વિદ્યા માલવડેઃ સોશ્યલ મીડિયાનું પ્રેશર, લોકોના જજમેન્ટને કારણે કશું સહેલું નથી બનતું

01 August, 2022 05:45 PM IST  |  Mumbai | Chirantana Bhatt

વિદ્યા માલવડે કહે છે સ્ત્રીઓ કંઇપણ કરે તેને સતત કોઇને કોઇ વાતનું ગિલ્ટ હોય જ છે. નખશિખ સુંદર દેખાતી છોકરીને પણ જો તમે કોમ્પ્લિમેન્ટ આપો તો પણ તેને પોતાની જાતથી, પોતાના દેખાવથી કઇ વાતનો અસંતોષ છે તે બહાર આવી જ જશે

વિદ્યા માલવડે

વિદ્યા માલવડે તેના ‘ચકે દે’ના પાત્રથી તો લોકોમાં રસનો વિષય બની જ હતી પણ તાજેતરમાં તેણે ઇમ્તિયાઝ અલીની ‘ડૉ. અરોરા’માં એક બહુ ઇન્ટ્રેસ્ટિંગ પાત્ર ભજવ્યું છે. આ પાત્રમાં તે એક ગુપ્ત રોગ નિષ્ણાતની પૂર્વ પત્નીનું પાત્ર ભજવે છે જે તેના પતિથી છૂટી પડે છે કારણકે તેની પોતાની શારીરિક જરૂરિયાતો – પ્લેઝરને મામલે તેને સંતોષ નથી મળતો.

વિદ્યા માલવડે અત્યંત સ્ટાઇલિશ અને હૉટ છે અને આ પાત્રમાં તેણે એક સીધી સાધી ‘સ્મોલ ટાઉન’ યુવતીનું પાત્ર ભજવવાનું હતું. બહુ જ ઓછા સંવાદો અને બે ગીતોમાં આ પાત્રની વાર્તા વણી લેવાઇ છે. આ સિરીઝ અંગે વિદ્યા માલવડેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી.

તે કહે છે, “આ સિરીઝનું હાર્દ ભલે એક સેક્સોલૉજિસ્ટની સ્ટોરી છે પણ મારા પાત્ર વૈશાલીનો જે ટ્રેક છે તે હાર્ડકોર રોમેન્ટિક છે, વળી મારી પર બે ગીતો પણ ફિલ્માવાયા છે – અને મને એ વાતનો બહુ આનંદ છે કે હું તેમાં ઇમ્તિયાઝ અલીની જે યુએસપી છે – જેને માટે તે સુપર પૉપ્યુલર છે એવો જ ટ્રેક ભજવી રહી છું. કુમુદ મિશ્રા એટલે કે ડૉક્ટર અરોરોની પત્ની વૈશાલી જે તેમને છોડીને આગળ વધી ગઇ છે તેનું પાત્ર હું ભજવી રહી છું. સમાજની દ્રષ્ટિએ મારું આ પાત્ર આદર્શ પત્નીનું નથી, આ પાત્રને પોતાનું ગિલ્ટ છે, પોતાની ઇચ્છાઓ પણ છે અને માટે જ આ બહુસ્તરીય પાત્ર મારે માટે બહુ એક્સાઇટિંગ રહ્યું. જે રીતે ડૉક્ટર અરોરાનું પાત્ર વૈશાલીના પાત્રને પ્રેમ અને વિરહ બંન્નેની લાગણી એકઠી કરીને નિરખે છે તે જ આ બંન્ને પાત્રો વચ્ચેના કનેક્શનની ખાસિયત છે. વૈશાલીને ડર છે કે પૂર્વ પતિ ક્યાંક તેને હેરાન તો નહીં કરે ને? પોતાનું ગિલ્ટ દૂર કરવા વૈશાલી શું કરશે? પાછા ફરેલા પૂર્વ પતિ સાથે સબંધ બાંધશે? વૈશાલીનું પાત્ર જાણે ભારેલા અગ્નિ જેવું છે.”

પોતાના પાત્ર વિશે વિગતવાર વાત કર્યા બાદ વિદ્યાને જ્યારે પૂછ્યું કે સ્ત્રીઓ જે ગુનાઇત લાગણી અનુભવ્યા કરે છે તે અંગે ટિપ્પણી કરતાં કહ્યું, “સ્ત્રીઓ કંઇપણ કરે તેને સતત કોઇને કોઇ વાતનું ગિલ્ટ હોય જ છે. નખશિખ સુંદર દેખાતી છોકરીને પણ જો તમે કોમ્પ્લિમેન્ટ આપો તો પણ તેને પોતાની જાતથી, પોતાના દેખાવથી કઇ વાતનો અસંતોષ છે તે બહાર આવી જ જશે. કોઇને આંખ સામે વાંધો હોય તો કોઇને પોતાના નાક સામે – કદાચ સમાજે આપણને સતત જજમેન્ટ અને કોમેન્ટ્સ કરી આવી બાબતે વધુ પડતા સજાગ બનાવ્યા છે અને એમાં આપણે જાત માટે જ જજમેન્ટલ થઇ જઇએ છીએ.”

હાલમાં રણવીર સિંહનું જે ફોટોશૂટ થયું તેનો ઉલ્લેખ કરતાં તે કહે છે, “એક છોકરીએ જો આવું ફોટોશૂટ કરાવ્યું હોત તો તેને મળેલી કોમેન્ટ્સ બેહુદી હોત. રણવીરનું ફોટોશૂટ બહુ એસ્થેટિકલી થયેલું છે, ખરેખર સરસ છે પણ શું કોઇ છોકરીનું આવું ફોટોશૂટ લોકો સાંખી શક્યા હોત?”

સમાજની માનસિકતાની ચર્ચા થતા આજકાલની પેઢી જે વધુ સંવેદનશીલ છે, સોશ્યલ મીડિયાને કારણે સતત પોતાના દેખાવને લઇને સ્ટ્રેસમાં રહે છે તેની વાત નીકળે છે. આ મુદ્દો છેડાતાં વિદ્યા કહે છે, “આજે સતત કોણે શું પહેર્યું, કોણ કેટલું સરસ દેખાય છે, કોણે કેટલું વજન વધાર્યું -  આવી જ બાબતો પર ફોકસ કરવામાં આવે છે. લોકો મારા સોશ્યલ મીડિયા પર પણ કંઇપણ લખે છે – એક સમાજ તરીકે આપણે આ માનસિકતા બદલવી રહી. આજકાલના કુમળા માનસ પર આ બધી બાબતોની ઘેરી અસર પડી શકે છે. સ્વસ્થ રહેવું તમારા હાથમાં છે પણ લોકોના મ્હેણાં ટોણાં તમારી માનસિક સ્વસ્થતા ખોરવાઇ જાય તે પણ ખોટું છે. દરેકે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન તો રાખવું જ જોઇએ – તમે ચાહો તો તમે કોઇપણ રસ્તે સ્વસ્થ રહી શકો છો – તમે જે શોધતા હો એ તમને જડી જ જાય- સ્વાસ્થ્યનું પણ એવું જ છે.”

આ ફિલ્મમાં સીધી સાદી વૈશાલીનું પાત્ર ભજવવા માટે વિદ્યા માલવડે અંગે મેકર્સને થોડી મુંઝવણ હતી પણ તેણે પોતાને ત્યાં કામ કરનાર બહેનની સાડી ઉછીની લીધી, લૂક ટેસ્ટ આપ્યો અને વૈશાલીના પાત્ર માટે તેની તરત પસંદગી થઇ ગઇ. ફરી એકવાર આ સિરીઝની ચર્ચા છેડાતા તે કહે છે, “આ સિરીઝ અંગે પહેલા લોકોને ઉત્સુકતા પણ હતી અને લોકોના ભવાં પણ ઉઁચા થઇ ગયા હતા પણ સોની લિવ, ઇમ્તિયાઝ અલી જેવાઓનું બેકિંગ હોય પછી તે સિરીઝમાં દમ હોય જ. સેક્સની વાત કરતી આ સિરીઝમાં કશું પણ અણછાજતું નથી, એવા મુદ્દાઓની વાત થાય છે તેની વાત સામાન્ય રીતે નથી થતી હોતી પણ મેકર્સ અને એક્ટર્સે આ વિષયને સાહજિકતાથી રજૂ કર્યો છે.”

web series vidya malvade bollywood news entertainment news