‘ધ ફ્રીલાન્સર’માં ઍક્શન અને ડ્રામાની સાથે રોમૅન્સ અને પેઇન જેવાં ઘણાં હ્યુમન ઇમોશન્સ જોવા મળશે : મોહિત રૈના

01 September, 2023 02:52 PM IST  |  Mumbai | Harsh Desai

મોહિત રૈનાનું કહેવું છે કે ‘ધ ફ્રીલાન્સર’માં ઘણાં ઇમોશન્સ જોવા મળશે. આ શોના ક્રીએટર નીરજ પાન્ડે છે અને એને ડિરેક્ટ ભાવ ધુલિયાએ કરી છે. એમાં સાત એપિસોડ છે અને એ આજે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

મોહિત રૈના

મોહિત રૈનાનું કહેવું છે કે ‘ધ ફ્રીલાન્સર’માં ઘણાં ઇમોશન્સ જોવા મળશે. આ શોના ક્રીએટર નીરજ પાન્ડે છે અને એને ડિરેક્ટ ભાવ ધુલિયાએ કરી છે. એમાં સાત એપિસોડ છે અને એ આજે ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શોમાં મોહિત પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે. તેના પાત્ર અને આ શો તેણે કેમ પસંદ કર્યો એ વિશે પૂછતાં મોહિત રૈનાએ કહ્યું કે ‘હું અવિનાશ કામતનું પાત્ર ભજવી રહ્યો છું જે મુંબઈ પોલીસમાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. ટ્રેલરના લુક પરથી જોઈ શકાય છે એમાં ખૂબ જ ઍક્શન છે; કારણ કે પ્લેન, હેલિકૉપ્ટર અને હથિયારો ખૂબ જ જોવા મળે છે. લોકોને આ ટ્રેલર જોઈને એવું લાગે છે કે આવું પાત્ર મેં અગાઉ ભજવ્યું છે. જોકે એ હકીકત નથી. અવિનાશ કામત એક એવું પાત્ર છે જેને મેં આજ સુધી ટચ સુધ્ધાં નથી કર્યું. તે એક ઑર્ડિનરી અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હોય છે જેણે એક્સ્ટ્રા-ઑર્ડિનરી અચીવમેન્ટ મેળવી હોય છે. તે બધી બાજુથી હારી ગયો હોય અને કોઈ આશા બચી ન હોય એવા સમયે તે બદલાની ભાવના સાથે કમબૅક કરે છે. તે ખૂબ જ ઘાતકી વ્યક્તિ બની જાય છે. તેનો ગ્રાફ ખૂબ જ અદ્ભુત છે અને મેં આજ સુધી મારા પાત્રમાં આવો ગ્રાફ નથી જોયો. મને આ ગ્રાફ ખૂબ જ ગમ્યો હતો અને મને આવી દુનિયા ખૂબ જ પસંદ છે. નાનો હતો ત્યારે હું ‘બૉર્ન’ સિરીઝ, ‘ટેકન’ સિરીઝ અને ‘ડાઇ હાર્ડ’ સિરીઝ જોઈને મોટો થયો છું. આથી હું એક દિવસ આવી દુનિયાનો પાર્ટ બનવા માગતો હતો અને મને ‘ધ ફ્રીલાન્સર’ મળી અને મેં એ તરત જ ઝડપી લીધી.’

‘ધ ફ્રીલાન્સર’ની દુનિયાને સ્ક્રીન પર જીવંત કરવા માટે કેવી તૈયારીઓ કરી હતી એ વિશે જણાવતાં મોહિત રૈનાએ કહ્યું કે ‘મેં આ માટેની ઘણી ફિલ્મો જોઈ હતી. આ દુનિયાથી થોડો હું અવગત હતો એથી મારા દિમાગમાં થોડું પિક્ચર તો ક્લિયર હતું કે અમે શું બનાવવા જઈ રહ્યા છીએ. મેં શિરીષ થોરાટની બુક ‘અ ટિકિટ ટુ સિરિયા’ પણ વાંચી હતી અને તેમને મળીને તેમની સાથે વાતચીત પણ કરી હતી. મને તેમની પાસેથી ઘણા ઇન્પુટ મળ્યા હતા. મેં કાસ્ટ સાથે પણ શોનાં ઘણાં રીડિંગ સેશન કર્યાં હતાં. મારે મારા ફ્રેન્ડની દીકરીને સેવ કરવાની હોવાથી મારી ફિઝિકાલિટી પણ અલગ દેખાડવાની હતી. આથી મારે ઘણી ફિઝિકલ ટ્રેઇનિંગ લેવી પડી હતી, કારણ કે અવિનાશ કામત એક એવી વ્યક્તિ છે જેણે લાઇફમાં ઘણું જોયું છે અને તેનો અનુભવ પણ જોરદાર છે. હું નવોદિત છે એવું ન દેખાવું જોઈએ એથી આ તમામ ફૅક્ટર પર મારે ખૂબ જ મહેનત કરવી પડી હતી.’

આ શોમાં ડ્રામા અને થ્રિલ જોવા મળી રહ્યાં છે. દર્શકો આ પ્રકારના શો પાસેથી શેની આશા રાખી શકે છે એ વિશે જણાવતાં મોહિત રૈનાએ કહ્યું કે ‘આ શોમાં ઘણી ઇમોશનલ રોલર કોસ્ટર રાઇડ છે. એમાં ઘણાં હ્યુમન ઇમોશન્સ જોવા મળશે. આ શોમાં બે વ્યક્તિ વચ્ચેના રિલેશનની સાથે ડ્રામા, રોમૅન્સ, લવ, ઍક્શન, દુઃખદર્દ બધું જ જોવા મળશે. આથી ‘ધ ફ્રીલાન્સર’માં દર્શકોને દરેક પ્રકારનાં ઇમોશન્સ જોવા મળશે.’ આ શોના ફેવરિટ દૃશ્ય વિશે પૂછતાં મોહિત રૈનાએ કહ્યું કે ‘મારી પત્ની મંજરી સાથે એક દૃશ્ય છે. અમે સાથે બેસીને અમે કેવી રીતે કૉલેજમાં મળ્યાં હતાં, અમે કેવી રીતે સાથે લાઇફ પસાર કરવાનું નક્કી કર્યું હતું અને આજે લાઇફ અમને ક્યાં લાવીને મૂકી દે છે એ વિશે વાત કરીએ છીએ. લાઇફમાં એક વ્યક્તિ એવી હોવી જોઈએ જેની સાથે તમે દરેક વાત શૅર કરી શકો છો અને એથી જ મંજરી સાથેનું આ જે દૃશ્ય છે એને ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે અને એથી જ એ મારું ફેવરિટ છે.’

mohit raina neeraj chopra web series bollywood news entertainment news