપી ખાનનું પાત્ર પણ વધુ સારી રીતે ભજવાયું હતું. આ પાત્રને પહેલાં કરતાં વધુ સારી રીતે દેખાડાયું છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે એક પોલીસ પણ કેવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરે છે એ પણ ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. આ સાથે એ પણ દેખાડવામાં આવ્યું છે કે એ વાતનો તેને પણ અહેસાસ હોય છે કે તે ખોટું કરી રહ્યો છે. આ શોમાં સરકારી વકીલનું પાત્ર દેખાડવામાં આવ્યું છે. જોકે એ જરૂર કરતાં વધુ અગ્રેસિવ અને હમ્બક દેખાડવામાં આવ્યું છે. ઇન્ટરોગેશન-રૂમમાં તે કેવી રીતે જઈને પોતે ઇન્ટરોગેટ કરે છે એ માનવામાં નથી આવતું. આ સાથે જ આર્યાનાં બાળકોની સ્ટોરી પણ પૅરૅરલ ચાલતી હતી. મોટા દીકરા વીરને ખૂબ સપોર્ટિવ દેખાડવામાં આવ્યો છે તેમ જ નાના દીકરા આદીએ તેના પપ્પાનું મર્ડર થતું જોયું છે અને એની અસર તેના પર કેવી પડે છે એ પણ જોઈ શકાય છે. આર્યાની દીકરી આરુને પપ્પાના મૃત્યુ બાદ મોટો ઝાટકો લાગે છે. તે ડિપ્રેશનમાં જતી રહે છે અને બે વાર સુસાઇડ કરવાની કોશિશ કરે છે. જોકે આ પ્રકારનું પાત્ર ઘણી વાર ઘણા શોમાં જોવા મળ્યું છે અને એમાં કાંઈ નવું નથી. સિંકદર ખેરે પણ તેના લિમિટેડ સ્ક્રીન ટાઇમમાં સારું કામ કર્યું છે.
આખરી સલામ
‘આર્યા 2’ એક થ્રિલર, ઇમોશનથી ભરપૂર બદલાની ભાવના અને ફૅમિલીના સર્વાઇવલની સ્ટોરી દેખાડે છે. કેટલાક લૂપહોલ છે, પરંતુ એને નજરઅંદાજ કરતાં ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ સારા અને યોગ્ય સમયે આપવામાં આવ્યા છે.    

entertainment news Web Series web series hotstar sushmita sen harsh desai