જ્યારે રાજુ શ્રીવાસ્તવની દીકરીને મળ્યો હતો વીરતા એવોર્ડ, જાણો બહાદુરીનો એ કિસ્સો

22 September, 2022 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજુ શ્રીવાસ્તવની દીકરી અંતરા શ્રીવાસ્તવને બહાદુરીપુર્વક માતાનો જીવ બચાવવા બદલ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના હસ્તે વીરત એવોર્ડ મળ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવની દીકરી અતંરા શ્રીવાસ્તવને તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ તરફથી વીરતા એવોર્ડ મળ્યો હતો

દેશના જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)એ 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક બાદ દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 42 દિવસ સુધી તેમની મૃત્યુ સાથેની લડાઈ ચાલુ રહી. જોકે, ગત રોજ એટલે કે 21 સપ્ટેમ્બરની સવારે તે આ યુદ્ધ હારી ગયા અને દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનથી દેશભરમાં શોકની લહેર છે, લોકો દુઃખી છે. આ દરમિયાન તેમની પુત્રી અંતરા શ્રીવાસ્તવ(Antara Srivastav)નો એક જૂનો કિસ્સો હેડલાઇન્સમાં આવ્યો છે, જ્યારે તેણીએ તેની માતાનો જીવ બચાવવા માટે બહાદુરી બતાવી હતી.

આવી બહાદુરી બતાવી હતી અંતરાએ

આ કિસ્સો એ દિવસોનો છે જ્યારે અંતરા શ્રીવાસ્તવ માત્ર 12 વર્ષની હતી. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, એક દિવસ માત્ર તે અને તેની માતા શિખા શ્રીવાસ્તવ ઘરમાં હતા. તે જ સમયે કેટલાક ચોર તેના ઘરમાં ઘૂસ્યા અને તેણે શિખા પર બંદૂક તાકી. આવી સ્થિતિમાં અંતરા જ હતી જેણે પોતાની બહાદુરીથી તેની માતાનો જીવ તો બચાવ્યો પણ તે ચોરોને પોલીસના હવાલે પણ કર્યો.

જ્યારે ચોર તેના ઘરમાં ઘૂસ્યા ત્યારે અંતરા તરત જ બીજા રૂમમાં ગઈ અને ત્યાં તેણે તેના પિતા અને પોલીસને ફોન કરીને તમામ માહિતી આપી. આટલું જ નહીં, તેણે બેડરૂમની બારીમાંથી તેના બિલ્ડિંગના ચોકીદારને પણ બોલાવ્યો હતો. જે બાદ પોલીસ ત્યાં આવી અને ચોરોને પકડી લીધા અને આ રીતે અંતરા અને તેની માતા બંનેનો જીવ બચી ગયો.

વર્ષ 2006 માં અંતરા શ્રીવાસ્તવને આ બહાદુરી માટે ભારત સરકાર દ્વારા વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ એવોર્ડ દેશના તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આપ્યો હતો. આ સાથે અંતરા દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામને પણ મળી હતી. તે દરમિયાનની તસવીરો અંતરા દ્વારા વર્ષ 2019માં ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.

television news indian television raju shrivastav