વાત કેટલીક ઇન્ડિયન ડૉક્યુમેન્ટરીની

10 March, 2024 09:15 AM IST  |  Mumbai | Bhavya Gandhi

કોઈ પણ બેસ્ટ ઇન્ડિયન ફિલ્મ-મેકર્સની ફિલ્મ કરતાં પણ અનેકગણી ઇન્ટરેસ્ટિંગ અને ગ્રીપિંગ ડૉક્યુમેન્ટરીની એક વાર આદત પડી તો તમે ખરેખર વેબ-સિરીઝ જોતા બંધ થઈ જશો

પ્રતીકાત્મક તસવીર

આપણી વાત ચાલી રહી છે ડૉક્યુમેન્ટરીની અને એ જ વાતને આજે કન્ટિન્યુ કરું તો કહેવું પડે કે નેટફ્લિક્સ પર એક ડૉક્યુમેન્ટરી છે, ‘ધ હન્ટ ફૉર વીરપ્પન’, એ ભૂલ્યા વિના જોજો. અત્યારે તો ચંદનચોર વીરપન્ન હયાત નથી, પણ જો તમે આ ડૉક્યુમેન્ટરી જોશો તો તમને ખરેખર સમજાશે કે આ વીરપ્પન કઈ માયા હતો અને તેણે કેટકેટલા સ્ટેટને અને એને લીધે આખા ઇન્ડિયાને કેવી રીતે પરસેવો છોડાવી દીધો હતો!

વીરપ્પન પર આપણે ત્યાં ત્રણ-ચાર ફિલ્મ બની છે, પણ એ ફિલ્મો પછી જો તમે આ ડૉક્યુમેન્ટરી જુઓ તો તમને સમજાય કે આપણા ફિલ્મ-મેકર્સે એક ખૂંખાર માણસને સેલ્યુલૉઇડ સ્ક્રીન પર કેવો નબળો દેખાડ્યો હતો. વીરપ્પનનાં રિયલ ફુટેજ પણ આ ડૉક્યુમેન્ટરીમાં છે તો એમાં વીરપ્પનના ઇન્ટરવ્યુ પણ છે. હા, વીરપ્પન પત્રકારને બોલાવીને રીતસર ઇન્ટરવ્યુ આપતો અને એ ઇન્ટરવ્યુ ટીવી પર પણ આવતા અને ન્યુઝપેપરમાં પણ પ્રિન્ટ થતા. તમને આ જ ડૉક્યુમેન્ટરીમાં એક એવા જર્નલિસ્ટનો રિયલ ઇન્ટરવ્યુ પણ જોવા મળશે, જે વીરપ્પનને મળ્યો હતો અને વીરપ્પને તેને પ્રૉમિસ કર્યું હતું કે મારા ઇન્ટરવ્યુ પછી તને ગવર્નમેન્ટનો કોઈ માણસ જરાસરખોય હેરાન નહીં કરે અને એવું જ થયું હતું! ઇન્ડિયાના મોસ્ટ વૉન્ટેડ એવા માણસનો ઇન્ટરવ્યુ તમે લઈ આવો અને પોલીસ તેને શોધી ન શકતી હોય તો નૅચરલી તમારી ઇન્ક્વાયરી થાય, તમારે એ ઇન્ક્વાયરીમાં હાજર રહેવું પડે અને ધારો કે તમે સરખી રીતે જવાબ ન આપો કે પછી કોઈ વાત છુપાવવાની કોશિશ કરો તો તમારી અરેસ્ટ પણ થઈ શકે, પણ પેલા જર્નલિસ્ટ સાથે એવું કશું થયું નહોતું. આ વીરપ્પનની પહોંચ હતી અને આ જ નહીં, આનાથી પણ ચારગણી ચડિયાતી કહેવાય એવી વાતો આ ડૉક્યુમેન્ટરીમાં છે.

જો તમને સસ્પેન્સ-થ્રિલર અને હૉરર ફીલ આપતી ડૉક્યુમેન્ટરી જોવાનું ગમતું હોય તો તમારે માટે નેટફ્લિક્સ પર જ એક ડૉક્યુમેન્ટરી છે ‘ધ હાઉસ ઑફ સીક્રેટ્સ ઃ ધ બુરારી ડેથ્સ.’ દિલ્હીની ઘટના યાદ છેને, જેમાં એક જ ફૅમિલીના ૧૧ લોકોએ એકસાથે સુસાઇડ કર્યું હતું અને દેશભરમાં સન્નાટો મચી ગયો હતો.

એ જે ઘટના હતી એના પર તમન્ના ભાટિયાને લઈને એક વેબ-સિરીઝ પણ બની છે, પણ તમે એ વેબ-સિરીઝ અને આ ડૉક્યુમેન્ટરી બન્ને જોશો તો ચોક્કસ કહેશો કે વેબ-સિરીઝ કરતાં પણ ડૉક્યુમેન્ટરી વધારે ડરામણી છે. હા, સાચે જ. રિયલ ઇન્ટરવ્યુઝ, ઘટનાના દિવસે અને એની આગળ-પાછળ બનેલી ઘટનાઓ, એ ઘટનાઓ સાથે જોડાયેલા લોકો અને પોલીસને મળેલાં અનેક પ્રકારનાં પ્રૂફના આધારે તૈયાર થયેલી એ ડૉક્યુમેન્ટરીને એક પણ પ્રકારના ફિક્શનની જરૂર નથી પડી અને એ પછી પણ એ એવી ગ્રીપિંગ છે કે તમે ધારણા પણ ન રાખી હોય. જો તમે રાતે એકલા જોતા હો તો થોડી વાર પછી તમારે ઘરની તમામ લાઇટ ચાલુ કરી દેવી પડે એવો ડર લાગે અને એ પણ એક પણ જાતની કલ્પનાઓ ઉમેર્યા વિના, કોઈ પણ જાતના ભૂતડા-ભૂતડી ઉમેર્યા વિના. માત્ર રિયલિટીને જ બેઝ બનાવીને પોલીસ ઇન્વેસ્ટિગેશનના આધારે તૈયાર થયેલી આ ડૉક્યુમેન્ટરીનો પ્લસ પૉઇન્ટ જો કોઈ હોય તો એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે.

આવી તો અનેક ડૉક્યુમેન્ટરી છે જે જોતી વખતે તમને સહેજ પણ ન લાગે કે તમે ફિલ્મ નથી જોતા. ઊલટું, તમને એવું જ લાગે જાણે તમે ફિલ્મથી પણ વધારે ચડિયાતું કન્ટેન્ટ જુઓ છો. ઇન્ડિયામાં ડૉક્યુમેન્ટરી બનવાનું હવે વધ્યું છે, પણ એમ છતાં કહેવું પડે કે એ યુરોપ અને અમેરિકા કરતાં હજી ઘણું ઓછું છે. આપણે ત્યાં ડૉક્યુમેન્ટરીના કામને ક્રીએટિવ કામ ગણવામાં નથી આવતું, પણ હૉલીવુડમાં તો ડૉક્યુમેન્ટરી-મેકર્સને બહુ માનથી જોવામાં આવે છે અને એ જ કારણ છે કે સ્ટીવન સ્પીલબર્ગ પણ ડૉક્યુમેન્ટરી બનાવી ચૂક્યા છે. જો તમને અંગ્રેજી ડૉક્યુમેન્ટરી જોવી હોય તો તમારી પાસે ખરેખર આખો દરિયો છે. આપણે ત્યાં હજી અમેરિકા કે યુરોપની બહુ ઓછી અંગ્રેજી ડૉક્યુમેન્ટરીને ડબ કરવામાં આવી છે, પણ અનેક એવી ડૉક્યુમેન્ટરી હજી પણ એવી છે જેને હિન્દી ડબ કરવામાં આવે તો જોવાની મજા બદલાઈ જાય. ઓસામા બિન લાદેને અમેરિકાના ટ્વિન ટાવર પર અટૅક કર્યો એ એક જ સબ્જેક્ટ પર અલગ-અલગ ઍન્ગલથી ચારથી પાંચ ડૉક્યુમેન્ટરી બની છે, તો ઓસામા બિન લાદેનને શોધવાનું કામ ચાલતું હતું એ સબ્જેક્ટ પર ડૉક્યુમેન્ટરી બની છે અને પાકિસ્તાનમાં ઓસામાને શોધીને તેને જે રીતે ખતમ કરવામાં આવ્યો એની પણ ડૉક્યુમેન્ટરી છે અને જેન્યુઇનલી સુપર્બ છે. કોઈ પણ હિન્દી ફિલ્મ કરતાં અનેકગણી ચડિયાતી પણ ખરી. એક વાર જોવાનું શરૂ કરો. ગૅરન્ટી સાથે કહું છું, તમે વેબ-સિરીઝ જોતા બંધ થઈ જશો.

netflix Web Series web series entertainment news columnists Bhavya Gandhi