જય ભાનુશાલીના રસોઇયાએ તેના પરિવારને ખતમ કરવાની ધમકી આપતાં ફરિયાદ કરી દાખલ

02 July, 2022 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમનું કહેવું છે કે થોડા દિવસો અગાઉ નોકરી પર રાખેલા કુક દ્વારા ઘરમાં ચોરી થવાની માહિતી મળતાં તેને ચેતવ‌ણી આપી હતી

જય ભાનુશાલી અને તેની વાઇફ માહી વિજ

જય ભાનુશાલી અને તેની વાઇફ માહી વિજે તેમના કુકે તેના પરિવારને ખતમ કરવાની ધમકી આપતાં પોલીસ-ફરિયાદ દાખલ કરી છે. તેમનું કહેવું છે કે થોડા દિવસો અગાઉ નોકરી પર રાખેલા કુક દ્વારા ઘરમાં ચોરી થવાની માહિતી મળતાં તેને ચેતવ‌ણી આપી હતી. એથી તેણે ગાળો આપીને જય ભાનુશાલીના પરિવારને ખંજરથી ખતમ કરવાની ધમકી આપી હતી. એથી તેઓ પોલીસ-ફરિયાદ કરવા નીકળ્યા તો તે સતત તેમને કૉલ કરવા લાગ્યો. આ બન્નેને તેમની નાની દીકરી તારાની ચિંતા કોરી ખાય છે. આ વિશે ટ્વિટર પર માહીએ ટ્વીટ કર્યાં હતાં, પરંતુ બાદમાં એને ડિલીટ કરી નાખ્યાં હતાં. પોલીસે તેને જામીન પર છોડી મૂક્યો છે. એથી તેમને હવે પરિવારની ચિંતા થઈ રહી છે. એ વિશે માહીએ કહ્યું કે ‘ત્રણ દિવસ અગાઉ જ અમે તેને ચોરી માટે ચેતવણી આપી હતી. હું આ વિશે જયને કહેવાની રાહ જોઈ રહી હતી. જય જ્યારે આવ્યો તો તેણે તેનો પગાર ચૂકવવાની વાત કહી તો તેણે આખા મહિનાનો પગાર માગ્યો. એનું કારણ પૂછ્યું તો તે‌ણે કહ્યું કે ‘દોસૌ બિહારી લાકે ખડા કરુ દૂંગા.’ તે દારૂ પીતો હતો અને અમને ગાળો આપતો હતો. અમે પોલીસની મદદ લીધી. મારી સાથે ભલે જે પણ થાય, પરંતુ મને મારી દીકરીની ચિંતા થાય છે.’

entertainment news indian television television news jay bhanushali mahi vij