શ્રીકાંત અને રાજીની બોલબાલા

06 June, 2021 10:13 AM IST  |  Mumbai | Harsh Desai

સાઉથની ઍક્ટ્રેસનું પાત્ર રાજ અને ડીકે દ્વારા ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે : હિન્દીના દર્શકો માટે ભાષાનો પ્રૉબ્લેમ બની શકે છે અને એ આ શોનો માઇનસ પૉઇન્ટ છે

શ્રીકાંત અને રાજીની બોલબાલા

મનોજ બાજપાઈ અને સમંથા અકિનેની વચ્ચે જાણે કોણ વધુ સારું પર્ફોર્મ આપે એની હરીફાઈ હોય એવું લાગે છે : સાઉથની ઍક્ટ્રેસનું પાત્ર રાજ અને ડીકે દ્વારા ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે : હિન્દીના દર્શકો માટે ભાષાનો પ્રૉબ્લેમ બની શકે છે અને એ આ શોનો માઇનસ પૉઇન્ટ છે

ધ ફૅમિલી મૅન  (સીઝન 2) 

કાસ્ટ : મનોજ બાજપાઈ, સમંથા અકિનેની, પ્રિયામણિ, શારીબ હાશ્મી, આશ્લેષા ઠાકુર
ડિરેક્ટર : રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે
   ‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝન હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ છે અને આ શોએ દરેક એક્સપેક્ટેશન પૂરાં કર્યાં છે. આ શોની પહેલી સીઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી એથી જ બીજી સીઝનને લઈને ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ૨૦૨૧ની આ સૌથી વધુ રાહ જોવાઈ રહેલી સીઝનમાંની એક છે. રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે દ્વારા ક્રીએટ કરવામાં આવેલો આ શો પહેલાં કરતાં વધુ ગ્રૅન્ડ બન્યો છે.
સ્ટોરી-ટાઇમ
પહેલી સીઝનના અંતમાં દિલ્હીમાં ગૅસ લીક થયો હોય છે અને એ બચાવવામાં શ્રીકાંત તિવારી (મનોજ બાજપાઈ)ની ટીમ સફળ થઈ હોય છે છતાં તેની ટીમની ઝોયા (શ્રેયા ધનવંતરી)ને ઈજા થઈ હોય છે. આ સાથે જ શ્રીકાંત અને  મિલિંદ (સની હિન્દુજા) ઇમોશનલી હર્ટ થયા હોય છે. તેઓ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ફોકસ નથી કરી શકતા. શ્રીકાંતે ટાસ્ક ફોર્સ છોડી દીધી હોય છે અને આઇટીમાં જૉબ કરતો હોય છે. જોકે ભારત પર નવો ખતરો મંડરાતો હોય છે અને એ હોય છે શ્રીલંકામાં રહેતા તામિલ લોકો. તેઓ તેમના હક માટે લડતા હોય છે અને તેમનો હક છેલ્લે બદલામાં પરિણમે છે.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
રાજ અને ડીકેએ સુમન કુમાર અને સુપર્ણ વર્મા સાથે મળીને આ શોની સ્ટોરી લખી છે. આ એક ફિક્શન સ્ટોરી છે, પરંતુ એમ છતાં એમાં ઘણી બાબતોને વણી લેવામાં આવી છે. આ સ્ટોરી ધ લિબરેશન ટાઇગર્સ ઑફ તમિળ ઇલમ પર બેઝ્‍ડ છે, પરંતુ એને ફિક્શનમાં રૂપાંતર કરવામાં આવી છે. તેમણે આ લોકો પર થતા અત્યાચાર અને તેમણે પોતાના હક માટે જ સંઘર્ષ કરવો પડ્યો હતો એને ખૂબ સારી રીતે દેખાડ્યું છે તેમ જ તેમણે જે રસ્તો અપનાવ્યો હતો એ પણ ખોટો હતો એની પણ તેમણે દરકાર રાખી હતી તેમ જ આ લોકોની સાથે તામિલનાડુના લોકોની જે સિમ્પથી હતી એ પણ ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે. રાજ અને ડીકેએ આ શોના દરેક પાત્રનો વિકાસ થવા માટે પૂરતો સમય આપ્યો છે. ખાસ કરીને સમંથા અકિનેની (રાજી)નું પાત્ર ખૂબ જોરદાર લખવામાં આવ્યું છે. દર્શકોને દરેક દૃશ્યમાં રોમાંચ મળે એ માટે તેમણે સત ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન સાથે લોકોને જકડી રાખ્યા છે. જોકે જ્યારે પણ દર્શન કુમારની સ્ટોરીલાઇન આવે છે એટલે કે સ્ટોરી વિદેશમાં જમ્પ કરે છે ત્યારે સ્ટોરી બોરિંગ બની જાય છે. આ સાથે જ શ્રીકાંતની ફૅમિલીની સ્ટોરીને પણ ખૂબ સારી રીતે આગળ વધારવામાં આવી રહી છે. તેમની દીકરી ધ્રિતીના પાત્રને પણ એક પ્રૉપર ટીનેજ તરીકે દેખાડવામાં આવી છે. આ શોના ક્લાઇમૅક્સની ફોટોગ્રાફી ખૂબ જ જોરદાર છે. ખાસ કરીને સમંથા અને મનોજ બાજપાઈનો ચેઝ સીન.
રાજી ભારે પડી
મનોજ બાજપાઈનું પાત્ર ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે. આઇટી ફર્મમાં કામ કરતો હોય ત્યારે તે જે રીતે પોતાને કન્ટ્રોલ કરે છે એ કાબિલેદાદ છે. તેના ચહેરા પરથી સતત લાગે છે કે તે હમણાં આઉટ ઑફ કન્ટ્રોલ થશે અને તેના બૉસને તમાચો મારશે. જોકે જે પ્રમાણે તેનો બૉસ તેને ટૉર્ચર કરતો હોય એવું આપણામાંના ઘણા લોકો સાથે થયું હશે, આથી એની સાથે ખૂબ સારી રીતે રિલેટ કરી શકાય છે. આ સાથે જ તે જે રીતે તેના ફૅમિલી પ્રૉબ્લેમને હૅન્ડલ કરતો હોય અને બીજી તરફ તેની પ્રોફેશનલ લાઇફને હૅન્ડલ કરતો હોય ત્યારે તેના પાત્રમાં લેયર્ડ જોવા મળે છે. તે બે લાઇફ જીવી રહ્યો હોય છે અને એ દેખાઈ આવે છે. મનોજ બાજપાઈ સાથે આ શોમાં સમંથાએ પણ ખૂબ મારફાડ કામ કર્યું છે. શરૂઆતમાં તે જ્યારે બસમાં ટ્રાવેલ કરતી હોય ત્યારે લોકો કેવી રીતે તેના શરીર સાથે છેડછાડ કરે અને તે કંઈ ન કરી શકતી હોવાનું દેખાડવામાં આવે છે. અહીં તેને એક ખૂબ જ લાચાર દેખાડવામાં આવી છે, પરંતુ જેમ-જેમ સ્ટોરી આગળ વધે છે એમ તે વાઘણ બનતી જોવા મળે છે. રાજીએ ટીનેજમાં ઘણું જોઈ લીધું હોય છે. તેના પર ઘણી વાર બળાત્કાર થાય છે, લોકલ ટ્રાન્સપોર્ટમાં પણ તેની સાથે છેડછાડ થાય છે, નોકરી કરતી હોય ત્યાં બૉસ તેના પર ગંદી નજર ફેરવે છે એથી રાજીમાં ફક્ત એક જ વાતને લઈને ગુસ્સો નથી હોતો. તેની અંદર સતત એક આગ ભડકતી રહે છે અને તેના એક્સપ્રેશનલેસ ચહેરા વડે તેણે તેની ડાર્ક સાઇડને ખૂબ સારી રીતે રજૂ કરી છે. તેની ઍક્શન પણ ખૂબ સારી છે. આજ સુધી સાઉથમાં પણ સમંથાને આવા પાત્રમાં કેમ કોઈએ ન જોઈ એ એક સવાલ છે. આ સિવાય શારીબ હાશ્મી (જેકે), આશ્લેષા ઠાકુર (ધ્રિતી) અને અભય વર્મા (કલ્યાણ અથવા સલમાન)ના પાત્ર ખૂબ સારી રીતે ભજવાયાં છે.
માઇનસ પૉઇન્ટ
શોની શરૂઆત જ તામિલ ભાષામાં વાત કરતા હોય ત્યાંથી થાય છે (ઓછામાં ઓછા ચાર ફોન આવ્યા હશે કે આ ભાષા બદલવી ક્યાંથી, હિન્દી છે તો પણ તામિલમાં આવે છે અને એક ભાઈ તો કન્નડ બોલે છે એમ કહ્યું). સ્ટોરીને ન્યાય આપવા માટે તામિલમાં બોલતા દેખાડવું જરૂરી એ સમજી શકાય છે, પરંતુ દર્શકો માટે આ એક માઇનસ પૉઇન્ટ છે, કારણ કે સૌથી મહત્ત્વની વાત હોય એ જ તામિલમાં હોય છે આથી સબ-ટાઇટલ વાંચવામાં દૃશ્ય પર ધ્યાન નથી આપી શકાતું તેમ જ આ શોની સ્ટોરીલાઇન ઘણી વાર વિદેશમાં પણ જમ્પ મારે છે અને એને કારણે એ થોડી લંબાવવામાં આવી હોય એવું લાગે છે. આ સાથે જ શોના ક્લાઇમૅક્સને ખૂબ ઝડપથી પૂરો કરવામાં આવ્યો હોય એવું લાગે છે. જાણે રાજ અને ડીકેને કોરોનાને કારણે લૉકડાઉન લાગતાં સ્ટોરી જલદી પૂરી કરવાની હોય.
આખરી સલામ
કોરોના અને લૉકડાઉનથી યાદ આવ્યું કે સ્ટોરીના અંતમાં સીઝન ત્રણની પણ હિન્ટ આપવામાં આવી છે. ત્રીજી સીઝન કોરોના વાઇરસ દરમ્યાન ચીનીઓ કેવી રીતે ઇન્ડિયામાં કાંડ કરવાના હોય એના પર હોય એવું લાગી રહ્યું છે. જોકે એ પહેલાં આઇસક્રીમ અથવા તો પૉપકૉર્નનું બકેટ સાથે લઈને આ શો જોઈ નાખો.

the family man 2 harsh desai Web Series entertainment news